સુશાંત સુસાઈડ કેસ:મુંબઈ પોલીસે ત્રણ કલાક સુધી સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી

મુંબઈ2 વર્ષ પહેલા

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના મતે, ભણસાલી સવારે 11 વાગે ઘરેથી જુહૂ સ્થિત પોતાની ઓફિસ ગયા હતાં. પછી અહીંયા લીગલ ટીમની સાથે બાંદ્રા પોલીસ સ્ટેશન 12.45 વાગે આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના ગયા અઠવાડિયે સંદર્ભે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ માટે સમન પાઠવ્યું હતું. પોલીસ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરશે જ્યારે શાનુ શર્માની બીજીવાર પૂછપરછ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. માનવામાં આવે છે કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતો અને છેલ્લાં છ મહિનાથી તેની સારવાર ચાલતી હતી. 

શા માટે સંજય લીલા ભણસાલીની પૂછપરછ?
સૂત્રોના મતે, સંજય લીલા ભણસાલીએ સુશાંતને ‘રામ-લીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મ ઓફર કરી હતી. ‘રામ-લીલા’ સમયે સુશાંત યશરાજ બેનર સાથે જોડાયેલો હતો અને તેથી જ તેણે આ ફિલ્મ સાઈન કરી નહોતી. ‘બાજીરાવ મસ્તાની’ સમયે સુશાંત યશરાજ બેનરની ફિલ્મ ‘પાની’માં વ્યસ્ત હતો અને તેથી જ તેણે સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ સ્વીકારી નહીં. ઉલ્લેખનીય છે કે સુશાંતે ‘પાની’ માટે અંદાજે સાત મહિનાની ટ્રેનિંગ લીધી હતી. માનવામાં આવે છે કે પોલીસે આ જ કારણોસર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરવા માગે છે કે સુશાંતે શા માટે આ ફિલ્મમાં કામ ના કરી શક્યો.

આઠ લોકો પર બિહારમાં કેસ
વકીલ સુધીર કુમાર ઓઝાએ સંજય લીલા ભણસાલી ઉપરાંત કરન જોહર, આદિત્ય ચોપરા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, ભૂષણ કુમાર, એકતા કપૂર તથઆ દિનેશ વિજન વિરુદ્ધ મુઝફ્ફરપુરમાં કેસ દાખલ કર્યો છે. ઓઝાએ આક્ષેપ કર્યો છે કે આ લોકોએ જાણી જોઈને સુશાંતની ફિલ્મ રિલીઝ થવા દીધી નહોતી. ફિલ્મ સાથે જોડાયેલા અવોર્ડ ફંક્શન તથા અન્ય ઈવેન્ટ્સમાં સુશાંતને બોલાવતા નહોતાં. તેને સાઈડલાઈન કરવામાં આવતો હતો અને તેનાથી હતાશ તથા નિરાશ થઈને તેણે આત્મહત્યા કરી લીધી હતી. ઓઝાના મતે, આક્ષેપ સાબિત થાય તો તમામને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. 

પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યાની પુષ્ટિ
સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, પોલીસ તપાસ હજી ચાલુ છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી. 

30થી વધુ લોકોની પૂછપરછ
સુશાંતના સુસાઈડ બાદથી અત્યાર સુધી આ કેસમાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાં હાઉસસ્ટાફ, મેનેજર, PR ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર તથા પરિવારના સભ્યો સામેલ છે. યશરાજ ફિલ્મના કેટલાંક પૂર્વ અધિકારીઓ તથા કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના નિવેદન લેવામાં આવ્યા છે. યશરાજના હજી કેટલાંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત શેખર કપૂરનું નિવેદન લેવામાં આવ્યું છે. કંગના રનૌતને પણ પોલીસ બોલાવી શકે છે. કંગનાએ કહ્યું હતું કે બોલિવૂડના નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી.