સુપરસ્ટાર મહેશ બાબુ હાલમાં બોલિવૂડ પર આપેલા નિવેદનને કારણે વિવાદમાં છે. મહેશ બાબુની ફિલ્મ 'સરકારુ વારી પાટા'ને 12મેના રોજ રિલીજ થઈ રહી છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોરદાર રહ્યું છે. એક ઇવેન્ટમાં મહેશ બાબુને હિંદી સિનેમા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. મહેશ બાબુએ જવાબમાં એમ કહ્યું હતું કે બોલિવૂડ તેને અફોર્ડ કરી શકે તેમ નથી. આ વાતનો ઘણો જ વિરોધ થયો હતો. હવે, મહેશ બાબુએ વિવાદ થતાં ચોખવટ કરી છે.
મહેશ બાબુએ શું સ્પષ્ટતા કરી?
ચોખવટ કરતાં મહેશ બાબુએ કહ્યું હતું, 'હું સિનેમાને પ્રેમ કરું છું અને તમામ ભાષાઓને માન આપું છું. હું જ્યાં ફિલ્મ કરું છું, ત્યાં કમ્ફર્ટેબલ છું. મને એ જોઈને ઘણો જ આનંદ થાય છે કે મારું સપનું પૂરું થઈ રહ્યું છે. તેલુગુ ફિલ્મને હવે ભારતમાં પસંદ કરવામાં આવી રહી છે.' મહેશ બાબુએ એમ પણ કહ્યું હતું કે તેની આગામી ફિલ્મ એસ એસ રાજમૌલિ સાથે છે અને તે પેન ઇન્ડિયા મૂવી છે.
મહેશ બાબુએ બોલિવૂડ અંગે શું કહ્યું હતું?
મહેશ બાબુ ફિલ્મ 'મેજર'ના ટ્રેલર લૉન્ચિંગમાં આવ્યો હતો. અહીં મીડિયાએ એક્ટરને બોલિવૂડ ડેબ્યુ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં મહેશ બાબુએ કહ્યું હતું, 'એવું નથી કે મને બોલિવૂડમાંથી ઑફર્સ મળતી નથી, પરંતુ મને લાગે છે કે તે લોકો મને અફોર્ડ કરી શકશે નહીં. જે ઇન્ડસ્ટ્રી મને અફોર્ડ ના કરી શકે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને હું મારો સમય બરબાદ કરવા માગતો નથી.'
સાઉથમાં માન-સન્માન મળ્યાં
તેણે વધુમાં કહ્યું હતું, 'મને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જે માન-સન્માન તથા સ્ટારડમ મળ્યું છે એ ઘણું જ મોટું છે. આથી જ હું આ ઇન્ડસ્ટ્રી છોડીને બીજી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા અંગે વિચારી શકતો નથી. હું ફિલ્મ કરવામાં તથા મોટા બનવા અંગે વિચારતો હતો અને હવે મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.