રુઆન લિંગ્યૂ જુગારી પતિ ને પ્લેબોય પ્રેમીથી દુઃખી હતી:મોત બાદ હોસ્પિટલમાં એટલા ચાહકો ઊમટ્યાં કે ડેડબોડી 8 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવી પડી

એક મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી

GOSSIP IS A FEARFUL THING.

ગોસિપ ઘણી જ ડરામણી બાબત છે...!

આ લાઇન રુઆન લિંગ્યૂએ લખેલી સુસાઇડ નોટમાં હતી. 1930માં ચીનની આઇકોનિક એક્ટ્રેસ રહી ચૂકેલી રુઆન પોતાના અંગત જીવનની ન્યૂઝ પેપરમાં છપાયેલી ગોસિપથી એ હદે દુઃખી થઈ કે તેણે પોતાનો જીવ આપી દીધો. તેણે સુસાઇડ નોટમાં આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

રુઆને 24 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી લીધી હતી. નાની ઉંમરમાં જ તે એક સફળ એક્ટ્રેસ બની ગઈ હતી. તેના મોતના સમાચાર સામે આવતા ઘણાં ચાહકોએ જીવ આપી દીધો હતો. ચાહકો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે 8-8 દિવસ સુધી હોસ્પિટલમાં ડેડબૉડી રાખવી પડી. જ્યારે અંતિમ યાત્રા નીકળી તો 3 લાખ લોકો સામેલ થયા હતા. અમેરિકાના ન્યૂઝ પેપર ન્યૂ યોર્ક ટાઇમ્સે તે દિવસ અંગે લખ્યું હતું, 'ફ્યૂનરલ ઑફ ધ સેન્ચુરી.'

રુઆન લિંગ્યૂએ અનેક સંઘર્ષો કર્યા હતા. નાનપણમાં પિતાનું અવસાન થતાં માતા બીજા ઘરોમાં કામ કરીને ગુજરાન ચલાવતી હતી. જ્યારે રુઆને લગ્ન કર્યા તો પતિ જુગારી નીકળ્યો. બંને અલગ થયા અને કોઈ બીજા સાથે પ્રેમ થયો તો તે પણ દર્દનાક સાબિત થયું. એક્ટિંગમાં જ રુઆનને શાંતિ મળતી. ચાહકો તેની એક્ટિંગ પાછળ પાગલ હતા. રુઆનના અંગત જીવનની વાત છાપામાં આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.

પિતા નાનપણમાં ગુજરી ગયા, માતા નોકરાણી હતી
રુઆનનો જન્મ 26 એપ્રિલ, 1910માં શાંઘાઈ (ચીન)માં થયો હતો. જન્મના થોડાં સમય બાદ મોટી બહેનનું અવસાન થયું હતું. આ સમયે ચીનની પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી. 250 વર્ષો સુધી ચીનમાં રાજ કરનાર કિંગ રાજવંશનો અંત થયો હતો અને સરકાર બની હતી. રુઆનની માતા હાઉસ વાઇફ હતી અને પિતા પેટ્રોલિયમ કંપનીમાં સામાન્ય કર્મચારી હતી. કંપનીમાં કામ કરતા સમયે એક અકસ્માતમાં રુઆનના પિતાનું અવસાન થયું. આ સમયે રુઆનની ઉંમર 6 વર્ષની હતી.

રુઆનની માતાએ ઘરનું ગુજરાન ચલાવવા માટે બીજાના ઘરે કામ કરવાની શરૂઆત કરી. રુઆનનું નાનપણ મોટાભાગે ઘરે માતાની રાહ જોવામાં અથવા અમીરો માતા પર જે અત્યાચારો કરતાં તે જોવામાં જ પસાર થયું છે. માતાએ જ્યારે રુઆનને સ્કૂલે મોકલી તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે કોઈને માતા નોકરાણી હોવાની વાત કહે નહીં. માતાને ડર હતો કે રુઆનની મજાક ઉડાવવામાં આવશે.

