51 વર્ષીય બોલિવૂડ એક્ટર આર માધવને હાલમાં જ સો.મીડિયામાં કેટલાંક વીડિયો શૅર કર્યા છે. આ વીડિયો જોઈને પહેલીવાર તો વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ વીડિયોને માધવને સો.મીડિયામાં શૅર કરીને રસપ્રદ તથા સાથે સાથે દુઃખદ પણ ગણાવ્યા છે. આ વીડિયો જોઈને ચાહકો પણ નવાઈમાં મૂકાઈ ગયા છે.
ગયા મહિનાનો વીડિયો
માધવન ગયા મહિને (26 જુલાઈ, 2021) શૂટિંગ અર્થે દુબઈ ગયો હતો અને તે સમયનો આ એરપોર્ટ પરનો વીડિયો છે. માધવન દુબઈમાં 'અમેરિકન પંડિત'ના શૂટિંગ માટે ગયો હતો. માધવને એરપોર્ટ પરથી અલગ અલગ વીડિયો શૅર કર્યા છે.
શું છે આ વીડિયોમાં?
માધવને શૅર કરેલો એક વીડિયો ફ્લાઇટની અંદરનો છે, જેમાં તેના સિવાય કોઈ પેસેન્જર નથી. આ ઉપરાંત એક વીડિયોમાં એરપોર્ટની ઝલક પણ બતાવી છે, ત્યાં પણ માધવન એકલો જ જોવા મળે છે. એરપોર્ટનો કોમન એરિયા સૂમસામ જોવા મળે છે. છેલ્લે માધવને બિઝનેસ ક્લાસ લાઉન્જની ઝલક બતાવી હતી અને કહ્યું હતું , 'જરા ક્લાસ લાઉન્જની સાઇલન્સ પણ જુઓ, કોઈ નથી અને ના કોઈ અવાજ સંભળાય છે. એવું લાગે છે કે હું કોઈ ભૂત બંગલામાં છું.'
યુઝર્સે પણ કમેન્ટ્સ કરી
માધવનનો આ વીડિયો જોઈને સો.મીડિયા યુઝર્સને પણ નવાઈ લાગી હતી. યુઝર્સે વિવિધ કમેન્ટ કરતાં કહ્યું હતું, 'આ આટલું ખાલી કેમ? આ ઘણું જ ડરામણું છે.' કેટલાંક યુઝર્સને આ વીડિયો ડરામણો તો કેટલાંકને ફની લાગ્યો હતો. એકે કહ્યું હતું કે તમે ગમે ત્યાં બેસી શકો છો. અન્યે કમેન્ટ કરી હતી કે ફિલ્મી લાગે છે. તમે પ્લેન ને એરપોર્ટમાં એકલા જ. અન્ય એકે કમેન્ટ્ કરતાં કહ્યું હતું કે એક સેકન્ડ તો તેને એવું લાગ્યું કે માધવને આખી ફ્લાઇટ બુક કરી છે, પછી તેને પોતાની મૂર્ખામીનું ભાન થયું હતું. બસ કોરોના જલદીથી જાય.
વેબસિરીઝમાં વ્યસ્ત હતો
માધવન હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે નેટફ્લિક્સની સિરીઝ 'ડીકપલ્ડ'ની પહેલી સિઝનનું શૂટિંગ કર્યું હતું. માધવન '3 ઇડિયટ્સ', 'તનુ વેડ્સ મનુ', 'રહેના હૈ તેરે દિલ મેં' જેવી ફિલ્મને કારણે લોકપ્રિય છે. માધવન 'રોકેટરીઃ ધ નામ્બી ઇફેક્ટ'માં જોવા મળશે. આ ફિલ્મ એરોસપ્સ એન્જિનિયર એસ નામ્બી નારાયણના જીવન પર આધારિત છે. આ ફિલ્મથી માધવન ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.