સુકેશ ચંદ્રશેખર મની લૉન્ડ્રિંગ કેસમાં હવે નોરા ફતેહીને સમન્સ આપવામાં આવ્યું છે. ED (ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ)એ આ પહેલાં જેક્લીન ફર્નાન્ડિઝને સમન્સ પાઠવ્યું હતું. જેક્લીનને બીજીવાર સમન્સ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં EDએ જેકલીનની પૂછપરછ કરી હતી.
સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીન ઉપરાંત નોરાનું કનેક્શન સામે આવ્યું છે. ED આ અંગે નોરા સાથે પૂછપરછ કરવા માગે છે. સુકેશે જેક્લીનને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ જ અંગે એક્ટ્રેસને સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા.
15 ઓક્ટોબરે જેકલીનની પૂછપરછ થશે
નોરાને દિલ્હીની MTNL બિલ્ડિંગમાં આવેલી EDની ઓફિસમાં બોલાવવામાં આવી છે. અહીંયા તેની પૂછપરછ થઈ રહી છે. જેકલીનની આવતીકાલે 15 ઓક્ટોબરના રોજ દિલ્હી ઓફિસમાં પૂછપરછ થશે. બંનેની PMLA (પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ 2002) હેઠળ પૂછપરછ થશે. તપાસ એજન્સી જાણવા માગે છે કે નોરા તથા જેકલીને સુકેશ સાથે કોઈ લેવડ-દેવડ કરી હતી કે નહીં.
કોણ છે સુકેશ?
ઉલ્લેખનીય છે કે 20 ઓગસ્ટથી તિહાર જેલમાંથી અત્યાર સુધીની સૌથી મોટી ખંડણી (200 કરોડ) વસૂલ કરનારો આરોપ સુકેશ ચંદ્રશેખર તથા ફિલ્મ એક્ટ્રેસ લીના પૉલના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં રોકડ રકમ તથા 15 લક્ઝૂરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે.
200 કરોડની ખંડણીનો કેસ
હાલમાં જ સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લીધી હતી, જેમાં RBL (ધ રત્નાકર બેંક) બેંકના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાંક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુકેશની નિકટની સાથે લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે EOW (ઇકોનોમિક્સ અફેન્સ વિંગ)ની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.
આ પહેલાં પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે હાઇ પ્રોફાઇલ ચીટર સુકેશ જેલમાં પણ મોટા મોટા બિઝનેસમેનના કોન્ટેક્ટમાં હતો અને ફોન કરીને સુપ્રીમ તથા હાઇકોર્ટમાં કેસનો ઉકેલ લાવવાનો દાવો કરીને પૈસા વસૂલ કરતો હતો. જેલમાં મોબાઈલ ફોન મળ્યા બાદ જેલ તંત્ર સાથે જોડાયેલા કેટલાંક અધિકારીઓ રડાર પર આવ્યા હતા.
નોંધનીય છે કે સુકેશ એ જ વ્યક્તિ છે, જેણે AIADMK (ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડા મુન્નેત્રા કઝગમ)ના ડેપ્યુટી ચીફ દિનાકરન પાસેથી 2 કરોડ રૂપિયા લઈને ચૂંટણી ચિહ્ન આપવાનું વચન આપ્યું હતું. આ કેસનો ઘટસ્ફોટ થતાં ક્રાઇમ બ્રાંચે સુકેશની ધરપકડ કરી હતી. સુકેશની પૂછપરછ બાદ દિનાકરનની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.