ન્યૂઝ પેપરમાં જાહેરાત જોઈને 15 વર્ષીય રુઆને હિરોઈન બનવાનું નક્કી કર્યું
1895માં ચીનમાં મોશન પિક્ચરની શરૂઆત થઈ અને 1905થી ફિલ્મ બનવાની શરૂઆત થઈ ગઈ હતી. તે સમયે સાઇલન્ટ ફિલ્મ બનતી. ચીનની મિંગઝિંગ નવી ફિલ્મ કંપની હતી. આ કંપનીને કલાકારોની જરૂર હતી. 1926માં કંપનીએ હિરોઈનની શોધ માટે છાપામાં જાહેરાત આપી હતી. આર્થિક તંગીથી હેરાન-પરેશાન થયેલી રુઆન સ્ટૂડિયો ગઈ અને તેની પસંદગી થઈ ગઈ.

1930માં રુઆન ચીનની સ્ટાર બની ગઈ
પહેલી ફિલ્મની લોકપ્રિયતા બાદ વર્ષ 1928માં રુઆનને છ ફિલ્મ મળી. 1930માં રુઆનને 'સ્પ્રિંગ ડ્રીમ ઇન ઓલ્ડ કેપિટલ'થી ખરી ઓળખ મળી. આ જ વર્ષે રુઆને નવા પ્રોડક્શન હાઉસ લિયાનહુઆ સ્ટૂડિયો સાથે કોન્ટ્રાક્ટ કરીને મોટું જોખમ લીધું હતું. આ પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મમાં રુઆને ગણિકાનો રોલ પ્લે કર્યો. આ ગણિકાનું નામ યાનયાન હતું. આ પ્રોડક્શન હાઉસ તથા રુઆન આખા ચીનમાં લોકપ્રિય થયાં.

બીજી સૌથી સફળ એક્ટ્રેસ, મૂવી ક્વીનનો ખિતાબ અપાયો
1931માં 'લવ એન્ડ ડ્યૂટી' જેવી ફિલ્મ કરીને રુઆન સ્ટાર બની ગઈ. 1933માં 'ધ સ્ટાર ડેલી' મેગેઝિને દેશનો પહેલો પબ્લિક પોલ કર્યો હતો. ચીનના લોકોએ રુઆનને બીજા નંબરની મૂવી ક્વીનનો ખિતાબ આપ્યો. પહેલા નંબરે હુ ડાય તો ત્રીજા નંબરે ચેન યૂમી હતી. રુઆને 1932માં 'થ્રી મોડર્ન વુમન'થી લેફ્ટિસ્ટ ચાઇનીઝ ડિરેક્ટર્સ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. 1934માં રિલીઝ થયેલી 'ધ ગોડેસ' રુઆનની બેસ્ટ ફિલ્મમાંથી એક છે. આ ફિલ્મમાં રુઆને વિધવાનો રોલ પ્લે કર્યો હતો. તે દીકરાના ઉછેર માટે વેશ્યાવૃત્તિ કરવા મજબૂર બને છે.

જુગારી સાથે લગ્ન, પછી રંગીન મિજાજના બિઝનેસ ટાયકૂન સાથે સંબંધો
રુઆનની માતા અમીરોના ઘરમાં કામ કરતી હતી, તેમાંથી એક અમીર પરિવારના ચોથા નંબરના દીકરા ઝાંગ દામિનને રુઆન પ્રેમ કરવા લાગી હતી. ઝાંગ એક જુગારી હતો. તેને ઘરમાંથી બેદખલ કરી દેવામાં આવ્યો હતો. રુઆન એક સ્ટાર હતી. તે પોતાના પૈસે ઝાંગના શોખ પૂરા કરતી હતી. બંનેએ લગ્ન પણ કર્યા અને દીકરી નન્નનને દત્તક લીધી હતી. ઝાંગના વર્તનથી ત્રાસીને રુઆન અલગ થઈ ગઈ હતી, ઝાંગને છોડ્યા બાદ રુઆનના સંબંધો બિઝનેસ ટાઇકૂન ટેંગ ઝિશાન સાથે હતા. ઝિશાન પોતાના રંગીન મિજાજને કારણે બદનામ હતો.

કાયદાકીય જંગ ને બેવફાઈની અસર
1934માં રુઆન તથા ટેંગના સંબંધોથી નારાજ થઈને ઝાંગે તેમની પર કેસ કર્યો હતો. તેણે રુઆન પર આક્ષેપ કર્યો હતો કે પરિણીત હોવા છતાં તેના સંબંધો ટેંગ સાથે છે. આ સાથે જ રુઆન પર ચોરીનો આક્ષેપ કર્યો હતો. પછી ઝાંગે રુઆન પર ગંભીર આરોપો મૂક્યા અને કોર્ટ સુધી ઢસડી ગયો હતો. આ સમયે રુઆન પોતાના પ્રેમી ટેંગ સાથે રહેતી હતી. અલબત્ત ટેંગના સંબંધો અન્ય એક્ટ્રેસ લિઆંગ સાથે પણ હતા.

ન્યૂઝ પેપરમાં રુઆનના અંગત જીવનની વાતો ખૂબ ઉડી
કોર્ટ કેસ દરમિયાન રુઆનની પ્રાઇવેટ લાઇફ ગોસિપનો ટોપિક બની ગયો હતો. ઝાંગ રોજ રુઆન વિરુદ્ધ ઇન્ટરવ્યૂ આપતો અને પર્સનલ વાતો શૅર કરતો. ન્યૂઝ પેપરમાં આવતી ગોસિપની અસર રુઆન પર ખરાબ રીતે પડી હતી.

મોત પહેલાં સુસાઇડ સીન શૂટ કર્યો હતો
1935માં રિલીઝ થયેલી રુઆનની ફિલ્મ 'ન્યૂ વુમન'ની ઘણી જ ચર્ચા થઈ હતી. આ ફિલ્મ રુઆનની સેકન્ડ લાસ્ટ ફિલ્મ હતી. અનેક ચાહકોએ દાવો કર્યો હતો કે આ ફિલ્મ રુઆનના જીવન પર આધારિત હતી, કારણ કે આ ફિલ્મ એક્ટ્રેસ આય ઝિયા પર બની હતી. તેણે પણ ગોસિપથી હેરાન થઈને મોતને વ્હાલું કર્યું હતું. આ ફિલ્મમાં ડેથ સીનની રુઆન પર ઘણી જ ખરાબ અસર પડી હતી. ઊંઘની ગોળીઓ ખાઈને મોતનો સીન શૂટ કરતાં સમયે રુઆનના એક્સપ્રેશન જોઈને ચાહકો શૉક્ડ થઈ ગયા હતા. તમામને લાગ્યું કે રુઆને વાસ્તવમાં જીવ આપી દીધો.

પહેલાં પણ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો
શૂટિંગ પૂરું થતાં રુઆન ધ્રુસકે ધ્રુસકે રડી હતી. સેટ પર માહોલ એકદમ શાંત હતો. સેટ પર કો-સ્ટાર લી લિલી હાજર હતી. તેણે રુઆનને પૂછ્યું હતું કે તે આ સીન શૂટ કરતી વખતે શું વિચારતી હતી. રુઆને કહ્યું હતું, 'મારું જીવન પણ આવું જ છે. ફરક એટલો કે હું જીવિત છું. મેં ભૂતકાળમાં જ્યારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને મારા મનમાં જે પણ વિચારો આવતા તે જ શૂટિંગ દરમિયાન આવ્યા હતા. તમે તે એક સેકન્ડમાં ઘણાં જ કન્ફ્યૂઝ થઈ જાવ છો. ક્યારેક લાગે કે તમે જીવનના દરેક દુઃખમાંથી આઝાદ થઈ રહ્યા છો તો ક્યારેક એમ લાગે કે તમે પોતાની જાતને તકલીફ આપો છો. અનેક લોકોના ચહેરા મારી આંખોની સામે આવી ગયા, આમાંથી કેટલાંક પ્રત્યે પ્રેમ હતો તો કેટલાંકને નફરત કરતી હતી.'

