બોલિવૂડમાં ડ્રગ્સ:અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ NCB ઓફિસ પહોંચી, એક્ટરને ગુરુવારે પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે

એક વર્ષ પહેલા
એક્ટર અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ઘરે દરોડા પાડી NCBએ બંનેની તપાસ કરી છે. - Divya Bhaskar
એક્ટર અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ઘરે દરોડા પાડી NCBએ બંનેની તપાસ કરી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અર્જુન રામપાલનાઘરે દરોડા પાડ્યા હતા. આજે 11 નવેમ્બરે અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સને 11 વાગ્યે NCB ઓફિસ પૂછપરછ માટે બોલાવવામાં આવી, પરંતુ તે અંદાજે 12:30 વાગ્યે ઓફિસ પહોંચી હતી. તપાસ એજન્સીએ અર્જુન રામપાલને પૂછપરછ માટે ગુરુવાર (12 નવેમ્બર)નું સમન્સ મોકલ્યું છે. મુંબઈના તેના અંધેરીના ઘરે ટીમ પહોંચી હતી.

અર્જુનના ઘરે રેડ પાડી એજન્સીએ તેના ગેજેટ્સ જપ્ત કરી લીધા છે. આ પહેલાં તપાસ એજન્સીએ રામપાલના ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. દિવ્ય ભાસ્કરે 1 ઓક્ટોબરે જ અર્જુન રામપાલના ડ્રગ્સ કનેક્શન વિશે જણાવી દીધું હતું. વાંચો, તે દિવસના સંપૂર્ણ સમાચાર જેમાં અમે NCBના અધિકારીના હવાલે જણાવ્યું હતું કે અર્જુન રામપાલ શાહરુખ ખાનના ઘરે ડ્રગ્સ લઈને જતો હતો.

સુશાંત ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ ઘણા બધા સ્ટાર્સના નામ સામે આવ્યા હતા. અર્જુન રામપાલનું નામ પણ સામે આવ્યું હતું. અગાઉ એક ડ્રગ પેડલરે NCB સમક્ષ એવી વાત રજૂ કરી હતી કે અર્જુન રામપાલ સુપરસ્ટાર શાહરુખ ખાનને ડ્રગ્સ સપ્લાય કરે છે. ત્યારબાદ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલ ડેમેટ્રીયડ્સના ભાઈ અગિસિલાઓસની લોનાવાલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન મળ્યા બાદ ફરી તેને એજન્સીએ કસ્ટડીમાં લીધો છે. NCB અનુસાર 30 વર્ષીય અગિસિલાઓસ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. એજન્સીએ તેની સપ્લાય ચેનને ટ્રેક કરીને અમુક પુરાવા પણ મેળવ્યા છે.

અત્યાર સુધી ઘણા લોકોની ધરપકડ થઇ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પછી ડ્રગ્સ કેસમાં ધર્મા પ્રોડક્શનના પૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ થઇ છે. તે મુંબઈમાં કોકિન સપ્લાય કરનારા નાઈઝીરિયન ઓમેગા ગોડવિનના સંપર્કમાં હતા. જ્યારે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના સ્ટાફ મેમ્બર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત સહિત ઘણો લોકોની ધરપકડ થઇ છે. તેમાં ડ્રગ્સ પેડલર્સ પણ સામેલ છે. રિયા ચક્રવર્તી આશરે એક મહિના સુધી જેલમાં રહ્યા પછી ગયા મહિને જામીન મળ્યા બાદ બહાર આવી છે. રિયાનો ભાઈ હજુ પણ જેલમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...