નીના ગુપ્તાએ સરોજ ખાનને યાદ કર્યાં:‘ચોલી કે પીછે’ ગીતના શૂટિંગ સમયે મને માધુરી દીક્ષિતની સામે નવર્સ થવા દીધી નહોતી’

મુંબઈ2 વર્ષ પહેલા

3 જુલાઈના રોજ કોરિયાગ્રાફર સરોજ ખાનનું નિધન થયું હતું. તેમના અવસાનથી ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. બોલિવૂડના ઘણાં સેલેબ્સે સરોજ ખાન સાથે કામ કરવાના અનુભવ સોશિયલ મીડિયામાં શૅર કર્યાં હતાં. હાલમાં જ નીના ગુપ્તાએ પણ ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શૅર કરીને સરોજ ખાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સરોજ ખાને 1993માં આવેલી ફિલ્મ ‘ખલનાયક’માં નીના ગુપ્તા તથા માધુરી દીક્ષિતના સુપરહિટ ગીત ‘ચોલી કે પીછે ક્યા’ની કોરિયોગ્રાફી કરી હતી. નીના ગુપ્તાએ આ ગીત દરમિયાનની કેટલીક યાદો શૅર કરી હતી. 

શૂટિંગ દરમિયાન નર્વસ હતી
નીનાએ કહ્યું હતું, આ ગીતના શૂટિંગ માટે સેટ પર પહેલી જ વાર ગઈ હતી. મેં એવું સાંભળ્યું હતું કે હિટ સોંગની કોરિયોગ્રાફી કરનાર સરોજ ખાન આ ગીતને કોરિયોગ્રાફ કરશે. હું બહુ જ નર્વસ હતી. મારી સામે માધુરી દીક્ષિત હતી અને તેને કારણે  મને વધારે ડર લાગતો હતો. જ્યારે સરોજજીએ મને ડાન્સ મૂવ્સ બતાવવાના શરૂ કર્યાં ત્યારે મારા હાથ-પગ ઠંડા પડી ગયા હતાં અને મારીથી બોલી જવાયું હતું, ‘હું આ નહીં કરી શકું, મારી અંદર આત્મવિશ્વાસ જ નથી’

આ સમયે મને સરોજજીએ કહ્યું હતું, ‘તને જે પ્રકારના મૂવ્સ પસંદ હોય તે મને કહી દે, હું કોરિયોગ્રાફીમાં તે મૂવ્સ લઈ લઈશ.’તેમણે મારા જણાવેલા મૂવ્સ ગીતમાં સામેલ કર્યાં અને સરળ સ્ટેપ્સ આપ્યાં. હું માધુરીની જેમ અનુભવી ડાન્સર નહોતી પરંતુ સરોજજીએ મને એટલું કમ્ફર્ટ આપ્યું કે હું ધીમે ધીમે સમજી કે તેમને મારી પાસેથી શું જોઈએ છીએ. 

સપનું અધૂરું રહી ગયું
નીનાએ સરોજ ખાન સાથે બીજીવાર કામ કરવાનું સપનું જોયું હતું પરંતુ આ સપનું પૂરું થયું નહીં. નીના ગુપ્તાએ કહ્યું હતું, ‘ગયા વર્ષે મને ‘બધાઈ હો’ માટે કેટલાંક અવોર્ડ મળ્યાં હતાં. જોકે, હવે તો મારી ઉંમર થઈ ગઈ છે પરંતુ વિચારતી હતી કે મને ક્યારેય અવોર્ડ શોમાં સ્ટેજ પર પર્ફોર્મ કરવા માટે બોલાવવામાં આવશે. જો આમ થયું હતું તો હું એક જ શરત પર પર્ફોર્મ કરીશ. મારી શરત એવી હશે કે મારા પર્ફોર્મન્સની કોરિયોગ્રાફી સરોજ ખાન કરશે. હવે આ સપનું ક્યારેય પૂરું થશે નહીં.’