સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં NCBએ હાઉસ હેલ્પ નીરજ તથા કુક કેશવ બાદ હવે એક્ટરના બૉડીગાર્ડની પૂછપરછ કરવાનું નક્કી કર્યું છે. આ પહેલાં સુશાંત ડેથ કેસમાં હરીશ ખાન નામના ડ્રગ પેડલરને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 29 મેના રોજ NCBએ હૈદરાબાદમાંથી સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી હતી.
રિયા જૂના સ્ટાફમાંથી માત્ર બૉડીગાર્ડ જ ના બદલી શકી
રિપોર્ટ પ્રમાણે, સુશાંતના બૉડીગાર્ડે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને ઓગસ્ટ 2020ના રોજ એમ કહ્યું હતું કે સુશાંતના ઘર થતી પાર્ટીમાં પૈસાનો વેડફાટ થતો હતો, પરંતુ સુશાંત આ પાર્ટીમાં સામેલ થતો નહોતો. આ પાર્ટીમાં રિયા તથા તેનો પરિવાર, મિત્રો જ આવતા હતા. બૉડીગાર્ડ સુશાંતના જૂના સ્ટાફમાંથી છે. બૉડીગાર્ડને રિયા બદલી શકી નહીં. રિયા એક્ટરના જીવનમાં આવી પછી તેણે સુશાંતનો પૂરો સ્ટાફ બદલી નાખ્યો હતો.
ડ્રગ પેડલર હરીશ પણ પકડાયો
NCBની ટીમના રિઝનલ ડિરેક્ટર સમીર વાનખેડેની લીડરશિપમાં અંધેરી, લોખંડવાલા તથા બાંદ્રામાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા અને પછી હરીશ ખાનની ધરપકડ કરી હતી. અધિકારીએ કહ્યું હતું કે હાલમાં NCBએ ચિંકુ પઠાન ડ્રગ્સ કેસમાં ખાનને અરેસ્ટ કર્યો છે. જોકે, સુશાંત કેસમાં જોડાયેલા ડ્રગ્સ એંગલમાં પણ તેની ભૂમિકાની તપાસ થશે.
સિદ્ધાર્થ 9 મહિનાથી NCBથી ભાગતો હતો
સુશાંત સિંહ રાજપૂતના મોતના 11 મહિના બાદ રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ હૈદરાબાદમાંથી ધરપકડ કરી હતી. તે છેલ્લાં 9 મહિનાથી એજન્સી ભાગતો પિઠાની સુધી નવા સો.મીડિયા અકાઉન્ટથી પહોંચી હતી. કહેવાય છે કે સુશાંતના મોત બાદ સિદ્ધાર્થે તરત જ પોતાનું જૂનું સો.મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. 14 જૂન, 2020ના રોજ સુશાંત પોતાના બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે ઘરમાં સિદ્ધાર્થ પિઠાની હાજર હતો.
એપ્રિલમાં નવું અકાઉન્ટ બનાવ્યું
સૂત્રોના મતે, NCB ઓગસ્ટ, 2020થી પિઠાનીની શોધમાં હતી. આ વર્ષે એપ્રિલમાં સિદ્ધાર્થે સો.મીડિયામાં નવું અકાઉન્ટ બનાવ્યું હતું અને જીમની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ સાથે જ તેણે કહ્યું હતું, પિત્ઝા પાવર. ફૂડ એન્ડ ફિટનેસ. આ ઉપરાંત તેણે પોતાની સગાઈની તસવીરો પણ સો.મીડિયામાં શૅર કરી હતી. જ્યારે NCBએ પિઠાનીના નવા સો.મીડિયા અકાઉન્ટમાં જીમવાળી તસવીર જોઈ તો તેઓ તે જીમમાં ગયા હતા. જોકે, અહીંયા સિદ્ધાર્થ મળ્યો નહોતો. NCB મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે પિઠાનીને સમન્સ આપવા છતાંય તે કોઈ જવાબ આપતો નહોતો. તપાસ એજન્સી સતત તેને ટ્રેસ કરતી હતી અને તેને ધરપકડ કરવા માટે તેના સો.મીડિયા અકાઉન્ટ પર નજર રાખી હતી.
12 હજાર પાનાંની ચાર્જશીટ, 200 સાક્ષીઓના નિવેદન
NCBએ ગયા વર્ષે 14 જૂનના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલ કેસમાં પાંચ માર્ચના રોજ મુંબઈની એક વિશેષ કોર્ટ સમક્ષ આરોપપત્ર દાખલ કર્યું હતું. 12 હજાર પેજની ચાર્જશીટમાં એક્ટ્રેસ તથા સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક 33 આરોપીઓના નામ છે. આ ડોક્યૂમેન્ટ્સમાં 200થી વધુ સાક્ષીઓના નિવેદન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.