હોસ્પિટલમાં 'એમ એસ ધોની' ફિલ્મનો એક્ટર:કોવિડ પોઝિટિવ થયા બાદ કુમુદ મિશ્રાને શ્વાસ લેવામાં તકલીફ થઈ, અત્યારે ઓક્સિજન સપોર્ટ પર છે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

'સુલતાન', 'એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી', 'જોલી LLB 2' અને 'ભારત' જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા કુમુદ મિશ્રાને શ્વાસ લેવામાં તકલીફ થતા મધ્ય પ્રદેશના રીવાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા તેમનો કોવિડ ટેસ્ટ પોઝિટવ આવ્યો હતો.

અત્યારે ઓક્સિજન સપોર્ટ પર છે કુમુદ
ઈન્ડિયા ટૂડેના રિપોર્ટના અનુસાર, કુમુદની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ અત્યારે તેમણે ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ડૉક્ટર્સ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સૌથી પહેલા કુમુદની માતા કોરોનાથી સંક્રમિત થઈ હતી અને તેઓ તેમનું ધ્યાન રાખતા હતા. આ દરમિયાન કુમુદ પણ વાઈરસની ઝપેટમાં આવી ગયા હતા. કુમુદની માતા પણ અત્યારે હોસ્પિટલમાં જ દાખલ છે.

NSDમાં નવાઝુદ્દીન સિદ્દીકીના સિનિયર છે કુમુદ
કુમુદ મિશ્રા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં નવાઝુદ્દીન સિદ્દીકીના સિનિયર રહી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, નવાઝ NSDમાં મારો જૂનિયર હતો. મેં તેનું શરૂઆતનું કામ જોયું છે. તે જેટલો સક્ષમ આજે છે, એટલો જ હંમેશાંથી રહ્યો છે. બંનેએ વરુણ ધવન સ્ટારર 'બદલાપુર' માં સાથે કામ કર્યું હતું.

પત્ની પણ એક્ટ્રેસ, ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે
કુમુદ મિશ્રાના પત્ની આયેશા રઝા પણ બોલિવૂડની એક્ટ્રેસ છે. તે 'મદારી', 'ટોયલેટઃ એક પ્રેમ કથા', 'સોનુ કે ટીટૂ કી સ્વીટી' અને 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. કુમુદ અને આયેશાના લગ્ન 2008માં થયા હતા. બંનેને એક દીકરો છે, જેનું નામ કબીર છે.