મહારાષ્ટ્ર, તમિલનાડુ તથા કેરળ સિવાય દેશના મોટાભાગના મલ્ટીપ્લેક્સ 30 જુલાઈના રોજ શરૂ થઈ ગયા છે. જોકે, હજી પણ માંડ 5-10% લોકો જ થિયેટરમાં જાય છે. નવી ફિલ્મ રિલીઝ થતી નથી અને તેથી જ અનેક મલ્ટીપ્લેક્સ બંધ છે. સૌથી વધારે ખરાબ સ્થિતિ સિંગલ સ્ક્રીન થિયેટરની છે. જ્યાં સુધી ત્રણથી ચાર મોટી ફિલ્મ રિલીઝ થતી નથી ત્યાં સુધી થિયેટર બિઝનેસ પાટે ચઢશે નહીં.
દેશમાં 9600 થિયેટર સ્ક્રીન છે, જેમાં 6 હજારથી વધુ સિંગ સ્ક્રીન તથા બાકીના મલ્ટીપ્લેક્સ છે. થિયેટરમાં સ્ટાફ ઉપરાંત ફૂડ, ટ્રાન્સપોર્ટેશન, પબ્લિસિટી તથા અન્ય લોકો આ બિઝનેસ સાથે જોડાયેલા છે. દેશના મોટાભાગના ઉદ્યોગોનું કામ શરૂ થઈ ગયું છે. જોકે, એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં હજી પણ કામ શરૂ થયું નથી અને સામાન્ય દિવસો ક્યારે પરત આવશે તે કહી શકાય તેમ નથી.
હોલિવૂડ ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં ચાલતી નથી, સિંગલ સ્ક્રીનને મળતી નથી
વિશ્વભરમાં એપ્રિલમાં 'મોર્ટલ કોમ્બેટ' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ થિયેટરની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આવી હતી. જોકે, મલ્ટીપ્લેક્સ ચેને આ ફિલ્મ સાથે થિયેટર ઓપન કરવાનું નક્કી કર્યું, પરંતુ સફળતા મળી નહીં. આ ફિલ્મે વિશ્વભરમાં કરોડોનો બિઝનેસ કર્યો છે. જોકે, ભારતમાં આ ફિલ્મ ચાલી નહીં.
સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ નીતિન દાતારે કહ્યું હતું કે હોલિવૂડ ફિલ્મ માત્ર તે જ થિયેટરમાં પ્રદર્શિત થાય છે, જ્યાં 2Kનું પ્રોજેક્ટર હોય છે. મોટા શહેરમાં બહુ ઓછા સિંગલ સ્ક્રીન થિયેટર પાસે આ રીતનું પ્રોજેક્ટર છે. મોટાભાગની સિંગલ સ્ક્રીન હિંદી ફિલ્મ રિલીઝ થાય તેની રાહમાં છે.
અત્યારે થિયેટર ચલાવવું એટલે ખર્ચ વધારવો
મલ્ટીપ્લેક્સના એક સ્ક્રીનમાં સામાન્ય રીતે 200 લોકો બેસી શકતા હોય છે. સિંગલ સ્ક્રીનમાં 700 લોકો બેસે છે. મલ્ટીપ્લેક્સ માટે એક કે બે સ્ક્રીન ચલાવવી શક્ય છે, પરંતુ 700 બેઠક ક્ષમતા ધરાવતા થિયેટરમાં માત્ર 50 લોકો આવે છે તો થિયેટર ચાલુ રાખવું મોંઘું સાબિત થઈ રહ્યું છે. લૉકડાઉનમાં બિઝનેસ બંધ હતો અને સિંગલ સ્ક્રીનના ઓનર્સ વીજળી બિલ, પ્રોપર્ટી ટેક્સ ભરી શક્યા નથી. અનેકના કનેક્શન પણ કપાઈ ગયા છે. જો સરકાર મદદ નથી કરતી તો લોનની વ્યવસ્થા ના થઈ તો બીજીવાર થિયેટર શરૂ કરવા મુશ્કેલ છે.
વધુ ફિલ્મ રિલીઝ થાય તો કંઈક વાત બને
અત્યારે માત્ર 'બેલબોટમ'ની રિલીઝ ડેટ અનાઉન્સ થઈ છે. સિંગલ સ્ક્રીન ઓનર્સ ઈચ્છે છે કે વધુમાં વધુ ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ થાય તો જ તેમને વિશ્વાસ આવશે કે તેમનો બિઝનેસ કોઈ પણ જાતની અડચણ વગર ચાલી શકશે. મહારાષ્ટ્રને કારણે હિંદી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવતી નથી. જ્યાં સુધી મુંબઈ સર્કિટ નહીં ખુલે ત્યાં સુધી સ્થિતિ નોર્મલ થશે નહીં.
