મનોજ તિવારી 51 વર્ષની ઉંમરમાં ત્રીજીવાર પિતા બનશે:એક્ટરે કહ્યું- 'ખુશીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી', બીજી પત્ની સુરભિનું ધામધૂમથી સીમંત યોજ્યું

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક્ટર, સિંગર તથા સાંસદ મનોજ તિવારી પ્રોફેશનલ કરતાં પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. 51 વર્ષીય મનોજ તિવારી ત્રીજીવાર પિતા બનવાના છે. મનોજ તિવારીએ સો.મીડિયામાં પત્ની સુરભિના સીમંતનો વીડિયો શૅર કરીને આ ગુડ ન્યૂઝ ચાહકો સાથે શૅર કર્યા હતા.

સીમંતનો વીડિયો શૅર કર્યો
મનોજ તિવારીએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કેટલીક ખુશીઓને આપણે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી, બસ ફીલ કરી શકીએ છીએ...' મનોજ તિવારી પત્ની તથા દીકરી સાથે ખુશખુશાલ જોવા મળ્યા. ચાહકો તથા સેલેબ્સે મનોજ તિવારીને શુભેચ્છા પાઠવી હતી.

એપ્રિલ, 2020 લૉકડાઉનમાં બીજા લગ્ન કર્યા હતા
એક ઇન્ટરવ્યૂમાં મનોજ તિવારીએ કહ્યું હતું, 'સુરભિ (બીજી પત્ની) અને મેં લૉકડાઉન દરમિયાન એપ્રિલમાં લગ્ન કર્યાં હતાં. તે એડમિનિસ્ટ્રેટિવ વર્ક જોતી હતી. તે સિંગર છે અને મારા એક મ્યૂઝિક વીડિયોમાં ગીત ગાઈ ચૂકી છે. દીકરી ઋતિએ સલાહ આપી હતી કે મારે અને સુરભિએ લગ્ન કરી લેવા જોઈએ. ઋતિ તથા સુરભિ એકબીજાની સાથે ઘણાં જ કમ્ફર્ટેબલ છે.'

મોટી દીકરીએ નાની દીકરીનું નામ રાખ્યું
સુરભિએ ડિસેમ્બર, 2020માં દીકરીને જન્મ આપ્યો હતો. ઋતિએ જ પોતાની નાની બહેનનું નામ સાન્વિકા રાખ્યું હતું. ઋતિ તથા સાન્વિકા વચ્ચે સારું બોન્ડિંગ છે.

2020માં આ તસવીર શૅર કરીને દીકરીના જન્મની વાત કહી હતી.
2020માં આ તસવીર શૅર કરીને દીકરીના જન્મની વાત કહી હતી.

પહેલી પત્ની અંગે પણ વાત કરી
પહેલી પત્ની રાની સાથેના સંબંધો અંગે મનોજે કહ્યું હતું, 'અમારી વચ્ચે કોઈ પણ પ્રકારની કડવાશ નહોતી. અમારી વચ્ચે સારા સંબંધો છે. જ્યારે 2010માં હું રાનીના કહેવાથી અલગ થયો હતો ત્યારે ઘણો જ ટેન્શનમાં હતો. તેના જવાથી જીવન બહુ જ અવ્યસ્થિત થઈ ગયું હતું.'

મનોજ તિવારીના પહેલાં લગ્ન 11 વર્ષ ચાલ્યા હતા
પહેલી ફેબ્રુઆરી, 1971ના રોજ વારાણસીમાં જન્મેલા મનોજ તિવારીએ 2004માં ભોજપુરી ફિલ્મ 'સસુરા બડા પૈસાવાલા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. મનોજ તિવારીએ રાની સાથે 1999માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી મનોજ તથા રાની દીકરી ઋતિના પેરેન્ટ્સ બન્યા હતા. વર્ષ 2010માં મનોજ તિવારી 'બિગ બોસ 4'માં સ્પર્ધક તરીકે જોવા મળ્યાં હતાં. આ શોમાં ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પણ હતી. ઘરમાં મનોજ તિવારી તથા શ્વેતા તિવારીની નિકટતા ચર્ચાનું કારણ બની હતી. ઘરમાંથી બહાર આવ્યા બાદ પણ આ બંને ગાઢ મિત્રો રહ્યાં હતાં. તેમણે બે ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું છે. સૂત્રોના મતે, મનોજ તિવારીની પત્નીને શંકા હતી કે તેના પતિનું શ્વેતા તિવારી સાથે અફેર છે. આ શંકાને કારણે રાનીએ મનોજ તિવારીને ડિવોર્સ આપ્યા હતા.

દીકરી ઋતિ સાથે.
દીકરી ઋતિ સાથે.

મનોજ તિવારી ડિવોર્સ આપવા તૈયાર નહોતાં
મનોજ તિવારીએ તે સમયે કહ્યું હતું કે તે દીકરી તથા પત્નીથી અલગ થવા તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ તેમના લગ્નજીવનને બચાવી લે. વધુમાં તેમણે કહ્યું હતું કે તેમણે માત્રને માત્ર પત્નીના દબાણને કારણે જ ડિવોર્સ પેપર પર સાઈન કરી છે. તેમની પત્ની ઘરમાં સતત ટેન્શનમાં જીવતી હતી અને તે પત્નીની આવી હાલત જોઈ શકે તેમ નહોતા. મનોજ તિવારીએ કહ્યું હતું કે તેમના સંબંધો શ્વેતા તિવારી સાથે નથી.

2009થી રાજકારણમાં છે
મનોજ તિવારી 2009માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉત્તર પ્રદેશની ગોરખપુર સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ યોગી આદિત્યનાથ સામે હારી ગયા હતા. 2011માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. 2014માં મનોજ તિવારી ભાજપની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ નોર્થ ઇસ્ટ દિલ્હીમાંથી ચૂંટણી જીત્યા હતા. તેમણે આપના ઉમેદવાર આનંદ કુમારને 1,44,084 મતોથી પરાજય આપ્યો હતો. 2019માં આ જ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર શીલા દીક્ષિત સામે 3.63 લાખ મતથી વિજયી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...