સેલેબ્સ લાઇફ:સૈફ-કરીનાએ પોતાના નાના દીકરાનું નામ ‘જહાંગીર’ પાડ્યું, નવા વિવાદને ખુલ્લું આમંત્રણ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે આ નામની પુષ્ટિ કરી, પરંતુ સત્તાવાર જાહેરાત સૈફ અને કરીના કરશે
  • કરીનાની બુક ‘ધ પ્રેગ્નન્સી બાઇબલ’માં નાના દીકરાના ફોટા સાથે નામ રખાયાનો દાવો
  • અગાઉ નાના દીકરાનું નામ ‘જેહ’ રખાયાની જાહેરાત કરાઈ હતી

બોલિવૂડનું સેલિબ્રિટી કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના પહેલા દીકરાનું નામ ‘તૈમુર’ પાડીને જબ્બર વિવાદ ઊભો કરેલો. આ વર્ષની 21 ફેબ્રુઆરીએ જ્યારે કરીના કપૂરે બીજા દીકરાને જન્મ આપ્યો ત્યારથી જ સૌને કુતૂહલ હતું કે હવે તેનું નામ શું પાડવામાં આવશે? થોડા સમય પછી સમાચાર આવ્યા કે કરીના અને સૈફે પોતાના નાના દીકરાનું નામ ‘જેહ’ (Jeh) પાડ્યું છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ‘જેહ’ એ બીજું કંઈ નહીં, પણ ‘જહાંગીર’ (Jehangir)નું જ ટૂંકુંનામ છે. યાને કે તેમણે પોતાના નાના દીકરાનું નામ ‘જહાંગીર’ પાડ્યું છે. મળતી માહિતી પ્રમાણે કરીના કપૂર અને સૈફના પરિવારે પણ આ વાતની પુષ્ટિ કરી છે. અલબત્ત, તેમણે કહ્યું છે કે બાળકના નામની સત્તાવાર જાહેરાત કરીના અને સૈફ પોતે જ કરશે.

આજે 9 ઓગસ્ટના રોજ કરીના કપૂરે પોતાનાં બંને પ્રેગ્નન્સીના અનુભવોને વાગોળતું પુસ્તક ‘કરીના કપૂર્સ પ્રેગ્નન્સી બાઇબલઃ ધ અલ્ટિમેટ મેન્યુઅલ ફોર મોમ ટુ બી’ બહાર પાડ્યું છે. એન્ટરટેનમેન્ટ વેબસાઇટ ‘બોલિવૂડ હંગામા’ ના રિપોર્ટ પ્રમાણે આ પુસ્તકમાં પહેલી જ વાર કરીનાના નાના દીકરાનો ચહેરો દેખાય તેવો ફોટોગ્રાફ પ્રકાશિત કરાયો છે, તેની નીચે દીકરાનું નામ ‘જહાંગીર’ એવું લખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પુસ્તકમાં અન્યત્ર બધે જ તેને ‘જેહ’ તરીકે જ સંબોધવામાં આવ્યો છે.

તૈમુર વખતે પણ વિવાદ થયેલો
20 ડિસેમ્બર, 2016ના રોજ જ્યારે કરીના કપૂરે પહેલા દીકરાને જન્મ આપ્યો ત્યારે તેનો ગોળમટોળ ચહેરો જોઇને સૌ તેની ક્યુટનેસ પર ઓવારી ગયા હતા. પરંતુ જેવું સૈફ-કરીનાએ દીકરાનું નામ ‘તૈમુર’ છે તેવી જાહેરાત કરી ત્યારે ઇન્ટરનેટ પર પસ્તાળ પડી હતી. લોકો એ વાતે ખફા થઈ ગયેલા કે તેમણે પોતાના દીકરાનું નામ ભારત પર ચડી આવેલા ક્રૂર હુમલાખોર ‘તૈમૂર લંગ’ના નામ પરથી દીકરાનું નામ પાડ્યું છે. આ મુદ્દે જબ્બર ટ્રોલિંગ પણ ચાલ્યું હતું.

જોકે 2018માં એક મીડિયા કન્ક્લેવમાં આ વિશે વાત કરતાં કરીનાએ કહેલું કે, ‘પ્રેગ્નન્સી વખતે સૈફે મને કહેલું કે આપણે આપણા દીકરાનું નામ ફૈઝ પાડીએ. એ ખાસ્સું પોએટિક અને રોમેન્ટિક નામ છે. પણ મેં ના પાડી. મેં કહ્યું કે જો આપણને દીકરો આવશે તો હું એને ફાઇટર બનાવીશ. તૈમુરનો અર્થ થાય છે લોખંડ, અને હું એક આયર્ન મેન (લોખંડી પુરુષ)ને જન્મ આપીશ. મને ગર્વ છે કે મેં એનું નામ તૈમુર પાડ્યું છે.’

‘જેહ’નો અર્થ અને ‘જહાંગીર’નો અર્થ
લેટિન ભાષામાં ‘જેહ’નો અર્થ બ્લ્યુ કલગીવાળું પક્ષી એવો થાય છે. જ્યારે પારસીમાં જેહનો અર્થ ‘આવવું, લાવવું’ એવો થાય છે. ભારતમાં એવિએશનના પિતામહ અને દિગ્ગજ ઉદ્યોગપતિ એવા જેઆરડી ટાટાનું નામ પણ જહાંગીર રતનજી દાદાભોય ટાટા હતું. મુઘલ બાદશાહ જહાંગીર પોતાની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો. પર્શિયન ભાષામાં ‘જહાંગીર’નો અર્થ વિશ્વવિજેતા એવો થાય છે.