અમિતાભ બચ્ચનની ફિલ્મ 'મિસ્ટર નટવરલાલ'ના ડિરેક્ટર રાકેશ કુમારનું 81 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેમણે 10 નવેમ્બરના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ કેન્સર સામે જંગ લડતા હતા અને છેલ્લાં કેટલાક મહિનાથી પથારીવશ હતા.
મુંબઈમાં પ્રેયરમીટ યોજાશે
રાકેશ કુમારની યાદમાં તેમના પરિવારે 13 નવેમ્બરના રોજ મુંબઈના અંધેરીમાં પ્રેયરમીટ યોજી છે. આ પ્રેયરમીટ ચારથી પાંચ સુધી યોજાશે. રાકેશ કુમારના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. રાકેશ પોતાની પાછળ પત્ની ને દીકરો-દીકરી મૂકીને ગયા છે.
1982માં છેલ્લી ફિલ્મ બનાવી હતી
રાકેશ ડિરેક્ટર ઉપરાંત રાઇટર તથા પ્રોડ્યૂસર પણ હતા. તેમણે પોતાની કરિયરમાં અનેક હિટ ફિલ્મ આપી હતી, જેમાં 'ખૂન પસીના', 'દો ઔર દો પાંચ', 'યારાના', 'જ્હોની આઇ લવ યુ', 'દિલ તુજ કો દિયા', 'કૌન જીતા કૌન હારા', 'કમાન્ડર' સામેલ છે. રાકેશ કુમારે કેટલીક ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. રાકેશે છેલ્લે 1992માં સલમાન ખાનને લઈ 'સૂર્યવંશી' ફિલ્મ બનાવી હતી.
અમિતાભે રાકેશ કુમારને યાદ કર્યા
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં રાકેશ કુમારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું, 'એક એક કરીને બધા જ જતા રહ્યા, પરંતુ રાકેશ કુમાર જેવા કેટલાંક લોકોની એવી છાપ છે કે તેમને ભૂલી શકાતા નથી. ફિલ્મ ડિરેક્ટ કરવાની તેમની સેન્સ, સ્ક્રીનપ્લે તથા લેખનની માહિતી અને તરત જ કોઈ પણ ફેરફાર પર કામ કરવાની કળા અકલ્પનીય હતી. 'નટ્ટુ' તથા 'યારાના'ના શૂટિંગ સમયે તેમની સાથે કરેલી મસ્તી અને પોતાના કામમાં પૂરો વિશ્વાસ તથા સહજતાથીની સાથે અમને વર્કિંગ ડે પર શૂટિંગમાંથી બ્રેક આપી દેતા હતા.'
વધુમાં અમિતાભે કહ્યું હતું, 'રાકેશકુમાર પોતાની સાથે કામ કરનારા તમામ કલાકારોનું ધ્યાન રાખતા હતા. હું તેમના અંતિમ સંસ્કારમાં જતાં હિચકિચાટ અનુભવી રહ્યો છું, કારણ કે હું રાકેશને આ રીતે જોઈ શકીશ નહીં. તમે ફિલ્મ તથા વાર્તાથી તમારા અદ્દભૂત વિચારોની સાથે અમારા જેવા અનેકને હીરો બનાવ્યા છે. રાકેશ તમે હંમેશાં યાદ આવશો.'
1992માં રાકેશ કુમારે સલમાન ખાનને હીરો તરીકે લઇને પુનર્જન્મના કથાનકવાળી પિરિયડ એક્શન થ્રિલર ફિલ્મ ‘સૂર્યવંશી’ બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ હતી. એ પછી રાકેશ કુમારે કેટલીક સિરિયલો પણ ડિરેક્ટ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.