ગોલ્ડન ગ્લોબ જીતનાર ગીત 'નાટૂ નાટૂ' કેવી રીતે બન્યું?:2 મહિના કોરિયોગ્રાફી કરવામાં થયા; 43 રીટેક ને 20 દિવસમાં શૂટિંગ થયું હતું

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

'RRR'ના 'નાટૂ નાટૂ' સોંગે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની આગવી ઓળખ બનાવી છે. આ ગીતમાં ભરપૂર એનર્જી જોવા મળી છે. આ ગીતને સાઉથના જાણીતા કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે કોરિયોગ્રાફ કર્યું છે. ગીતે અવૉર્ડ જીતતા પ્રેમ રક્ષિતે મીડિયા સાથે વાત કરી હતી અને ગીત સાથેના રસપ્રદ કિસ્સા શૅર કર્યા હતા.

કોરિયોગ્રાફર ખુશીથી ઝૂમી ઉઠ્યા
પ્રેમ રક્ષિતે કહ્યું હતું, 'હું પૂરી રીતે બ્લેન્ક છું. કંઈ પણ કહી શકું તેવી સ્થિતિમાં નથી. હું ઘણો જ ખુશ છું. મારી ખુશીને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. હું બસ મંદિરે જઈને ભગવાનનો આભાર માનવા માગું છું. હું રાજમૌલિસરનો આભારી છું કે તેમણે મારી પર વિશ્વાસ કર્યો અને મારો આત્મવિશ્વાસ વધાર્યો.'

પ્રેમ રક્ષિત પોતાની ટીમ સાથે 'નાટૂ નાટૂ' સોંગની કોરિયોગ્રાફી દરમિયાન
પ્રેમ રક્ષિત પોતાની ટીમ સાથે 'નાટૂ નાટૂ' સોંગની કોરિયોગ્રાફી દરમિયાન

વધુમાં પ્રેમ રક્ષિતે કહ્યું હતું, 'મેં હમણાં મારી ટીમ સાથે વાત કરી. તેઓ ઉજવણીમાં વ્યસ્ત છે. મારા પ્રોજેક્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળ્યું તે બહુ જ મોટી વાત છે. રાજમૌલિસરને કારણે જ આ શક્ય બન્યું છે. મને આખી રાત ઊંઘ આવી નહોતી. હું ભારતમાં જ શૂટિંગ કરી રહ્યો છું, પરંતુ મારું ધ્યાન બિલકુલ તેમાં નથી. એક આર્ટિસ્ટ તરીકે મને અલગ જ લેવલનો આત્મવિશ્વાસમળ્યો છે. મેં આ ઇન્ડસ્ટ્રી મારા પેરેન્ટ્સને કારણે જોઇન કરી હતી. અમે બહુ જ ગરીબ પરિવારમાંથી આવીએ છીએ. 2008માં જ્યારે મને પહેલી જ વાર અવૉર્ડ મળ્યો ત્યારે મેં કહ્યું હતું, 'હું આ અવૉર્ડ લેવા સ્ટેજ પર આવ્યો નથી, પરંતુ પેરેન્ટ્સની સામે પોતાની સરેન્ડર કરવા આવ્યો છું.' આજે મારા કામને ગ્લોબલ લેવલ પર ઓળખ મળી છે. આ દેશ માટે ગૌરવની વાત છે.'

ગીતને કોરિયોગ્રાફ કરવામાં બે મહિના લાગ્યા
પ્રેમે કહ્યું હતું, 'મેં આ સોંગને પડકારની જેમ લીધું હતું. કોઈ એક સ્ટાર સાથે કામ કરવું સરળ છે. દરેક સ્ટારની પોતાની આગવી સ્ટાઇલ હોય છે. બે અલગ સ્ટાઇલને એક સાથે એક જ એનર્જીમાં ઢાળવી પડકાર છે. આ બંનેના અનુભવને મેં એક જ સ્કેલ પર લાવીને ડાન્સની તૈયારી કરી હતી. મને આ ગીતને કોરિયોગ્રાફ કરવામાં બે મહિના થયા હતા. જ્યારે બંને (જુનિયર NTR, રામચરણ તેજા) ચાલીને એક સાથે આવે છે, ત્યારે તેમની ચાલમાં પણ એક જાતનું પર્ફેક્શન જોવા મળ્યું હતું. મેં બંને માટે 110 મૂવ્સ તૈયાર કર્યા હતા. આ દરમિયાન હું જ્યારે પણ નર્વસ થતો ત્યારે રાજમૌલિનો સાથ મળતો.'

20 દિવસમાં શૂટિંગ થયું
ગીતના શૂટિંગ અંગે વાત કરતા પ્રેમે કહ્યું હતું, 'આ ગીતને શૂટ કરવામાં 20 દિવસ થયા અને કુલ 43 રીટેક્સમાં શૂટિંગ પૂરું થયું હતું. આ 20 દિવસમાં રિહર્સલની સાથે સાથે શૂટિંગ પણ પૂરું કર્યું હતું. જોકે, આ ગીતને કોરિયોગ્રાફ કરવામાં મને બે મહિનો સમય લાગ્યો હતો. હું રાજમૌલિસર સાથે લાંબા સમયથી જોડાયેલો છું. જ્યારે તે આ ગીત લઈને મારી પાસે આવ્યા તો હું પહેલાં ડરી ગયો હતો. બંને સુપરસ્ટારને એક સાથે નચાવવા બહુ મોટી વાત હતી. મારી પર પ્રેશર હતું કે ક્યાંક મારા કારણે આ સુપરસ્ટાર એકબીજાને ઓછા ના આંકે. મારા બંનેને એક જ લેવલની એનર્જીમાં બતાવવાના હતા.'

વધુમાં પ્રેમે કહ્યું હતું, 'શૂટિંગની છેલ્લી ઘડી સુધી અમે ગીતમાં ઇમ્પ્રોવાઇઝ કરતા હતા. રાજમૌલિસરને વધુ ફન મોમેન્ટ્સ જોઈતી હતી તો અમે રીશૂટ કરતા હતા. ગીતની અંતિમ ક્ષણ સુધી મારી અગ્નિપરીક્ષા ચાલતી રહી હતી.'

રાતના નવ વાગ્યા સુધી રિહર્સલ કરતા
શૂટિંગના અનુભવ અંગે પ્રેમે જણાવ્યું હતું, 'સવારમાં બંને કલાકારો પોતાના શૂટિંગમાં વ્યસ્ત હોય, પેકઅપ બાદ થોડો રેસ્ટ કરીને સાંજે છ વાગ્યે તેઓ મારી પાસે રિહર્સલ માટે આવતા અને અમે રાતના નવ વાગ્યા સુધી ગીતનું રિહર્સલ કરતા. આ ગીતનું શૂટિંગ યુક્રેનમાં થયું હતું.'

રાજામૌલી દ્વારા નિર્દેશિત 'RRR' રાષ્ટ્રવાદ અને ભાઈચારો પર આધારિત છે. આમાં પ્રખ્યાત અભિનેતા રામચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આઝાદી પૂર્વેની કાલ્પનિક વાર્તા પર આધારિત છે. ગયા વર્ષે માર્ચમાં થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...