નવ્યાએ નાની-મમ્મી સાથે પીરિયડ્સ અંગે વાત કરી:જયા બચ્ચને કહ્યું, 'શૂટિંગ દરમિયાન ઝાડની આડશમાં સેનિટરી પેડ બદલતા, બાથરૂમ જવા માટે પર્વત કે ખેતરમાં જવું પડતું'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ હાલમાં પોતાના પોડકાસ્ટનો લેટેસ્ટ એપિસોડ શૅર કર્યો હતો. આ એપિસોડનું નામ 'બાયોલોજીઃ બ્લેસ્ડ બટ બાયસડ' છે. આ એપિસોડમાં નવ્યાએ નાની જયા બચ્ચન તથા મમ્મી શ્વેતા બચ્ચન સાથે પીરિયડ્સ અંગે વાત કરી હતી. નવ્યાએ બંનેને તેમના ફર્સ્ટ પીરિયડ્સ અંગે સવાલ કર્યો હતો.

નાની જયા બચ્ચને શું કહ્યું?
નવ્યાએ ફર્સ્ટ પીરિયડ્સના અનુભવ અંગે સવાલ કર્યો હતો. નાની જયાએ કહ્યું હતું, 'હા મને યાદ છે. કામ દરમિયાન ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જયા બચ્ચને પીરિયડ્સ દરમિયાન સેટ પર કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે પણ વાત કરી હતી.

જયા બચ્ચને કહ્યું હતું, 'શૂટિંગ દરમિયાન ઘણા જ ભયાનક અનુભવો થતા હતા. જ્યારે આઉટડોર શૂટ હોય ત્યારે અમારી પાસે વેનિટી વેન પણ નહોતી. અમારે ઝાડની પાછળ સેનિટરી પેડ બદલવા પડતા. ટોઇલેટ્સ પણ પૂરતી સંખ્યામાં ના હોવાને કારણે અમારે ખેતર અથવા તો પર્વતની ટોચ પર જવું પડતું. આ પરિસ્થિતિ મુશ્કેલ હોવાની સાથે સાથે શરમજનક પણ હતી.'

જયાએ વધુમાં કહ્યું હતું, 'અમે જ્યારે પીરિયડ્સમાં હોઈએ ત્યારે પ્લાસ્ટિક બેગ સાથે રાખતા. આ પ્લાસ્ટિક બેગમાં સેનિટિરી પેડ ચેન્જ કરીને મૂકી રાખતા. ત્યારબાદ આ થેલી એક બાસ્કેટમાં મૂકતા. ઘરે જતા સમયે તે બાસ્કેટ ઘરે લઈ જતા અને પછી તેનો નિકાલ કરતા. તમે વિચારી પણ ના શકો કે ચાર ચાર સેનિટરી ટોવેલ સાથે તમારે બેસવાનું છે. આ ઘણું જ અસહજ હતું. જ્યારે હું નાની હતી ત્યારે સેનિટરી ટોવેલનો ઉપયોગ કરતી. અત્યારે આ પ્રકારના સેનિટરી ટોવેલ મળતા નથી. આ ટોવેલ ઘણાં જ ખરાબ રહેતા.'

શ્વેતા બચ્ચને પોતાના પહેલા માસિકધર્મને યાદ કરીને કહ્યું હતું, 'ત્યારે હું પલંગ પર સૂઈ રહેતી. ચોકોલેટ ખાતી અને એકલી જ રહેતી.'

હાલમાં નવ્યા શું કરે છે?
નવ્યા નવેલી નાના અમિતાભ, નાની જયા બચ્ચન, મામા અભિષેક તથા મામી ઐશ્વર્યાની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગતી નથી. નવ્યા ફેશન શોમાં શો-સ્ટોપર તરીકે જોવા મળી છે. નવ્યા પિતાના બિઝનેસમાં ધ્યાન આપી રહી હોવાનું માનવામાં આવે છે. નવ્યાનું નામ હાલમાં બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડાયું છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના રિલેશનશિપ અંગે કોઈ વાત કરી નથી. નવ્યાનો ભાઈ અગસ્ત્ય્ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સુહાના ખાન તથા ખુશી કપૂર પણ છે. આ ફિલ્મ આવતા વર્ષે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...