તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાસ મિત્રનો ઘટસ્ફોટ:મંદિરા બેદીના પતિ રાજ કૌશલને 30મે વર્ષે પહેલો હાર્ટ અટેક આવેલો, બીજા અટેકમાં કારમાં જ મોત થયું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ કૌશલની 29 જૂનની સાંજે તબિયત લથડી હતી
  • રાજે સૌ પહેલાં એસિટિડીની દવા લીધી હતી
  • રાજે મંદિરાને કહ્યું હતું કે તેને હાર્ટ અટેક આવ્યો છે

એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ તથા ફિલ્મમેકર રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરમાં 30 જૂન, બુધવારના રોજ આકસ્મિક નિધન થયું હતું. રાજ કૌશલે હજી 27 જૂનના રોજ તો મિત્રો સાથે પાર્ટી કરી હતી. રાજ કૌશલના નિધનથી મિત્રો હજી પણ આઘાતમાં છે.

રવિવારે મિત્રો સાથે પાર્ટી કરી
રાજ કૌશલ રવિવાર, 27 જૂનના રોજ એકદમ ફિટ એન્ડ ફાઇન હતો. તેણે ઝહિર ખાન, સાગરિકા ઘાટગે, આશિષ ચૌધરી, સમિતા બાંગાર્ગી, નેહા ધૂપિયા તથા અંગદ બેદી સાથે પાર્ટી કરી હતી. મંગળવાર, 29 જૂનની સાંજે રાજની તબિયત અચાનક જ લથડી હતી.

રાજે એસિડિટીની દવા લીધી હતી
ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં મ્યૂઝિક ડિરેક્ટર સુલેમાન મર્ચન્ટે રાજ કૌશલની અંતિમ ક્ષણો અંગે વાત કરી હતી. સુલેમાન મર્ચન્ટે કહ્યું હતું, 'મંગળવારની સાંજે રાજની તબિયત સારી નહોતી. તેણે એસિડિટીની દવા લીધી હતી. સવારના ચાર વાગ્યાની આસપાસ અચાનક જ રાજની તબિયત વધુ બગડી હતી.' ઉલ્લેખનીય છે કે રાજના મોત બાદ સુલેમાન એક્ટ્રેસ મંદિરાના બંગલા રામામાં આવ્યો હતો અને મંદિરાને સાંત્વના પાઠવી હતી.

રાજે હાર્ટ અટેક આવ્યો હોવાનું કહ્યું
સુલેમાને આગળ કહ્યું હતું, 'રાજે મંદિરાને કહ્યું હતું કે તેને હાર્ટ અટેક આવ્યો છે. મંદિરાએ ઉતાવળે આશિષ ચૌધરીને ફોન કર્યો હતો. આશિષ તાત્કાલિક આવી ગયો હતો. મંદિરા તથા આશિષે રાજને કારમાં બેસાડ્યો હતો. જોકે, આ સમયે રાજે ભાન ગુમાવી દીધું હતું. મને લાગે છે કે તેઓ કાર લઈને લીલાવતી હોસ્પિટલ જતા હતા. જો હું ખોટો ના હોઉં તો 5-10 મિનિટમાં જ તેમને ખ્યાલ આવી ગયો કે રાજની પલ્સ ચાલતી નથી. ડૉક્ટર પાસે પહોંચે તે પહેલાં જ ઘણું મોડું થઈ ગયું હતું.'

આ પહેલાં પણ રાજને હાર્ટ અટેક આવી ગયો હતો
સુલેમાને વધુમાં કહ્યું હતું, 'રાજને આ પહેલાં પણ હાર્ટ અટેક આવી ગયો હતો. મને લાગે છે કે રાજ જ્યારે 30-32 વર્ષનો હતો ત્યારે તેને હાર્ટ અટેક આવ્યો હતો. જોકે, હાર્ટ અટેક આવ્યા બાદ તે ઘણું જ ધ્યાન રાખતો હતો અને તે પછી ઠીક હતો.'

25 વર્ષ જૂનો મિત્ર ગુમાવ્યો
રાજ કૌશલના મોતથી દુઃખી સુલેમાને કહ્યું હતું, 'મેં મારો 25 વર્ષ જૂનો મિત્ર ગુમાવી દીધો. તે જ્યારે 'દસ'માં મુકુલ આનંદને આસિસ્ટ કરતો હતો ત્યારથી હું તેને ઓળખું છું. કોરોનાકાળમાં હું માત્ર એકવાર તેના ઘરે ગયો હતો. સલીમ અને મેં રાજની પહેલી ફિલ્મ 'પ્યાર મૈં કભી કભી'માં સંગીત આપ્યું હતું. હું તેના સંપર્કમાં રહેતો હતો. જ્યારે અમે 'ભૂમિ 2020' આલ્બમ શરૂ કર્યું ત્યારે રાજે મઢ આઇલેન્ડમાં આવેલા તેના બંગલામાં શૂટિંગ કરવાની ઓફર કરી હતી. જોકે, કેટલાંક કારણોસર અમે ત્યાં શૂટિંગ કરી શક્યા નહોતા. રાજ પોતાનો મઢ આઇલેન્ડનો બંગલો શૂટિંગ માટે ભાડે આપતો હતો.' અંતે સુલેમાને કહ્યું હતું કે આનાથી આઘાતના સમાચાર કોઈ નથી.

અંતિમ સંસ્કારમાં આ સેલેબ્સ જોવા મળ્યા હતા
રાજ કૌશલના 30 જુલાઈના રોજ 11 વાગે દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં રોનિત રોય, આશિષ ચૌધરી, સમીર સોની, અપૂર્વ અગ્નિહોત્રી, ડિનો મોરિયા સહિતના સેલેબ્સ આવ્યા હતા. પતિના આકસ્મિક નિધનથી મંદિરા બેદી એકદમ ભાંગી પડી હતી. મંદિરા બેદીએ જ પતિની અંતિમ વિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...