સ્વર્ગીય એક્ટર સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) ડ્રગ્સ એંગલથી તપાસ કરે છે. આ કેસમાં હવે એજન્સીએ રિયા ચક્રવર્તી, ભાઈ શૌવિક ચક્રવર્તી તથા અન્ય લોકોને આરોપી બનાવ્યા છે. NCBએ તમામ આરોપીઓ વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં ડ્રાફ્ટ ચાર્જ ફાઇલ કર્યો છે. આ તમામ પર સુશાંત સિંહ માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ છે. કાર્યવાહી દરમિયાન રિયા તથા શૌવિક કોર્ટમાં હાજર હતાં.
12 જુલાઈએ સુનાવણી થશે
આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર અતુલ સરપંદેએ કહ્યું હતું કે ચાર્જશીટમાં તમામ આરોપીઓ પર આરોપ નક્કી કરવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તી તથા ભાઈ શૌવિકે ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો. તેમણે જ સુશાંત માટે ડ્રગ્સની ખરીદી કરી હતી.
અતુલ સરપંદેએ આગળ કહ્યું હતું કે કોર્ટ તમામ આરોપો નક્કી કરવાની હતી, પરંતુ એમ થઈ શક્યું નહીં, કારણ કે કેટલાંક આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન ફાઇલ કરી છે. આ જ કારણે કોર્ટ કોઈ નિર્ણય લઈ શકી નહીં. કોર્ટે કહ્યું હતું કે ડિસ્ચાર્જ એપ્લિકેશન પર ચુકાદો આવ્યા બાદ આરોપીઓ પર આરોપો નક્કી કરવામાં આવશે. સ્પેશિયલ જજ વીજી રઘુવંશી આ કેસમાં 12 જુલાઈએ સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટના આદેશ પર CBI તપાસ કરી રહી છે
2020માં 14 જૂનના રોજ સુશાંત સિંહ મુંબઈ સ્થિત પોતાના ફ્લેટ પર મૃત મળી આવ્યો હતો. NCBએ ડ્રગ્સ એંગલથી કેસની તપાસ શરૂ કરી હતી અને રિયા ચક્રવર્તીની સપ્ટેમ્બર, 2020માં ધરપકડ કરી હતી. તે એક મહિનો જેલમાં રહી હતી અને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન લીધા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પર આ કેસની તપાસ CBI કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.