કૂતરા માટે કરોડોનું ઈનામ:લેડી ગાગાના બે કૂતરાઓની ચોરી, સિંગરે કહ્યું- શોધી આપનારને 3.65 કરોડ રૂપિયાનું ઈનામ આપીશ

લોસ એન્જલસએક વર્ષ પહેલા

ઓસ્કર વિનર પોપ સિંગર લેડી ગાગાએ પોતાના કૂતરાઓને શોધી આપનારને પાંચ લાખ ડોલર (અંદાજે 3.65 કરોડ રૂપિયા)નું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. લેડી ગાગાના એક કૂતરા વોકરને ગોળી મારવામાં આવી હતી અને બીજા બે ફ્રેન્ચ બુલડોગ્સ હોલિવૂડમાંથી ચોરી થઈ ગયા છે.

ગાગાના પિતાએ કહ્યું- આ ઘણું જ ભયાવહ છે
ગાગાના પિતા જો જર્મનોટાએ ન્યૂ યોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હુમલા બાદથી તે દીકરીના સંપર્કમાં છે. આ ઘટના ભયાવહ છે. એવું લાગે છે કે કોઈએ તમારા બાળકોને લઈ લીધા છે.

લેડી ગાગા હોલિવૂડમાં પોતાની ચિત્ર વિચિત્ર ફેશનને કારણે જાણીતી છે
લેડી ગાગા હોલિવૂડમાં પોતાની ચિત્ર વિચિત્ર ફેશનને કારણે જાણીતી છે

વોકરને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યોઃ પોલીસ
લોસ એન્જલસ પોલીસ કેપ્ટન જોનાથન ટિપેટના મતે, બુધવાર, 24 ફેબ્રુઆરીના રોજ વોકર નામના કૂતરાને ગોળી મારવામાં આવી હતી. જોકે, તેને બચાવી લેવામાં આવ્યો છે. એક વ્યક્તિ લેડી ગાગાના ત્રણ કૂતરા સાથે જોવા મળ્યો હતો, તેમાંથી વોકર ભાગી નીકળ્યો હતો અને તેને સલામત રીતે બચાવવામાં આવ્યો છે.

જે વ્યક્તિ પરત આપી જશે, તેને કોઈ સવાલ-જવાબ પૂછવામાં આવશે નહીં
પોલીસના મતે, અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે વોકરને માત્ર સેલિબ્રિટી ડોગ હોવાને કારણે ગોળી મારવામાં આવી હતી કે અન્ય કોઈ કારણ હતું. અન્ય બે કૂતરાઓ કોજી તથા ગુસ્તાવને જે વ્યક્તિ પરત આપશે તેના માટે લેડી ગાગાએ ઈનામ જાહેર કર્યું છે. લેડી ગાગાએ એલાન કર્યું હતું કે જે વ્યક્તિ કૂતરાઓ પાછા આપી જશે તેમને પાંચ લાખ ડોલર અંદાજે 3.65 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આટલું જ નહીં તેને કોઈ પણ સવાલ-જવાબ કરવામાં આવશે નહીં. બંને કૂતરાના નામથી kojiandgustav@gmail.com ઈમેલ આઈડી પણ બનાવવામાં આવ્યું છે.

લેડી ગાગાને પ્રાણીઓ પ્રત્યે ઘણી જ સંવેદના છે
લેડી ગાગાને પ્રાણીઓ પ્રત્યે ઘણી જ સંવેદના છે

911 નંબર પર અનેક ફોન આવ્યા
હોલિવૂડ ડિવિઝનના કમાન્ડિંગ અધિકારી કેપ્ટન સ્ટીવન લુરીએ કહ્યું હતું કે બુધવાર રાત્રે 9.40ની આસપાસ પોલીસને ફોન કરીને નોર્થ સિએરા બોનિતા એવન્યૂ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ઈમરજન્સી નંબર 911 પર અનેક ફોન આવ્યા હતા અને એક વ્યક્તિએ ગોળી ચાલી હોવાની માહિતી આપી હતી. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. લેડી ગાગા રોમમાં શૂટિંગ કરી રહી છે.