24 વર્ષમાં મોતને વ્હાલું કરીને લખ્યું- ગોસિપ ઘણી જ ડરામણી બાબત છે
7 માર્ચ, 1935, રુઆને કેસની સુનાવણી માટે 8 માર્ચે કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ આવું થયું નહીં. રાત્રે જમ્યા બાદ રુઆને ત્રણ શીશી ભરેલી ઊંઘની દવા ખાઈ લીધી. તે તરફડિયા મારતી હતી, ઘરના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. અહીંયા રુઆને અંતિમ શ્વાસ લીધા.

8 માર્ચના રોજ ચીનની ગૉડેસ તથા મૂવી ક્વીન રુઆન માત્ર 24 વર્ષની ઉંમરમાં દુનિયા છોડીને જતી રહી. તે સમયે ઘરમાં તેનો પ્રેમી હાજર હતો. પ્રેમીને એક સુસાઇડ નોટ મળી હતી અને તેમાં લખ્યું હતું, ગોસિપ ઘણી જ ડરામણી બાબત છે.

'જ્યારે હું મરીશ તો લોકોને લાગશે કે મેં આવું શરમમાં આવીને કર્યું, પરંતુ મારો ગુનો શું છે, શા માટે મને શરમ આવવી જોઈએ. મેં ક્યારેય ઝાંગ દામિન (પૂર્વ પતિ) સાથે કંઈ ખરાબ કર્યું નહોતું. ત્યાં સુધી કે જ્યારે અમે અલગ થઈ ગયા પછી બીજા મહિને મેં તેને 100 યુઆન (ચાઇનસ કરન્સી) આપ્યા હતા.

હું આ વાતને ચગાવવા માગતી નહોતી. મારી પાસે પુરાવા અને તમામ રિસિપ્ટ છે, પરંતુ તેણે મારા અહેસાનનો જવાબ બદલાથી આપ્યો. દયાનો જવાબ ગુસ્સાથી આપ્યો. બહારની દુનિયાને આ વાતની જાણ નથી. તેણે લોકોને વિશ્વાસ અપાવ્યો કે મેં ખોટું કર્યું છે.

તો હવે હું શું કરી શકું છું. મેં ઘણું જ વિચાર્યું, પરંતુ હવે સુસાઇડ જ આ બધું પૂરું કરી શકે છે.

કાશ, જો હું મરું તો કોઈ અફસોસ રહેશે નહીં, પરંતુ ગોસિપ એક ડરામણી બાબત છે. મને હજી પણ ડર છે કે લોકો વાતો કરશે.

હું મર્યા વગર મારી માસૂમિયત સાબિત કરી શકું તેમ નથી. હવે હું મરી રહી છું. જોકે, તેણે મને મારી નથી, પરંતુ હું તેને કારણે મરી રહી છું. હવે જોઈએ કે ઝાંગ આમાંથી કેવી રીતે બહાર નીકળે છે. તેણે મને મોતના દરવાજા સુધી મોકલી તો હવે તું ટેંગ ઝિશાનને ફસાવી શકે છે. '

- રુઆન લિંગ્યૂના અંતિમ શબ્દ, 7 માર્ચ, 1935

મોત બાદ પ્રેમીએ નકલી સુસાઇડ નોટ લખી
રુઆનના મોત બાદ બે સુસાઇડ નોટ અનેક ન્યૂઝ પેપરમાં આવી હતી. તમે વાંચી તે એક અને બીજી રુઆનના બોયફ્રેન્ડ ટેંગે પબ્લિશ કરાવી હતી. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે ટેંગે છપાવેલી સુસાઇડ નોટ નકલી હતી. વાસ્તવમાં બીજી સુસાઇડ નોટ છાપનાર પબ્લિકેશને દાવો કર્યો હતો કે તે નોટ રુઆનના બોયફ્રેન્ડ ટેંગે પોતાની ગર્લફ્રેન્ડની બહેન પાસે લખાવી હતી. આ બહેનની હેંડરાઇટિંગ રુઆન સાથે મળતા આવતા હતા. તે નોટમાં એવું બતાવવામાં આવ્યું કે રુઆને ટેંગની માફી માગી છે. જોકે, આ બનાવટી હતી.

