બોલિવૂડના લોકપ્રિય ફિલ્મમેકર બીઆર ચોપરા (બલદેવ રાજ ચોપરા)એ અનેક સારી ફિલ્મ બનાવી છે. આ ઉપરાંત તે ટીવી શો 'મહાભારત'ને કારણે પણ જાણીતા છે. હાલમાં જ મુંબઈના જુહૂમાં આવેલો તેમનો બંગલો વેચી કાઢવામાં આવ્યો છે. બીઆર હાઉસને જાણીતી રિયલ એસ્ટેટ કંપનીએ અંદાજે 183 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે.
સ્ટેમ્પ ડ્યૂટીના 11 કરોડ ભર્યા
બીઆર ચોપરાનો બંગલો 25 હજાર સ્કેવરફૂટમાં ફેલાયેલો છે. આ ઘરને બીઆર ચોપરાનાં દીકરા રવિ ચોપરા તથા પુત્રવધૂ રેણુએ વેચ્યું છે. રિયલ એસ્ટેટ કંપની રહેજા કોર્પે આ બંગલા માટે 182.76 કરોડ રૂપિયા આપ્યા છે. ગયા મહિને કંપનીએ આ ડીલના રજિસ્ટ્રેશન માટે અંદાજે 11 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી.
બંગલો તોડીને શું બનાવવામાં આવશે?
સૂત્રોના મતે, રહેજા કોર્પ આ જમીન પર રેસિડેન્શિયલ પ્રીમિયમ પ્રોજેક્ટ બનાવવાનું પ્લાનિગ કરે છે. અહીં એક સ્કેવર ફૂટનો ભાવ 60-70 હજાર રૂપિયા છે.
2008માં બીઆર ચોપરાનું અવસાન
22 એપ્રિલ, 1914માં પંજાબમાં જન્મેલા બી આર ચોપરાએ લાહોર યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. 1947માં તેઓ પહેલીવાર મુંબઈ આવ્યા હતા. બી આર ચોપરા આ જ ઘરમાંથી કામ કરતાં હતાં. 94 વર્ષની ઉંમરમાં 2008માં તેમનું અવસાન થયું હતું. અનેક ફ્લોપ તથા કેટલીક સારી ફિલ્મ બાદ ચોપરાએ પોતાના પ્રોડક્શન હાઉસને અંતિમ દિવસોમાં ખોટ ખાતું જોયું હતું. 2013માં દીકરા રવિ ચોપરાએ દેવું ચૂકવ્યું હતું અને બંગલા પર લીધેલી તમામ લોન ભરી હતી. બી આર ચોપરાએ 'વક્ત', 'નયા દૌર', 'ધ બર્નિંગ ટ્રેન', 'નિકાહ' સહિતની બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી હતી. બી આર ચોપરાને 2001માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બી આર ચોપરાના નાના ભાઈ સ્વ. યશ ચોપરા છે. યશ ચોપરાનો દીકરો આદિત્ય ચોપરા છે. બી આર ચોપરાની બહેન હીરુ જોહર છે. હીરુ જોહરે યશ જોહર સાથે લગ્ન કર્યા છે અને તેમનો દીકરો કરન જોહર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.