સુશાંતના મોતના અઢી વર્ષ બાદ પણ ફ્લેટ ખાલી:બ્રોકરે કહ્યું, લોકો આ ઘરમાં આવતા ઘણાં જ ડરે છે, હવે મકાનમાલિક ફિલ્મસ્ટારને ભાડે આપવા તૈયાર નથી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના મોતને અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જોકે, જે ફ્લેટમાં સુશાંત મૃત અવસ્થામાં મળી આવ્યો હતો તે ફ્લેટ ખાલી છે. હજી સુધી આ ફ્લેટ કોઈએ ભાડે લીધો નથી. જ્યારે લોકોને જાણ થાય છે કે આ ફ્લેટમાં સુશાંત મૃત અવસ્થામાં મળી આવ્યો હતો ત્યારે તેઓ ઘર જોવા પણ આવતા નથી. હાલમાં જ મુંબઈ બેઝ્ડ રિયલ એસ્ટેટના બ્રોકરે કહ્યું હતું કે સારું લોકેશન હોવા છતાં લોકો આ ફ્લેટમાં આવતા ડરે છે.

મહિને પાંચ લાખનું ભાડું
રફીકે કહ્યું હતું કે મહિને પાંચ લાખનું ભાડું છે અને છ મહિનાની ડિપોઝિટ એટલે કે 30 લાખ રૂપિયા આપવાના થશે. આ બિલ્ડિંગમાં કોઈ ફિલ્મ સ્ટાર રહેતા નથી. બિલ્ડિંગના ચેરમેન તથા સેક્રેટરીએ કોઈ કડક નિયમો બનાવ્યા નથી. સુશાંતના મોત પહેલા જે નિયમો હતા, એ જ નિયમો આજે પણ છે.

લોકોને ડર લાગે છે
રિયલ એસ્ટેટ બ્રોકર રફીક મર્ચન્ટે હાલમાં જ સો.મીડિયામાં ફ્લેટની તસવીરો ને વીડિયો શૅર કર્યો હતો. મીડિયાએ જ્યારે સવાલ કર્યો કે આ ફ્લેટ સુશાંતનો હતો? તો રફીકે હા પાડી હતી.

આ ઉપરાંત રફીકે એમ કહ્યું હતું કે આ ફ્લેટને હજી સુધી કોઈ ભાડુઆત મળ્યા નથી. જ્યારે પણ કોઈ ફ્લેટ જોવા આવે અને ભૂતકાળ જાણે એટલે ચોખ્ખી ના પાડી દે છે. લોકો આ ફ્લેટમાં આવતા ડરે છે.

ફ્લેટના માલિક કોઈ ફિલ્મ સ્ટાર્સને ભાડે આપવા તૈયાર નથી
રફીકે એમ પણ કહ્યું હતું કે માલિક હવે કોઈ પણ ફિલ્મસ્ટાર્સને ઘર ભાડે આપવા માગતા નથી. ફ્લેટ ઓનર NRI છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ ફ્લેટ કોઈ કોર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલી વ્યક્તિને જ ભાડે આપવામાં આવે.

રફીકે વધુમાં ઉમેર્યું હતું કે પહેલાં તો લોકો આ ફ્લેટ જોવા પણ આવતા નહોતા, પછી ધીમે ધીમે ભાડે લેવામાં રસ બતાવી રહ્યા છે. જો કોઈ ભાડે લેવા તૈયાર થાય તો પરિવાર ના પાડી દે છે અને આ જ કારણે હજી સુધી કોઈ ડીલ ફાઇનલ થઈ નથી.

સુશાંત મહિને 4.51 લાખ રૂપિયા ભાડુ આપતો
ઉલ્લેખનીય છે કે 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત આ જ ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારથી આ ફ્લેટ ખાલી છે. દરિયા કિનારે આવેલા આ અપાર્ટમેન્ટમાં ચાર રૂમ છે, એક હોલ તથા ડ્રોઇંગ રૂમ છે. સુશાંત દર મહિને 4.51 લાખ રૂપિયા ભાડું આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...