મળો ગુજરાતણ મહેંદી આર્ટિસ્ટને:કેટરીના જ નહીં, દીપિકા પદુકોણથી લઈ ઈશા અંબાણી સહિતની દુલ્હનના હાથમાં વીણા નાગડાએ મહેંદી મૂકી છે

મુંબઈ2 મહિનો પહેલા
  • વીણા નાગડાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હોવાની વાત કહી હતી

7 ડિસેમ્બરે કેટરીના કૈફની મહેંદી સેરેમની ધામધૂમથી કરવામાં આવી હતી. કેટરીનાના હાથમાં વિકી કૌશલના નામની મહેંદી મુકાઈ ચૂકી છે. કેટરીનાને ગુજરાતણ વીણા નાગડાએ મહેંદી મૂકી હતી. વીણા નાગડા બોલિવૂડમાં સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય છે. વીણાએ સો.મીડિયામાં તસવીર શૅર કરીને આડકતરી રીતે કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હોવાની વાત સ્વીકારી હતી. વીણા મહેંદી સેરેમની બાદ તરત જ હૈદરાબાદ જવા નીકળી ગઈ છે. વીણાએ બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સના હાથમાં મહેંદી મૂકી છે. વીણા નાગડા મૂળ ગુજરાતી છે.

વીણાએ આ પોસ્ટથી ઈશારો કર્યો છે કે તેમણે કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હતી.
વીણાએ આ પોસ્ટથી ઈશારો કર્યો છે કે તેમણે કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હતી.

રૂઢિચુસ્ત પરિવારમાં જન્મ
વીણાનો જન્મ એક રૂઢિચુસ્ત ગુજરાતી જૈન પરિવારમાં થયો છે. વીણા પાંચ બહેનમાંથી સૌથી નાની છે. વીણાની માતા હાઉસવાઈફ અને પિતા પૂજારી હતાં. ધોરણ 10 પછી વીણાને આગળ ભણવા દેવામાં આવી નહોતી. જોકે ઘરમાં રહીને પણ વીણાએ પોતાની રીતે આગવું કામ શરૂ કર્યું હતું. તે ઘરમાં જ સાડી-એમ્બ્રોઇડરીનું કામ કરતી હતી. ધીમે ધીમે વીણાને મહેંદી ડિઝાઈન શરૂ કરવાનું વિચાર્યું હતું. તેમની મહેંદી આસપાસના વિસ્તારમાં ઘણી લોકપ્રિય થઈ હતી. ત્યાર બાદ તેણે મહેંદીમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું.

વરુણ ધવનના લગ્નમાં પણ વીણા નાગડાએ જ મહેંદી મૂકી હતી.
વરુણ ધવનના લગ્નમાં પણ વીણા નાગડાએ જ મહેંદી મૂકી હતી.

પૂનમ ધિલ્લોન પહેલાં સેલિબ્રિટી કસ્ટમર
17 વર્ષની ઉંમરમાં મુંબઈની આ છોકરીએ પોતાના મહેંદી શોખને કરિયર બનાવી લીધી હતી.. ખૂબ મહેનત પછી ધીમે ધીમે વાણીએ પોતાનો બિઝનેસને વિસ્તારવાનું નક્કી કર્યું હતું. વીણાએ પોતાના મહેંદી ક્લાસીસ પણ શરૂ કર્યા હતા. ત્યાં પૂનમ ધિલ્લોન તેમનાં સૌપ્રથમ સેલિબ્રિટી કસ્ટમર હતાં.

ઈશા અંબાણીની સગાઈમાં વીણા નાગડા.
ઈશા અંબાણીની સગાઈમાં વીણા નાગડા.

અવનવી ડિઝાઈનની મહેંદી મૂકે છે
વીણા નાગડાને વર્લ્ડમાં સૌથી ઝડપી મહેંદી મૂકવાનો અવોર્ડ પણ મળ્યો છે. મહેંદી ડિઝાઈનમાં વીણાની ક્રિએટિવિટી જોઈને લોકો દંગ રહી જાય છે. વીણાને બ્રાઈડલ મહેંદી, નેલ આર્ટ, શેડેડ મહેંદી, હીરા-મોતી મહેંદી વગેરેમાં નિપુણતા હાંસલ છે. વીણાના ક્લાયન્ટ્સમાં અંબાણી પરિવાર, ડાયમંડકિંગ વિજયભાઈ શાહથી લઈ અનેક જાણીતાં નામો સામેલ છે.

