ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ:પ્રિયંકા ચોપરાએ કહ્યું, 'હું અને નિક બેબી પ્લાન કરી રહ્યાં છીએ'

મુંબઈ4 દિવસ પહેલા

પ્રિયંકા ચોપરાએ સો.મીડિયા અકાઉન્ટના બાયોમાંથી 'ચોપરા તથા જોનસ' સરનેમ હટાવી દીધી હતી. આથી જ એવી પણ ચર્ચા થવા લાગી કે પ્રિયંકા તથા નિક ડિવોર્સ લેવાના છે. અલબત્ત, આવું તેણે માત્ર પતિના કોમેડી શો 'ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ' માટે આમ કર્યું હતું. હવે પ્રિયંકાએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે અને આ વીડિયોમાં તે પતિ તથા દિયર-જેઠને રોસ્ટ કરતી જોવા મળે છે.

પ્રિયંકાએ શોમાં નિક જોનસને રોસ્ટ કર્યો
પ્રિયંકા ચોપરાએ સો.મીડિયામાં 'ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ'નો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા સ્ટેજ પર છે અને તેની સામે ત્રણેય જોનસ બ્રધર્સ છે. વીડિયોમાં પ્રિયંકા કહે છે, 'આજે રાત્રે હું મારા પતિ નિક જોનસ તથા તેના ભાઈઓને, જેના નામ મને યાદ રહેતા નથી. તેમને રોસ્ટ કરીને સન્માનિત ફિલ કરું છું. હું ભારતનું છું. એક એવો દેશ જ્યાંની સંસ્કૃતિ, સંગીત તથા મનોરંજન ઘણું જ સમૃદ્ધ છે. આથી જ એ વાત સ્પષ્ટ છે કે તે જોનસ બ્રધર્સ માટે બન્યો નથી.'

વધુમાં પ્રિયંકા કહે છે, 'નિક જોનસ તથા મારી ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. 90ના દાયકાના પોપ કલ્ચરના અનેક ઉદાહરણ તે સમજી શકતો નથી અને હું તેને સમજાવું છું. જે ઠીક પણ છે, કારણ કે અમે બંને એકબીજાને શીખવીએ છીએ, જેવી રીતે તે મને ટિકટોકનો ઉપયોગ કેવી રીતે થાય તે શીખવે છે અને હું તેને બતાવું છું કે એક સફળ એક્ટિંગ કરિયર શું હોય.'

શોમાં પ્રિયંકાએ બેબી પ્લાનિંગ અંગે વાત કરી
પ્રિયંકા ચોપરાએ 'ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ'માં બેબી પ્લાનિંગ અંગેની વાત મજાકમાં કહી હતી. તેણે નિકના ભાઈઓનું ઉદાહરણ આપતા કહ્યું હતું, 'અમને બાળક થયું નથી, તેવા અમે એક માત્ર કપલ છીએ. આ જ કારણથી હું તમામની સામે કહેવા માગું છું કે હું અને નિક બેબી પ્લાન કરી રહ્યાં છીએ.' ઉલ્લેખનીય છે કે નિક જોનસને બે મોટા ભાઈ તથા એક નાનો ભાઈ છે. નિકના મોટા બંને ભાઈઓને ઘરે બાળકો છે. આથી જ પ્રિયંકાએ એમ કહ્યું હતું કે ત્રણ વહુઓમાંથી માત્ર તેના ઘરે જ પારણું બંધાયું નથી.

રાત્રે દારૂ પીશું
પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું, 'આજે રાત્રે અમે ચિક્કાર દારૂ પીશું અને આવતીકાલ સવાર સુધી સૂતા રહીશું. હું બેબીસિટ કરવા માગતી નથી. મારો અર્થ છે કે કોઈ બીજા સાથે લગ્ન કરી લો.' નોંધનીય છે કે પ્રિયંકાએ આ તમામ વાતો મજાકમાં કરી હતી અને તે હાલમાં બેબી પ્લાનિંગ અંગે સીરિયસ નથી.

પ્રમોશનના ભાગરૂપે સરનેમ દૂર કરી
પ્રિયંકા ચોપરાના પતિ નિક તથા જોનસ બ્રધર્સ નેટફ્લિક્સ પર કોમેડી શો 'જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ' લઈને આવ્યા છે. આ શોમાં તમામ ભાઈ અલગ અલગ રીતથી એકબીજાને રોસ્ટ તથા ટ્રોલ કરશે. આ શોમાં પ્રિયંકા પણ નિક તથા ભાઈઓને રોસ્ટ કરતી જોવા મળી. પ્રિયંકાએ સો.મીડિયામાં જોનસ સરનેમ આ શોના પ્રમોશનના ભાગરૂપે જ હટાવી હતી.

23 નવેમ્બરથી શો સ્ટ્રીમ થયો
'જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ' શોમાં ત્રણ જોનસ બ્રધર્સની સાથે તેમની પત્નીઓ પ્રિયંકા ચોપરા, સોફી ટર્નર તથા ડેનિયલ જોનસ પણ જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ શોને પ્રમોટ કરીને સો.મીડિયામાં કહ્યું હતું, 'જોનસ બ્રધર્સને રોસ્ટ થતાં જોવા માટે તૈયાર છું. હું અત્યારથી જ મારા હાસ્યને રોકી શકતી નથી.' આ શો 23 નવેમ્બરથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો છે.