ભાવુક અપીલ:અફવાઓથી દુઃખી થઈને દિશા સલિયનના પરિવારે કહ્યું, આવું તમારી દીકરી સાથે થાય તો તમને કેવું લાગે?

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનના અવસાનની પોલીસ તપાસ ચાલી રહી છે. દિશાએ આત્મહત્યા કરી હતી અને તે સંદર્ભે સુશાંતની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, સુશાંતે પણ દિશાના અવસાનના છ દિવસ બાદ જ આત્મહત્યા કરી લેતા અનેક વાઈરલ થિયરી સામે આવી છે. આ થિયરીમાં દિશાનું નામ ઘણાં લોકો સાથે સાંકળવામાં આવ્યું છે. હવે, દિશાના પરિવારે એક ઈમોશનલ નોટ શૅર કરીને આ તમામ થિયરી પર પૂર્ણ વિરામ મૂક્યું છે. 

તમારી સાથે આવું થાત તો તમને કેવું લાગતઃ સલિયન પરિવાર
દિશાના પરિવારે લખ્યું હતું, જે પણ આ વાંચી રહ્યું છે, બની શકે કે તેઓ અમને કે દિશાને ઓળખતા હોય અથવા ના પણ હોય. જોકે, આપણા બધામાં એક વસ્તુ કોમન છે, આપણે બધા માણસો છીએ અને દરેક બાબતને અનુભવી શકીએ છીએ. આથી જ અમને આશા છે કે તમે અમારું દુઃખ સમજી શકશો. અમે અમારી પ્રેમાળ દીકરીને ગુમાવી છે. આ નુકસાન અમારા માટે સૌથી મોટું છે. તેના અવસાનની આ મુશ્કેલ ઘડીમાંથી બહાર આવતા અમને ખાસ્સો સમય લાગશે. 

જોકે, સૌથી વધુ દુઃખદાયી તેને લઈને આવતા સમાચાર, અફવા, ષડયંત્ર તથા અટકળો છે. આ તમામ બાબતો માત્ર ખોટી જ નથી પરંતુ આને કારણે તેનો પરિવાર આ દુઃખમાંથી બહાર આવી શકતો નથી. આ સમયે અમે એક નિવેદન કરીએ છીએ કે મહેરબાની કરીને અફવાઓ ના ફેલાવો. સોશિયલ મીડિયામાં જે લોકો સ્વાર્થથી આ સમાચાર ફેલાવે છે, તેઓ ક્યારેય સફળ થશે નહીં, કારણ કે તેઓ કોઈના અવસાનનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. 

દિશા કોઈની દીકરી, કોઈની બહેન તથા કોઈની મિત્ર હતી. તમારા જીવનમાં આ તમામ સંબંધો નિભાવતી કોઈ વ્યક્તિ હશે. તેમને જુઓ અને પછી કહો કે જો આવું જ બધું તમારા કોઈ પ્રિયજન સાથે થાય તો તમને કેવી લાગણી થાય. સહાનુભૂતિના મૂળ ગુણને કારણે આપણે માનવ બનીએ છીએ. તો સૌ પહેલાં માણસ બનીએ. મહેરબાની કરીને તેની આત્માને શાંતિ મળવા દો. સલિયન પરિવાર તથા મિત્રો.

દિશાના અવસાનના છ દિવસ બાદ સુશાંતે આત્મહત્યા કરી
ભારતી સિંહ, વરુણ શર્મા તથા સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર દિશાએ આઠ જૂનના રોજ 12મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સોશિયલ મીડિયામાં દિશાનું નામ સૂરજ પંચોલી સાથે જોડવામાં આવ્યું હતું અને આ જ સમયે દિશાના પરિવારે નિવેદન રિલીઝ કર્યું હતું. અફવા હતી કે દિશા તથા સૂરજ પંચોલી વચ્ચે સંબંધો હતો. જોકે, સૂરજે કહ્યું હતું કે તે દિશાને ઓળખતો પણ નહોતો. 

અન્ય સમાચારો પણ છે...