'માસૂમ સવાલ'ના પોસ્ટર પર વિવાદ:સૅનિટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો જોઈ યુઝર્સ ભડક્યા, મેકર્સે કહ્યું- લોકોનો જોવાનો દૃષ્ટિકોણ ખોટો

મુંબઈ4 દિવસ પહેલા

ડોક્યુમેન્ટ્રી 'કાલી'ના પોસ્ટર વિવાદ બાદ હવે વધુ એક ફિલ્મના પોસ્ટર પર હોબાળો થયો છે. 17 જુલાઈના રોજ ફિલ્મ 'માસૂમ સવાલ'ના મેકર્સે કેટલાંક પોસ્ટર્સ શૅર કર્યા હતા, જેમાં એક પોસ્ટરમાં સૅનિટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણની તસવીર હતી. આ પોસ્ટર સામે આવ્યા બાદ સો.મીડિયા યુઝર્સે ડિરેક્ટર તથા સ્ટાર-કાસ્ટ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ મૂક્યો હતો. આ ફિલ્મ પાંચ ઓગસ્ટે રિલીઝ થવાની છે.

કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતોઃ એક્ટ્રેસ
વિવાદ વધતા ફિલ્મ ડિરેક્ટર સંતોષ ઉપાધ્યાય તથા એક્ટ્રેસ એકાવલી ખન્નાની પ્રતિક્રિયા સામે આવી છે. ડિરેક્ટરે કહ્યું હતું કે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. એકાવલી આ ફિલ્મમાં વકીલના રોલમાં જોવા મળશે. તેણે કહ્યું હતું, 'સૌથી પહેલાં, મને પોસ્ટરને મળેલી પ્રતિક્રિયા અંગે કંઈ જ ખબર નથી, પરંતુ જો આવું કંઈ થયું હોય તો હું માત્ર એટલું જ કહીશ કે મેકર્સનો આવો કોઈ ઈરાદો નથી.'

ફિલ્મનો ઉદ્દેશ માત્ર ટેબુ તોડવાનો છે
એક્ટ્રેસે વધુમાં કહ્યું હતું, 'આ ફિલ્મનો એક માત્ર હેતુ ટેબુ તોડવાનો તથા દૃષ્ટિકોણ બદલવાનો છે. આ પેઢીમાં મહિલાઓ પર કારણ વગર થોપવામાં આવતા અંધવિશ્વાસ તથા કુરિવાજો માટે કોઈ જગ્યા નથી.

આ ફિલ્મ પીરિયડ્સ અંગે લોકોને જાગૃત કરશે
આ ફિલ્મ પીરિયડ્સ અંગે લોકોને કેવી રીતે જાગૃત કરશે તે અંગે એક્ટ્રેસે કહ્યું હતું, 'હું ફિલ્મમાં વકીલના રોલમાં છે. વકીલ તરીકે તે ફિલ્મમાં એક બાળકીના સંઘર્ષ પર સમાજના નિયમો વિરુદ્ધ તથા પરિવારની સામે લડવામાં મદદ કરે છે. ફિલ્મની પૂરી વાર્તા આ બાળકીની જર્ની અંગે છે અને એક વકીલ તરીકે તે સપોર્ટ કરે છે.'

પોસ્ટર પર પેડ છે, પેડ પર શ્રીકૃષ્ણજી નથીઃ ડિરેક્ટર
ફિલ્મના ડિરેક્ટર સંતોષે આ વિવાદ અંગે કહ્યું હતું કે ક્યારેક-ક્યારેક વસ્તુઓને જોવાનો આપણો દૃષ્ટિકોણ ખોટો હોય છે. આ ફિલ્મ માસિક ધર્મ પર આધારિત છે, આથી સૅનિટરી પેડ બતાવવું જરૂરી છે અને આથી જ પોસ્ટરમાં પેડ છે, પરંતુ પેડ પર શ્રીકૃષ્ણજી નથી. આ જ કારણે ફિલ્મના પ્રમોશન માટે તેમને જોઈએ તેવો સપોર્ટ મળ્યો નહીં.

પાંચ ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે
સંતોષ ઉપાધ્યાયના ડિરેક્શનમાં બનેલી 'માસૂમ સવાલ'માં માસિક ધર્મ તથા તેની સાથે જોડાયેલી શરમ અંગે વાત કરવામાં આવી છે. ફિલ્મમાં નિતાંશી ગોયલ, એકાવલી ખન્ના, શિશિર વર્મા, મધુ સચદેવા, રોહિત તિવારી, વૃંદા ત્રિવેદી, રામજી બાલી, શશિ વર્મા છે. કમલેશ મિશ્રાએ ફિલ્મની વાર્તા લખી છે. ફિલ્મને રંજના ઉપાધ્યાયે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ પાંચ ઓગસ્ટે રિલીઝ થશે.