સપ્ટેમ્બરમાં સ્થિતિ સુધરે તેવી શક્યતા
ઉત્તર ભારતના ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર કરન ભાટિયાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કેટલાંક સિંગલ સ્ક્રીન થિયેટર શરૂ થયા છે. દિલ્હીમાં એક પણ સિંગલ સ્ક્રીન શરૂ થઈ નથી. હજી પણ કેટલીક બિગ ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરવામાં આવી નથી. હજી પણ લોકો સામાન્ય સ્થિતિ થાય તેની રાહમાં છે. લાગે છે કે સપ્ટેમ્બર પહેલાં સ્થિતિ સુધરે તેવી કોઈ આશા નથી.
આંધ્ર પ્રદેશ-તેલંગાણામાં રીઝનલ ફિલ્મ ફ્લોપ રહી
મલ્ટીપ્લેક્સમાં હોલિવૂડની ફિલ્મ ચાલતી નથી. આંધ્ર તથા તેલંગાણામાં 'તિમ્મારુસુ' તથા 'ઈશ્કઃ નોટ અ લવ સ્ટોરી' બે તેલુગુ મૂવી સુપરફ્લોપ રહી હતી. એક પણ જગ્યાએ હાઉસફુલનું બોર્ડ લાગ્યું નહીં. કેટલાંક થિયેટરમાં તો દર્શકો ના આવતા શો કેન્સલ કરવા પડ્યા હતા.
મલ્ટીપ્લેક્સની લલચામણી ઓફર
PVR (પ્રિયા વિલેજ રોડશો)ના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંદીપ કુમારે કહ્યું હતું કે તેમની મલ્ટીપ્લેક્સ ચેનના કુલ 846 સ્ક્રીન છે. 13 રાજ્યમાં 551 સ્ક્રીન શરૂ થઈ ગઈ છે. 'બેલબોટમ' પછી અન્ય ફિલ્મ રિલીઝ થશે પછી જ બિઝનેસ ચાલશે. વેક્સિનેટેડ દર્શકોને ફ્રી ટિકિટની ઓફર છે.
આઇનોક્સ મલ્ટીપ્લેક્સની કુલ સ્ક્રીન 650 છે અને તેમાંથી માત્ર ત્રીજી ભાગની સ્ક્રીન ઓપન થઈ છે. અહીંયા ઓફર કરવામાં આવી છે કે તમે વધુ લોકો એક સાથે આવે તો વ્યાજબી દરે પ્રાઇવેટ સ્ક્રિનિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. અત્યાર સુધી દેશભરમાંથી 30 બુકિંગ મળ્યા છે. આઇનોક્સ થિયેટરના પ્રોગ્રામિંગ ઓફિસર રાજેન્દ્ર સિંહ જ્યાલાએ કહ્યું હતું કે હોલિવૂડની ફિલ્મ તથા ફ્રેન્ડશિપ ડેને કારણે સારો રિસ્પોન્સ મળ્યો છે.
કાર્નિવલ મલ્ટીપ્લેક્સના વાઇસ પ્રેસિડન્ટ કુનાલ સાહનીએ કહ્યું હતું કે 464માંથી 100 સ્ક્રીન 12 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ બે અઠવાડિયામાં દર્શકોને ફ્રી પોપકોર્ન આપવામાં આવશે.
'બેલબોટમ'ની ઓક્યુપન્સી તથા મહારાષ્ટ્ર નક્કી કરશે થિયેટરનું ભવિષ્ય
ટ્રેડ એનલિસ્ટ તથા ફિલ્મ પ્રોડ્યૂસર ગિરીશ જૌહરે કહ્યું હતું કે અક્ષય કુમારની 'બેલબોટમ' તથા હોલિવૂડની 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 9'માં કેટલા લોકો આવે છે, તેના આધારે બીજી ફિલ્મની રિલીઝ ડેટ નક્કી થશે. 'બેલબોટમ' રિલીઝ થાય તે પહેલા મહારાષ્ટ્રમાં થિયેટર શરૂ થઈ જશે. 15 ઓગસ્ટ સુધી મુંબઈ ટેરિટરી ઓપન થાય છે તો થિયેટર બિઝનેસ પાટા પર ચઢી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.