સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીનું 15 નવેમ્બરના રોજ સવારે ચાર વાગે કાર્ડિયેક અરેસ્ટને કારણે અવસાન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને 14 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. મહેશ બાબુના પિતાના અવસાનથી ઇન્ડસ્ટ્રીમાં સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે.
વેન્ટિલેટર પર હતા
હોસ્પિટલના ડૉક્ટર્સે કહ્યું હતું કે 15 નવેમ્બરની રાત્રે એક વાગે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં તેમને લાવવામાં આવ્યા હતા અને કાર્ડિયેક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. તેમની પરિસ્થિતિ ઘણી જ ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
2 મહિના પહેલાં જ માતાનું અવસાન થયું
2 મહિના પહેલાં મહેશ બાબુની માતાનું અવસાન થયું હતું. હવે પિતાના અવસાનથી મહેશ બાબુ ભાંગી પડ્યા છે. તેઓ પોતાના પેરેન્ટ્સની ઘણાં નિકટ હતા. મહેશબાબુના પિતા કૃષ્ણા જાણીતા તેલુગુ એક્ટર હતા. તેમને ત્રણ દીકરીઓ અને બે દીકરા છે. મોટા દીકરા રમેશ બાબુનું આ વર્ષે જાન્યુઆરીમાં લાંબી બીમારી બાદ અવસાન થયું હતું.
કૃષ્ણાએ 350થી વધુ ફિલ્મમાં કામ કર્યું
મહેશબાબુના પિતા કૃષ્ણાએ 350થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. તેઓ પોતાના સમયના ટોપ એક્ટર્સ હતા. એક્ટર, પ્રોડ્યૂસર, ડિરેક્ટરની સાથે સાથે પોલિટિશિયન પણ હતા. 2009માં તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કૃષ્ણા પત્નીના અવસાન બાદથી ડિપ્રેશનમાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.