મુંબઈમાં રણવીર સિંહ પર FIR:NGOએ ન્યૂડ ફોટોશૂટ અંગે ફરિયાદ કરી, એક્ટર પર ધરપકડની લટકતી તલવાર

મુંબઈ23 દિવસ પહેલા

રણવીર સિંહ હાલમાં ન્યૂડ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. રણવીર સિંહ ફોટોશૂટને કારણે મુશ્કેલીમાં મૂકાયો છે. રણવીર વિરુદ્ધ FIR કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રણવીરે સો.મીડિયામાં ન્યૂડ ફોટો શૅર કરીને મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. એક NGOના અધિકારીએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં આ FIR કરી છે. આ ઉપરાંત રણવીર સિંહને બે ફરિયાદકર્તાએ નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. જો રણવીર સિંહ જવાબ નહીં આપે તો FIR કરવાની વાત નોટિસમાં લખવામાં આવી છે.

રણવીર વિરુદ્ધ સોમવારે ફરિયાદ થઈ
મુંબઈ પોલીસના અધિકારીએ કહ્યું હતું કે રણવીરે સો.મીડિયામાં ન્યૂડ ફોટો શૅર કરતાં મહિલાઓની ભાવનાને ઠેસ પહોંચી હોવાનો આરોપ મૂકીને FIR કરવામાં આવી છે. રણવીર વિરુદ્ધ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં NGOના એક અધિકારી લલિત શ્યામે ફરિયાદ કરી હતી.

સો.મીડિયામાંથી ન્યૂડ તસવીરો હટાવે
પોલીસે વધુમાં કહ્યું હતું કે ફરિયાદકર્તાએ કહ્યું હતું કે એક્ટરની ન્યૂડ ફોટો જોઈને મહિલાઓ મનમાં શરમ અનુભવે છે. તેમણે ડિમાન્ડ કરી હતી કે રણવીર સો.મીડિયામાંથી તેની ન્યૂડ ફોટો હટાવે.

ધરપકડની માગણી કરી
આટલું જ નહીં ફરિયાદકર્તાએ આ કેસમાં રણવીરની ધરપકડની માગણી કરી છે. રણવીર વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 509, 292, 294 તથા IT એક્ટના સેક્શન 67A હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

કેટલી સજાની જોગવાઈ છે?
પોલીસે તપાસ માટે 48 કલાકનો સમય માગ્યો હતો અને પછી રણવીર વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. IPCની કલમ 292 હેઠળ પાંચ વર્ષની તથા કલમ 293 હેઠળ ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. IT એક્ટ 67A હેઠળ પાંચ વર્ષની સજા થઈ શકે છે.

આ સેલેબ્સે સપોર્ટ કર્યો
આલિયાએ 'ડાર્લિંગ્સ'ના ટ્રેલર લૉન્ચમાં કહ્યું હતું કે રણવીર તેનો ફેવરિટ એક્ટર છે અને તે તેની વિરુદ્ધ કોઈ વાત સહન કરશે નહીં. દીપિકા પતિના ન્યૂડ ફોટોશૂટથી ઇમ્પ્રેસ થઈ હતી. અર્જુને રણવીરના ન્યૂડ ફોટોશૂટ અંગે કહ્યું હતું કે રણવીરે જે પણ કર્યું તે તેની મરજી હતી. તેને જે સહજ લાગ્યું તે તેણે કર્યું. આપણે તેની મરજીને માન આપવું જોઈએ.

ન્યૂડ ફોટોશૂટ અંગે રણવીરે શું કહ્યું?
'પેપર મેગેઝિન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.

અપકમિંગ પ્રોજેક્ટ
રણવીર સિંહ છેલ્લે 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. હવે તે કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' તથા રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં કામ કરી રહ્યો છે.