'કાલી પીલી'ના સેટ પર અનન્યા પાંડે સાથે.
'કાલી પીલી'ના સેટ પર અનન્યા પાંડે સાથે.

ફિલ્મમાં એક્ટ્રેસીસના હાથમાં વીણાની મહેંદી
બોલિવૂડમાં જો કોઈના લગ્ન હોય તો મહેંદી સેરેમનીમાં વીણા નાગડા મોટા ભાગે જોવા મળે જ છે. બોલિવૂડ સાથે વીણાનો જૂનો સંબંધ છે. ઘણી બોલિવૂડ ફિલ્મમાં જેમ કે 'કભી ખુશી કભી ગમ', 'કલ હો ના હો', 'મેરે યાર કી શાદી હૈ', 'યે જવાની હૈ દીવાની' અને 'પટિયાલા હાઉસ'માં વીણાનું કામ જોવા મળ્યું હતું. આ ફિલ્મની એક્ટ્રેસીસને વીણાએ જ મહેંદી મૂકી હતી.

'કલ્યાણ જ્વેલર્સ'ની જાહેરાતના શૂટિંગ દરમિયાન બિગ બી સાથે વીણા.
'કલ્યાણ જ્વેલર્સ'ની જાહેરાતના શૂટિંગ દરમિયાન બિગ બી સાથે વીણા.

અમિતાભથી લઈને દીપિકા સુધી વીણાના ક્લાયન્ટ્સ
બોલિવૂડમાં કપૂર પરિવાર, દીપિકા પાદુકોણ, કાજલ અગ્રવાલ, કપિલ શર્મા, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સોનુ નિગમ, ઝરીન ખાન, શિલ્પા શેટ્ટી, ફરાહ ખાન, ડિમ્પલ કાપડિયા, જયા પ્રદા, શબાના આઝમી, ફરદીન ખાન, રેખા, માધુરી દીક્ષિત, આશા ભોસલે, એકતા કપૂર અને પૂનમ ધિલ્લોન જેવાં મોટા સ્ટાર્સ વીણાનાં ખાસ ક્લાયન્ટસ છે.

કરિશ્મા કપૂરના લગ્નમાં વીણા નાગડાએ જ મહેંદી મૂકી હતી.
કરિશ્મા કપૂરના લગ્નમાં વીણા નાગડાએ જ મહેંદી મૂકી હતી.

60 હજાર સ્ટુડન્ટ્સને શીખવાડી ચૂક્યાં છે મહેંદી આર્ટ
બોલિવૂડમાં કરવાચોથનું ફંક્શન હોય કે પછી લગ્ન હોય, વીણાની ડિમાન્ડ હોય જ છે. તે આ પ્રોફેશનના માધ્યમથી દેશ-વિદેશમાં તો ફરે જ છે, સાથે સાથે લાખોમાં કમાણી પણ કરે છે. વીણાએ 60 હજારથી વધુ સ્ટૂડન્ટ્સને મહેંદી આર્ટ શીખવી છે. તે મુંબઈમાં એક ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવે છે.

નીતા અંબાણી સાથે વીણા નાગડા.
નીતા અંબાણી સાથે વીણા નાગડા.

સેલિબ્રિટીઝના લગ્નમાં મહેંદી માટે પૈસા નથી માગતાં
વીણાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ સેલિબ્રિટીના ત્યાં મહેંદી મૂકવા જાય ત્યારે કોઈ રૂપિયા માગતા નથી. એ વાત અલગ છે કે સેલિબ્રિટી સામેથી જે આપે એ લઈ લે છે. તેઓ સામાન્ય રીતે 5 હજારથી લઈને 10-25 હજાર રૂપિયા ચાર્જ કરે છે. મહેંદીની ડિઝાઈન પ્રમાણે ભાવ અલગ અલગ હોય છે.