સલમાન ખાનને હવે ઈ-મેલ દ્વારા ધમકીઓ મળી છે. રોહિત નામની વ્યક્તિએ લોરેન્સ અને ગોલ્ડી બ્રારના નામે ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો છે. સલમાનની ટીમને મળેલા ઈ-મેલમાં લખવામાં આવ્યું હતું કે જો તારા બોસ સલમાનને મામલો બંધ કરવો હોય તો વાત કરી લે. નહિતર આગલી વખતે સીધો આંચકો મળશે. ધમકી મળ્યા બાદ સલમાનના મેનેજરે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.
વાંચો... સલમાનના મેનેજરને મોકલવામાં આવેલા મેઇલ વિશે...
ગોલ્ડી બ્રારને તમારા બોસ સલમાન સાથે વાત કરવી છે. સલમાને લોરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યૂ જોયો જ હશે. જો તેણે જોયો નથી, તો તેને ઇન્ટરવ્યૂ જોવા માટે કહો. જો મામલો બંધ કરવો હોય તો મેટર ક્લોઝ કરો. જો રૂબરૂ વાત કરવી હોય તો કહી દે. અત્યારે સમયસર જાણ કરવામાં આવી છે, નહીંતર આગળના સમયમાં માત્ર આંચકો જ જોવા મળશે.
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન વિરુદ્ધ ફરી એકવાર ઝેર ઓક્યું છે. તેણે જેલમાં બેસીને ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનને ધમકી આપી છે. લોરેન્સે કહ્યું હતું કે તે સલમાન વિશે સારું વિચારતો નથી. જે દિવસે સલમાનની સિક્યોરિટી હટાવવામાં આવી એ દિવસ તેના જીવનનો અંતિમ દિવસ હશે.
નાનપણથી સલમાનને મારવાનું વિચારું છું
લોરેન્સે થોડા દિવસ પહેલાં 'ABP ન્યૂઝને જેલમાં રહીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સલમાને બિશ્નોઈ સમાજ, જે કાળિયાર હરણની પૂજા કરે છે તેનો શિકાર કર્યો હતો. તેના મનમાં ત્યારથી જ સલમાન પ્રત્યે ગુસ્સો છે.
સલમાનનું અભિમાન તોડીશું: લોરેન્સ
લોરેન્સે કહ્યું હતું, 'સલમાને અમારા સમાજને નીચો બતાવ્યો છે. અમે તેનું અભિમાન તોડીશું. અમારા સમાજમાં જીવજંતુઓ અને ઝાડ-છોડની પૂજા કરવામાં આવે છે. અમે ઈચ્છીએ છીએ કે સલમાન અમારા સમાજની સામે આવીને માફી માગે. રાજસ્થાનમાં અમારા સમાજનું મંદિર જંભેશ્વરજીની સામે સલમાન માફી માગે. જો સમાજ તેને માફ કરે છે તો મને કોઈ જ વાંધો નથી.'
ધમકીભર્યો પત્ર મળ્યો
જૂન, 2022માં સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે જે હાલ સિદ્ધુ મૂસેવાલાના કર્યા એવા જ હાલ સલમાન ખાનના કરીશું. આ ધમકી બાદ સલમાનને મહારાષ્ટ્ર સરકારે Y+ સુરક્ષા આપી હતી. સલમાનની સાથે 11 જવાન રહે છે, જેમાં એક કે બે કમાન્ડો તથા 2 PSO સામેલ છે. સલમાનની ગાડીની આગળ-પાછળ એસ્કોર્ટ કરવા માટે બે ગાડી હોય છે. આ ઉપરાંત સલમાનની કાર બુલેટપ્રૂફ છે.
કાળિયાર હરણ કેસમાં સલમાનને જેલ થઈ હતી
સલમાન ખાન 1998માં 'હમ સાથ સાથ હૈ'ના શૂટિંગ માટે રાજસ્થાન ગયો હતો. અહીં તેણે કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. તેની સાથે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ તથા નીલમ કોઠારી પર પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. બિશ્નોઈ સમાજે ત્યારે સલમાન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સલમાનને જોધપુર કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જોકે આ કેસમાં તેને જામીન મળી ગયા છે.
કોણ છે લોરેન્સ બિશ્નોઈ?
લોરેન્સ બિશ્નોઈ પંજાબ, હરિયાણા, રાજસ્થાન તથા હિમાચલ પ્રદેશની સૌથી ખતરનાક ગેંગનો લીડર છે. તે જેલમાં રહીને પોતાની ગેંગને ચલાવે છે. 15 વર્ષ પહેલાં તેણે કોલેજમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. તેના પિતા લવિન્દ્ર કુમાર પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. લોરેન્સ 2014થી જેલમાં બંધ છે.
મૂસેવાલાની હત્યાના ષડ્યંત્રનો આરોપી
મૂસેવાલા હત્યાકાંડ અંગે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કહ્યું હતું કે લોરેન્સે જ આ ષડ્યંત્ર રચ્યું હતું. કેનેડામાં રહેલા ગેંગસ્ટર ગોલ્ડી તથા સચિને આ ઘટનાને અંજામ આપ્યો હતો. લોરેન્સે પણ કહ્યું હતું કે તે પોતાના નિકટના અકાલી નેતા વિક્કી મિડ્ડુખેડાની મોહાલીમાં થયેલી હત્યાથી નારાજ હતો. વિક્કીની જે લોકોએ હત્યા કરી હતી તેમનો નિકટનો સાથી સિદ્ધુ હતો. લોરેન્સે તિહાર જેલમાં સોગન લીધા હતા કે તે મૂસેવાલાને જીવતો છોડશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.