જાહેરાતોને કારણે ઘણીવાર કંપનીઓને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવતી હોય છે. હાલમાં જ પાન મસાલાની જાહેરાતને કારણે અક્ષય કુમારને ટ્રોલ કરવામાં આવ્યો હતો. હુન્ડાઇ, કિઆ મોટર્સ જેવી ઓટો કંપનીઓને પણ સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. તનિષ્ક જ્વેલરી કંપની પણ જાહેરાતને કારણે વિવાદમાં આવી ચૂકી છે. હવે માલાબાર ગોલ્ડની જાહેરાત પર સો.મીડિયા યુઝર્સ નારાજ થયા છે.
અખાત્રીજ પર માલાબાર ગોલ્ડની નવી જાહેરાત
અક્ષય તૃતીયાનો તહેવાર આવી રહ્યો છે. આને ધ્યાનમાં લઈને માલાબાર ગોલ્ડે હાલમાં જ એક નવી જાહેરાત રિલીઝ કરી હતી. જાહેરાતમાં કરીના કપૂર જોવા મળે છે. કરીના આ જાહેરાતમાં ચાંદલા વગર દેખાઈ છે. અનેક સો.મીડિયા યુઝર્સને આ વાત પસંદ આવી નહીં. યુઝર્સે કહ્યું હતું કે અક્ષય તૃતીયા હિંદુઓ માટે પવિત્ર તહેવાર છે અને આ પ્રસંગે ઘરેણાં ખરીદતાં હોય છે. યુઝર્સે સવાલ કર્યો હતો કે હિંદુઓના તહેવારની જાહેરાતમાં કરીના કપૂરે શા માટે ચાંદલો લગાવ્યો નથી.
સો.મીડિયાએ બૉયકૉટની માગણી કરી
સો.મીડિયા યુઝર્સે #No_Bindi_No_Business તથા #Boycott_MalabarGold હેશટેગથી વિરોધ કર્યો હતો. એક યુઝરે કહ્યું હતું, 'માલાબાર ગોલ્ડની નવી જાહેરાત હિંદુઓના તહેવારની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવી છે. ભારતીય મહિલાઓના પારંપરિક પહેરવેશમાં ચાંદલો મહત્ત્વપૂર્ણ છે.
યુઝર્સે કરીનાના લગ્ન સાથે આ જાહેરાતને જોડી
ઉલ્લેખનીય છે કે યુઝર્સે કરીના કપૂરના લગ્ન તથા માલાબાર ગોલ્ડના માલિકને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. કરીનાએ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. જ્યારે કંપનીના માલિક મુસ્લિમ છે.
1993માં કંપની શરૂ થઈ
માલાબાર ગોલ્ડની સ્થાના એમપી અહમદે પોતાની ટીમ સાથે 1993માં કરી હતી. કંપનીની મેઇન ઓફિસ કેરળના કોઝિકોડમાં છે.
આ પહેલાં પણ ચાંદલા અંગે વિવાદ થયો હતો
ગયા વર્ષે પણ સો.મીડિયામાં #No_Bindi_No_Business ટ્રેન્ડ થયું હતું. એ સમયે ફેબ ઇન્ડિયા તથા ટાટા ક્લિક જેવી કંપનીઓની દિવાળીની જાહેરાતના વિરોધમાં આ હેશટેગ ટ્રેન્ડ થયું હતું. ફેબ ઇન્ડિયાની દિવાળીની જાહેરાતની ટૅગલાઇન 'જશ્ન એ રિવાઝ' રાખી હતી. આ ટૅગલાઇન સામે અનેક યુઝર્સે વિરોધ કર્યો હતો. તેમને ઉર્દૂ શબ્દ સામે વાંધો હતો. વિવાદ વધતાં ફેબ ઇન્ડિયાએ પોસ્ટર હટાવી લીધા હતા.
આલિયા ભટ્ટ પણ વિવાદમાં ફસાઈ હતી
આલિયા ભટ્ટે માન્યવરની જાહેરાત શૂટ કરી હતી. આ જાહેરાતમાં તે કન્યાદાનને બદલે કન્યામાન શબ્દ બોલે છે. આ જાહેરાત અંગે પણ વિવાદ થયો હતો. કેટલાકના મતે આ જાહેરાત હિંદુ વિધિનો વિરોધ કરતી હોવાનું કહ્યું હતું. આ જાહેરાત વિરુદ્ધ અનેક હિંદુ સંગઠનોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
વિવાદ બાદ તનિષ્કે જાહેરાત પાછી લીધી
ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની જાહેરાત અંગે ખાસ્સો વિવાદ થયો હતો. આ જાહેરાતમાં સીમંતની વિધિ બતાવવામાં આવી હતી. હિંદુ યુવતીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા હતા. સાસુ પૂરા રીત-રિવાજ સાથે સીમંતની વિધિ કરે છે. આ જાહેરાત પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે લવ-જેહાદને પ્રોત્સાહન આપે છે. વિવાદ વધતાં તનિષ્કે જાહેરાત પરત ખેંચી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.