ડ્રગ્સ કેસ:NCBએ સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર ઋષિકેશ પવારની ધરપકડ કરી, એક્ટરને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનો આક્ષેપ

મુંબઈ10 મહિનો પહેલા
સુશાંતના હાઉસ મેનેજર દીપેશ સાવંતે દાવો કર્યો હતો કે ઋષિકેશે સુશાંત માટે ડ્રગ્સ લાવતો હતો - Divya Bhaskar
સુશાંતના હાઉસ મેનેજર દીપેશ સાવંતે દાવો કર્યો હતો કે ઋષિકેશે સુશાંત માટે ડ્રગ્સ લાવતો હતો

બોલિવૂડમાં ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવાર, 2 ફેબ્રુઆરીના રોજ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર ઋષિકેશ પવારની ધરપકડ કરી છે. પવાર છેલ્લાં ઘણાં દિવસોથી ફરાર હતો. NDPS કોર્ટમાંથી જામીન અરજી રદ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અનેકવાર સમન્સ પાઠવ્યા બાદ પણ પવાર કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થયો નહોતો.

દીપિશે પણ ઋષિકેશનું નામ લીધું હતું
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે ડ્રગ્સ કેસનો મુદ્દો છવાયેલો હતો, ત્યારે સુશાંતના સ્ટાફ દિપેશ સાવંતે પોતાના નિવેદનમાં ઋષિકેશનું નામ આપ્યું હતું, અને આક્ષેપ કર્યો છે કે તે સુશાંત સિંહને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ ઉપરાંત એક ડ્રગ્સ સપ્લાયરે ઋષિકેશનું નામ લીધું હતું. આથી જ ઋષિકેશ જ સુશાંતને ડ્રગ્સ સપ્લાય કરતો હતો, તેમ માનવામાં આવે છે.

NCB સતત ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યું છે
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ મુંબઈમાં બાંદ્રા સ્થિત ફ્લેટ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મોત બાદથી CBI, ED, NCB, મુંબઈ પોલીસ તથા બિહાર પોલીસે આ કેસની તપાસ કરી છે. જોકે, સુશાંતના મોત પાછળનું સાચું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

અનેક સેલેબ્સની પૂછપરછ થઈ
સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ એક્ટરની પ્રેમિકા રિચા એક મહિનો જેલમાં રહી હતી અને તેનો ભાઈ ત્રણ મહિના રહ્યો હતો. સુશાંતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સ રેકેટનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો હતો. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર સહિતની એક્ટ્રેસિસની પૂછપરછ કરવામાં આવી હતી. અર્જુન રામપાલની બેવાર પૂછપરછ થઈ હતી. 30થી વધુ ડ્રગ્સ પેડલર અરેસ્ટ થયા. હજી પણ NCB આ કેસની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...