નવાઝની પત્ની વિરુદ્ધ FIR:એક્ટરની માતાએ ફરિયાદ કરી, સંપત્તિ અંગે વિવાદ થયો

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરુનિસાએ પોતાની વહુ તથા નવાઝની પત્ની આલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વર્સોવા પોલીસે આલિયાને પૂછપરાછ માટે બોલાવી છે. નવાઝની માતા તથા પત્નીમાં પ્રોપર્ટી અંગે વિખવાદ થયો છે અને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

પોલીસે IPCની કલમ 452, 323, 504 અને 506 હેઠળ કેસ કર્યો છે. નવાઝની પત્નીનું સાચું નામ અંજના કિશોર પાંડે છે, પરંતુ લગ્ન બાદ તેણે પોતાનું નામ આલિયા જેનેબ કર્યું હતું.

સાસુ-વહુમાં ઝઘડો થયો
રિપોર્ટ્સ પ્રમાણે, નવાઝની પત્ની અને માતા વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે નવાઝની માતા મેહરુનિસાએ પોલીસ ફરિયાદ કરી હતી. 2020માં આલિયાએ નવાઝના પરિવાર પર મારપીટનો આક્ષેપ કર્યો હતો. આલિયાએ કહ્યું હતું કે નવાઝના ભાઈ શમ્સ સિદ્દીકી તેને માર મારતો હતો. આથી જ તેણે નવાઝને ડિવોર્સ આપવા માટે લીગલ નોટિસ મોકલી હતી.

આલિયાને પોલીસ ફરિયાદથી નવાઈ લાગી
આલિયાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને પોતાની વિરુદ્ધ થયેલી પોલીસ ફરિયાદ અંગે આશ્ચર્ય પ્રગટ કર્યું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું મારા પતિ વિરુદ્ધ ફરિયાદ કરું છું તો પોલીસ તેના પર ધ્યાન આપતી નથી. જ્યારે પતિના ઘરમાં આવ્યાના થોડી વારમાં જ મારી વિરુદ્ધ FIR કરવામાં આવે છે. મને ક્યારેય ન્યાય મળશે ખરાં?' આલિયાએ આ પોસ્ટ સાથે FIRની નકલ પણ મૂકી છે.

2021માં આલિયાએ ડિવોર્સનો નિર્ણય બદલ્યો
2021માં આલિયાએ નવાઝને ડિવોર્સ આપવાનો નિર્ણય અચાનક બદલી નાખ્યો હતો. તેણે કહ્યું હતું કે નવાઝના વર્તનમાં ઘણો જ ફેર પડ્યો છે અને તેથી જ તે ડિવોર્સ આપશે નહીં. તેણે એમ પણ કહ્યું હતું કે તે અને નવાઝ સાથે મળીને મતભેદો દૂર કરશે. નવાઝ તથા આલિયાને બે બાળકો છે.

નવાઝ પત્નીને સપોર્ટ કરે છે
જ્યારે નવાઝને આલિયા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે તેને અંગત જીવન અંગે વાત કરવી પસંદ નથી. તે તેની આસપાસ નેગેટિવિટીને આવવા દેતો નથી. તે આજે પણ તેના બાળકોની માતા છે. તેમણે દસ વર્ષ સાથે પસાર કર્યા છે. કંઈ પણ થઈ જાય તે હંમેશાં પત્નીને સપોર્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...