હેલ્થ અપડેટ:કોરોના પોઝિટિવ રણધીર કપૂરે કહ્યું, મારી તબિયત સુધારા પર છે, આશા છે ટૂંક સમયમાં ઘરે આવી જઈશ

મુંબઈ6 મહિનો પહેલા

કોરોનાવાઈરસે ભારતમાં વિનાશ વેર્યો છે. બોલિવૂડના અનેક સેલેબ્સ કોવિડ 19નો ભોગ બન્યા છે. ઘણાં સેલેબ્સે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હાલમાં જ કરિશ્મા તથા કરીના કપૂરના પિતા અને બોલિવૂડ એક્ટર રણધીર કપૂર કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમને કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ICUમાં છે. તાજેતરમાં જ રણધીર કપૂરે પોતાની તબિયત અંગે વાત કરી હતી.

શું કહ્યું રણધીર કપૂર?
ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં રણધીર કપૂરે કહ્યું હતું કે તેમની તબિયત સુધારા પર છે અને તે ટૂંક સમયમાં ઘરે આવી જશે. રણધીર કપૂરે કહ્યું હતું, 'મારી તબિયત સુધરી રહી છે અને હું જલ્દીથી ઘરે આવી જઈશ. મારે ઓક્સિજનની પણ જરૂર પડી નહોતી, કારણ કે મને ક્યારેય શ્વાસ લેવામાં તકલીફ પડી નહોતી. મને ખાલી તાવ હતો.' ઉલ્લેખનીય છે કે રણધીર કપૂરે વેક્સિનના બે ડોઝ લીધા હોવા છતાંય કોરોના થયો.

સ્ટાફના 5 સભ્યો પણ કોરોના પોઝિટિવ
આ પહેલાં રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે તે કેવી રીતે કોરોનાનો ભોગ બન્યાં. તેમણે પોતાના સ્ટાફ સહિત તમામનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાંથી પાંચ સ્ટાફ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. આ પાંચેય લોકોને કોકિલાબેન હોસ્પિટલમાં જ એડમિટ કરવામાં આવ્યા છે.

આ કારણે કોવિડનો ટેસ્ટ કરાવ્યો
રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને થોડો તાવ હતો અને સહેજ ધ્રુજારી આવતી હતી. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમણે કોવિડનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. તેમના આશ્ચર્યની વચ્ચે તે પોઝિટિવ આવ્યો હતો. જોકે, હવે તેમને તાવ આવતો નથી.

દીકરી ને પત્નીની નજીક રહેવા આવશે
ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, રણધીર કપૂરે ચેમ્બુર સ્થિત પોતાનું પૈતૃક ઘર વેચવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં તેમણે બાંદ્રા સ્થિત માઉન્ટ મેરી ચર્ચની નજીકમાં ઘર ખરીદી લીધું છે. આ જ વિસ્તારમાં રણધીર કપૂરની દીકરી કરિશ્મા, કરીના તથા પત્ની બબિતા રહે છે.

પૈતૃક ઘર વેચી નાખશે
રણધીર કપૂરે આગળ કહ્યું હતું, ‘મારા પેરન્ટ્સે મને કહ્યું હતું કે હું ચેમ્બુરના ઘરમાં જ્યાં સુધી ઈચ્છું ત્યાં સુધી રહી શકું છું. જોકે જે દિવસે મેં ઘર વેચવાનું નક્કી કર્યું છે ત્યારથી મેં મારાં ભાઈ-બહેનો સાથે વેચાણની તમામ પ્રક્રિયા શરૂ કરી છે. મેં મારા કરિયરમાં ઘણું જ સારું કર્યું છે અને મેં રોકાણ પણ સારી રીતે કર્યું છે.’