કોવિડ પોઝિટિવ:મનોજ વાજપેઈનું સ્ફોટક નિવેદન, 'કોઈ બીજાની ભૂલને કારણે મને કોરોના થયો'

મુંબઈ7 મહિનો પહેલા
મનોજ કોરોના પોઝિટિવ આવ્યો તે પહેલાં વેબ સિરીઝ 'ડિસ્પેચ'નું શૂટિંગ કરતો હતો
  • 'જો કોવિડ 19ના પ્રોટોકોલના નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત તો કોઈ વાંધો આવ્યો ના હોત.'

બોલિવૂડ એક્ટર મનોજ વાજપેઈ હાલમાં કોરોના પોઝિટિવ છે અને તે ઘરમાં જ ક્વૉરન્ટીન છે. મનોજ કોરોના પોઝિટિવ આવ્યો તે પહેલાં વેબ સિરીઝ 'ડિસ્પેચ'નું શૂટિંગ કરતો હતો. જોકે, એક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી સિરીઝનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. હવે એક્ટરે પોતે કેમ કોરોના પોઝિટિવ થયો તે અંગે સ્ફોટક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે તે કેવી રીતે કોરોનાની ચપેટમાં આવ્યો અને બીજાની ભૂલની સજા તેને મળી છે.

શું કહ્યું મનોજે?
વર્ચ્યુઅલ મીડિયા ઈન્ટરેક્શન દરમિયાન મનોજે કહ્યું હતું, 'કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હું હોમ ક્વૉરન્ટીન થઈ ગયો. હું એટલા માટે પોઝોટિવ આવ્યો, કારણ કે અન્ય કોઈ નિયમોનું પાલન કરતું નહોતું. જો કોવિડ 19ના પ્રોટોકોલના નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત તો કોઈ વાંધો આવ્યો ના હોત. પ્રોડક્શન હાઉસે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ પ્રોટોકોલનું પાલન કરે છે કે નહીં. સ્પષ્ટ છે કે અમે ફિલ્મ ત્યારે જ પૂરી કરી શકીએ જ્યારે અમે કોવિડ 19ના પ્રોટોકોલને ફોલો કરીએ. સેનિટાઈઝર તથા માસ્ક હવે આપણાં જીવનનો અભિન્ન હિસ્સો છે. આપણે તેની સાથે જ કામ કરવાનું છે.'

ઉલ્લેખનીય છે કે મનોજ વાજપેઈ જ્યારે 'ડિસ્પેચ'નું શૂટિંગ કરતો ત્યારે સિરીઝના ડિરેક્ટર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ સેટ પર તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં એક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મનોજની ટીમે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું
મનોજની ટીમે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'મનોજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડિરેક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બની શકે કે એક્ટરને ડિરેક્ટરનો ચેપ લાગ્યો હોય. હાલમાં શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. મનોજ વાજપેયી દવા લઈ રહ્યો છે અને તેને ઘણું જ સારું છે. તેણે ઘરમાં જ આઈસોલેશન થવાનું નક્કી કર્યું છે. તે કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યો છે.' ઉલ્લેખનીય છે કે મનોજ વાજપેયી ફિલ્મ 'ડિસ્પેચ'નું શૂટિંગ કરી રહ્યો હતો. આ ફિલ્મને 'તિતલી' ફૅમ કનુ બહલ ડિરેક્ટ કરે છે. ફિલ્મને રોની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ લંડન, દિલ્હી તથા મુંબઈમાં થશે.

મનોજના વર્કફ્રન્ટની વાત કરીએ તો 'ધ ફેમિલી મેન'ની બીજી સિઝન 12 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ થવાની હતી. જોકે, 'તાંડવ'ને કારણે થયેલા વિવાદને લીધે બીજી સિઝન હાલ પૂરતી રિલીઝ કરવામાં આવી નથી. માનવામાં આવે છે કે આ સિરીઝ ઉનાળામાં રિલીઝ કરવામાં આવશે.

સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં તેઓ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શૂટિંગમાં વ્યસ્ત હતા
સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં તેઓ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના શૂટિંગમાં વ્યસ્ત હતા

આ સેલેબ્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા
રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, આશિષ વિદ્યાર્થી, તારા સુતારિયા તથા સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ આવ્યા છે. બોલિવૂડમાં કોરોના ફરીથી વકર્યો હોવાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ફિલ્મ સિટીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી. માસ્ક વગર લોકોને ફિલ્મ સિટીમાં પ્રવેશ આપવામાં આવે છે. ફિલ્મ સિટીની અંદર કેન્ટિન અને અન્ય જગ્યાઓ પર પણ લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે.