શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં એક મહત્ત્વની વાત સામે આવી છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ શનિવાર, 9 ઓક્ટોબરના રોજ કલાકો સુધી પૂછપરછ કરી હતી. ડ્રાઇવરે સ્વીકાર્યું હતું કે આર્યન ખાન તથા અરબાઝને તે ક્રૂઝ ટર્મિનલ પર ડ્રોપ કરવા ગયો હતો. આ દરમિયાન ગઈ કાલે (9 ઓક્ટોબર) આર્યનના વકીલ સતીશ માનશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
ડ્રાઇવરને શું પૂછવામાં આવ્યું?
NCBએ શાહરુખ ખાનના ડ્રાઇવરને સમન્સ પાઠવીને 12 કલાક સુધી પૂછપરછ કરી હતી. ડ્રાઇવરને આર્યન ખાન તથા અરબાઝની એક્ટિવિટી અંગે સવાલો કરવામાં આવ્યો હતો. NCBએ ડ્રાઇવરનું નિવેદન નોંધ્યું છે.
NCB જામીન અરજીનો વિરોધ કરશે
NCB ડ્રાઇવરનું નિવેદન આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કરવામાં વાપરશે. ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ અર્ચિત કુમાર પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કોર્ટ જામીન અરજીની સુનાવણી પર એવી દલીલ કરી શકે છે કે તે આર્યન તથા અર્ચિતની સામસામે બેસાડીને પૂછપરછ કરવા માગે છે. જો કોર્ટે આ દલીલ માની લીધી તો આર્યને થોડાં વધુ દિવસ જેલમાં પસાર કરવા પડશે.
ચાર વ્યક્તિઓ મર્સિડિઝ કારમાંથી મન્નતથી નીકળ્યા હતા
પૂછપરછમાં એ વાત સામે આવી હતી કે આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ, પ્રતીક ગાબા તથા અન્ય એક વ્યક્તિ હતો. આ ચારેય મન્નતથી ક્રૂઝ ટર્મિનલ પર ગયા હતા.
ક્રૂઝ પાર્ટી પહેલાં ડ્રગ્સ અંગે વાત થઈ હતી
NCBએ દાવો કર્યો છે કે ક્રૂઝ પાર્ટી પહેલાં ડ્રગ્સ અંગે વાતચીત થઈ હતી અને તેમની પાસે આ અંગેના પુરાવા છે. આ માહિતી બાદ NCBએ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ 1985)ના સેક્શન 29ને FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ)માં એડ કરી છે. આ વાતને વધુ નક્કર બનાવવા માટે NCBએ ડ્રાઇવરનું નિવેદન પણ નોંધ્યું છે.
આર્યને ડ્રગ્સ લેવાની વાત સ્વીકારી
આર્યન અને અરબાઝ મર્ચન્ટે NCBની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેતા હોવાની વાત સ્વીકારી છે. આર્યને કહ્યું હતું કે ‘હા, હું ચરસ લેતો હતો.’ આર્યને કોર્ટમાં પંચનામામાં જણાવ્યું છે કે તપાસ દરમિયાન અરબાઝના બૂટમાંથી ડ્રગ્સનું પાઉચ મળ્યું હતું. અરબાઝ પાસેથી 6 ગ્રામ ચરસ મળ્યું હતું.
એક આરોપાના ફોનમાંથી હોલિવૂડ-બોલિવૂડ સ્ટાર્સના નંબર મળ્યા
NCBના સૂત્રોના મતે, ધરપકડ કરાયેલા એક આરોપીના ફોનમાંથી કોડ ફોર્મેટમાં નંબર લખવામાં આવ્યા હતા. આ નંબર્સ હોલિવૂડ સ્ટાર્સ હતા અને તેમને વિદેશમાં ડ્રગ્સ મળી જશે તેવી વાત કરવામાં આવી હતી. કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ તથા તેમના પરિવારને પણ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતો હોવાની વાત તપાસ દરમિયાન સામે આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.