વાઇરલ વીડિયો:KKએ કોન્સર્ટ દરમિયાન કહ્યું હતું- 'હાય મૈં મર જાઉં યહીં પે', થોડીવાર પછી આ વાત સાચી પડી

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ)નું 31 મેના રોજ કોલકાતામાં લાઇવ કોન્સર્ટ દરમિયાન 53ની ઉંમરમાં અવસાન થયું હતું. પર્ફોર્મન્સ બાદ તેઓ હોટલ ગયા ત્યારે તેમની તબિયત લથડી હતી. તેમને કોલકાતા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. સિંગર અંકિત તિવારીએ કેકેનો એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.

મજાકમાં કહેલી વાત સાચી પડી
આ વીડિયોમાં કેકે રોમેન્ટિક સોંગ 'આંખો મેં તેરી..' ગાતાં હોય છે. ગાતી વખતે ઓડિયન્સમાં બેઠેલી યુવતીઓ તરફ માઇક કરીને તેમને ગીત ગાવાનું કહે છે. ત્યારબાદ સિંગર કહે છે, 'હાય મેં મર જાઉં યહી પે.' વીડિયોમાં મજાકમાં કહેલી આ વાત તે રાત્રે સાચી પડી હતી.

ચાહકોએ પોસ્ટ પર રિએક્ટ કર્યું
અંકિત તિવારીની આ પોસ્ટ પર ચાહકો અને સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. અંકિત તિવારીએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કેકેએ મરી જવાની વાત કહી હતી અને પછી આ દુઃખદ ઘટના બની. વિશ્વાસ થતો નથી. ઓમ શાંતિ.' સિંગરની આ પોસ્ટ પર ટીવી એક્ટ્રેસ દિવ્યાંકાએ કહ્યું હતું કે જીવન આપણી પર આ રીતે ડાર્ક જોક્સ મારે છે. આ સમાચારથી દુઃખ થયું. ભગવાન કેકેની આત્માને શાંતિ અર્પે.

આલ્બમ 'પલ' વર્ષ 1999માં રિલીઝ થયું હતું
કેકેનું પ્રથમ આલ્બમ 'પલ' વર્ષ 1999માં રિલીઝ થયું હતું. તેમણે 'તડપ તડપ' (હમ દિલ દે ચૂકે સનમ, 1999), 'દસ બહાને' (દસ, 2005), 'તુને મારી એન્ટ્રિયા' (ગુંડે, 2014) ગીતો ગાયાં હતાં. આ ઉપરાંત ફિલ્મ 'કાઈટ્સ'નું 'જિંદગી દો પલ કી', ફિલ્મ 'જન્નત'નું ગીત 'જરા સા..', 'ગેંગસ્ટર' ફિલ્મનું ગીત 'તુ હી મેરી શબ હૈ', શાહરુખ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'નું ગીત 'આંખો મેં તેરી અજબ સી' તેમ જ 'બજરંગી ભાઈજાન'ના ગીત 'તુ જો મિલા', 'ઈકબાલ' ફિલ્મનું 'આશાએં..' અને 'અજબ પ્રેમ કી ગજબ કહાની' ફિલ્મનું ગીત 'મૈ તેરા ધડકન તેરી' ઘણાં જ લોકપ્રિય થયાં હતાં.