અસલ સુસાઇડ નોટમાં આશ્ચર્યજનક ઘટસ્ફોટ થયા
નકલી સુસાઇડ નોટ સામે આવ્યાના થોડા સમય બાદ રુઆને ટેંગ ઝિશાનને લખેલી અસલી નોટ મળી હતી. તે નોટમાં રુઆને કહ્યું હતું કે ટેંગ તેને માર મારતો હતો. રુઆને લખ્યું હતું કે જો તે રાત્રે ટેંગ તેને મારી ના હોત તો તે આજે જીવતી હોત.

ઝિશાન,

'જો તમે એક પબ્લિકેશન સાથે મળેલા ના હોત અથવા તો તમે તે સાંજે મને મારી ના હોત અને આજ આ ફરી વાર કર્યું ના હોત તો કદાચ આજે હું જીવતી હોત. મારા મોત બાદ લોકો તમને પ્લેબોય ને શયતાન કહેશે. આનાથી પણ વધારે લોકો મને એક આત્માહીન મહિલા કહેશે, પરંતુ ત્યાં સુધી મેં આ દુનિયાને અલવિદા કહી દીધું હશે. તું એકલો જ હેરાન થઈશ.

ઝિયુન (ટેંગની પૂર્વ પ્રેમિકા), મને વિશ્વાસ છે કે તું સમજી ગઈ હતી કે ટેંગ આગળ શું બનશે. હવે જ્યારે હું મરી રહી છું તો તને નફરત કરવાનું સાહસ કરીશ નહીં. આશા છે કે તું મારી માતા અને નન્નન (દત્તક લીધેલી દીકરી)નું ધ્યાન રાખીશ.

લિયાનહુઆ પાસેથી મારે 2050 યુઆન લેવાના છે. પ્લીઝ તે પૈસાથી માતાનું ધ્યાન રાખજે. હવે તે માત્ર તારા પર નિર્ભર છે. મારા વગર હવે તું જે કરવા માગે છે તે કરી શકીશ. હું ઘણી જ ખુશ છું.' - રુઆન, 7 માર્ચ, 1935

ચાહકોની ભીડને કારણે અઠવાડિયા સુધી અંતિમ સંસ્કાર ના થઈ શક્યા
રુઆનની લાશને વાંગ્યો ફ્યૂનરલ હોમમાં રાખવામાં આવી હતી. ચાહકોની ભીડ એટલી હતી કે 8 દિવસ સુધી અંતિમ સંસ્કાર થઈ શક્યા નહીં.

અંતિમ દર્શન માટે 3 લાખ લોકો ઉમટ્યા
14 માર્ચ, 1935ના રોજ રુઆનના અંતિમ દર્શન માટે અંદાજે 3 લાખ લોકો ઉમટ્યા હતા. 4.8 કિમી સુધી લાંબી લાઇન લાગી હતી. તે દિવસે અનેક ચાહકોએ એમ કહીને આત્મહત્યા કરી હતી કે જ્યારે રુઆન નથી તો તેઓ કેમ જીવતા રહે. ન્યૂ યોર્ક ટાઇમ્સે રુઆનના અંતિમ સંસ્કારને સદીના સૌથી મોટા અંતિમ સંસ્કાર ગણાવ્યા હતા.

રુઆનના મોતના 40 વર્ષ બાદ હિસ્ટોરિયન જે લેડાએ પોતાની બુક 'ઇલેક્ટ્રિક શેડોઃ એન અકાઉન્ટ ઑફ ફિલ્મ'માં રુઆનની દર્દનાક લાઇફનો ઉલ્લેખ કર્યો હતો. 1930ના દાયકામાં રુઆન સૌથી સફળ એક્ટ્રેસ હતી. રુઆન પર બે ટીવી સિરીઝ પણ બની હતી. 1991માં સ્ટેનલી ક્વાને રુઆન પર બાયોપિક બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...