મૂવી રિવ્યૂ:આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' સૌથી વધારે મહિલા દર્શકોને પસંદ આવશે

મુંબઈ7 મહિનો પહેલાલેખક: કોમલ નાહટા
  • કૉપી લિંક

મુંબઈના રેડ લાઇટ એરિયા કમાઠીપુરાની વાત કહેતી 'ગંગુબાઈ કાઠિયાવાડી' સેક્સ વર્કરને બદલે એક મહિલાની સંવેદનશીલ વાત કહે છે. ગંગા (આલિયા ભટ્ટ) કેવી રીતે રેડ લાઇટ એરિયામાં આવે છે અને કેવી રીતે અહીંયા રાણી બનીને અહીંની યુવતીઓ તથા મહિલાઓના મનમાં રાજ કરે છે. શરૂઆતમાં મહિલાઓ આ ફિલ્મ જોવા અંગે અવઢવમાં રહેશે, પરંતુ ફિલ્મનો રિવ્યૂ આવ્યા બાદ આ ફિલ્મને મહિલાઓ જ સૌથી વધારે ચલાવશે અને તેના અનેક કારણો છે.

સૌથી પહેલું કારણ તો એ છે કે આ ફિલ્મ એક મહિલાની દર્દભરી દાસ્તાન કહે છે અને તેમાં વલ્ગર સીન તથા અંગ પ્રદર્શન વધુ પડતું જોવા મળતું નથી. બીજી વાત એ કે મહિલાના હક માટે એક આધુનિક વિચારધારાની ફિલ્મ છે. ત્રીજી વાત એ કે ફિલ્મમાં અજય દેવગનનું પાત્ર મહિલાઓને ઘણું જ સન્માન આપે છે અને આ વાત મહિલા દર્શકોનું મન જીતી લેશે. સૌથી મોટી વાત આલિયા ભટ્ટની એક્ટિંગ છે. ઘણાં લોકોના મનમાં એ સવાલ છે કે આલિયા જેવી નાની ઉંમરની એક્ટ્રેસ આ પ્રકારના રોલમાં જામે? જોકે, આલિયા માત્ર રોલમાં જામતી જ નથી, પરંતુ તેને દમદાર પર્ફોર્મન્સ માટે અનેક અવોર્ડ મળી શકે તેમ છે. આલિયાએ ગંગુબાઈનું પાત્ર આત્મસાત કર્યું છે.

ફિલ્મની વાર્તાઃ ફિલ્મની વાર્તા હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત છે. સ્ક્રીનપ્લે સંજય લીલા ભણસાલી તથા ઉત્કર્ષિની વશિષ્ઠે લખ્યો છે. ડ્રામા લાંબો હોવા છતાં દર્શકોને એક મિનિટ માટે કંટાળો આવશે નહીં. કેટલાંક સીન્સ થિયેટરમાંથી બહાર આવ્યા બાદ મહિનાઓ સુધી યાદ રહેશે, જેમ કે જ્યારે ગંગાનો બોયફ્રેન્ડ તેને વેશ્યાલયમાં વેચીને ભાગી જાય છે, એક કસ્ટમર ગંગુને નિર્દય રીતે માર મારે છે અને તે બૂમો પાડે છે. રહીમ લાલા (અજય દેવગન) નિર્દયી રીતે માર મારતા કસ્ટમરની હત્યા કરે છે. ગંગુબાઈ તથા રઝિયાબાઈ (વિજય રાજ) વચ્ચેની લડાઈ પણ જોવાલાયક છે. ગંગુબાઈ જીવનમાં પહેલી વાર તાળીઓના ગડગડાટ વચ્ચે પહેલી જ વાર ભાષણ આપે છે. (આ સીન તથા સંવાદો બેસ્ટ છે) ઉત્કર્ષિની તથા પ્રકાશ કાપડિયાના સંવાદોના જેટલાં વખાણ કરવામાં આવે તેટલાં ઓછા.

એક્ટિંગઃ આલિયા ભટ્ટે એકલે હાથે ફિલ્મનો પૂરો ભાર પોતાના ખભા પર ઊંચક્યો છે. ગંગુબાઈના રોલમાં તેને નેશનલ અવોર્ડ મળી શકે તેમ છે. તે ઘણી જ સુંદર લાગે છે. તેના કપડાં (ડિઝાઇનર શીતલ ઈકબાલ શર્મા) ચર્ચામાં રહ્યાં છે. અજય દેવગન નાનકડા રોલમાં છવાઈ ગયો છે. સીમા પાહવાએ શીલા માસીની ભૂમિકા ભજવી છે. વિજય રાજ ટ્રાન્સજેન્ડર રોલમાં જોવા મળ્યો છે. જિમ સર્ભ જર્નલિસ્ટના રોલમાં છે. શાંતનુ મહેશ્વરીએ અફશાનની ભૂમિકામાં છે તો ઈન્દિરા તિવારી કમલીના પાત્રમાં છે. હુમા કુરૈશી ડાન્સ સોંગમાં જોવા મળી છે.

ડિરેક્શન-સંગીતઃ સંજય લીલા ભણસાલીના ડિરેક્શનને દાદ આપવી પડશે, પરંતુ આ વખતે સંગીત અપેક્ષા પ્રમાણે ઘણું જ નબળું છે. 'ઢોલીડા' સોંગ સારું છે. 'ઝૂમે રે ગોરી' પણ ઠીક છે. જોકે, બાકીના ગીતો યાદ રહે તેવા નથી. સંચિત બલ્હારા તથા અંકિત બલ્હારાનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક આઉટસ્ટેન્ડિંગ છે. સુદીપ ચેટર્જીના કેમેરા વર્કને ફૂલ માર્ક મળે છે. શામ કૌશલે એક્શન સીનને રિયલિસ્ટિક બનાવ્યા છે. સંજય લીલા ભણસાલીનું એડિટિંગ સુપર શાર્પ છે.

આ ફિલ્મ એક સફળ ફિલ્મ છે અને તે કેટલાંક સર્કિટમાં હિટ જઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...