કેકેના મોત માટે જવાબદાર કોણ?:ઓડિટોરિયમનું એસી બંધ હતું, ગરમીને કારણે સિંગર વારંવાર પરસેવો લૂછતા હતા

કોલકાતાએક મહિનો પહેલા
  • અવ્યવસ્થાને કારણે ભીડ પર ફાયર એક્સટિંગ્વિશરનો સ્પ્રે કરવામાં આવ્યો હોવાનો દાવો

53 વર્ષીય બોલિવૂડ સિંગર કૃષ્ણ કુમાર કુન્નથ (કેકે)ના અવસાને એક સવાલ ઊભો કર્યો છે. કોલકાતાના જાણીતા વિવેકાનંદ કોલેજના ઓડિટોરિયમમાં સિંગરની કોન્સર્ટ 31 મેના રોજ યોજાઈ હતી. કોન્સર્ટનો એક વીડિયો વાઇરલ થયો છે.

શું છે વીડિયોમાં?
આ વીડિયોમાં કેકે ઘણા જ અસહજ જોવા મળ્યા હતા અને વારંવાર પરસેવો લૂછતા હતા. તેમને ગરમી લાગતી હતી. કોન્સર્ટના ફૂટેજમાં અવ્યવસ્થા તથા ખરાબ મેનેજમેન્ટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

ફાયર એક્સટિંગ્વિશરનો સ્પ્રે કરવામાં આવ્યો
આરોપ છે કે અવ્યવસ્થાને કારણે ભીડ પર ફાયર એક્સટિંગ્વિશર સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેકેની તબિયત ખરાબ થઈ એમાં આ સ્પ્રેને મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. અનેક ચાહકોને એન્ટ્રી મળી નહોતી અને તેઓ ગેટની બહાર લાંબી લાઇન લગાવીને ઊભા હતા.

પર્ફોર્મન્સમાં હાજર રહેલી વ્યક્તિએ બે દિવસની પરિસ્થિતિ વર્ણવી
નીલોફર હુસૈને સો.મીડિયામાં એક લાંબી પોસ્ટ શૅર કરી છે. તેણે લખ્યું હતું કે નઝરુલ મંચ (કોન્સર્ટ વેન્યૂ)નું એસી કામ કરતું નહોતું. આ જ જગ્યાએ કેકેએ એક દિવસ પહેલાં પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમણે એસી અંગે ફરિયાદ પણ કરી હતી, કારણ કે તેમને પુષ્કળ પરસેવો થતો હતો.

'પહેલી વાત..આ ખુલ્લું ઓડિટોરિયમ નહોતું. જ્યારે આટલા પૈસા લીધા હોય ત્યારે આયોજકોએ પોતાની તૈયારી પર ધ્યાન રાખવાની જરૂર હતી. જો તમે પર્ફોર્મન્સનો વીડિયો ધ્યાનથી જોશે તો ખ્યાલ આવશે કે કેકેને પુષ્કળ પરસેવો થતો હતો અને તેઓ વારંવાર લૂછતાં હતાં. તેઓ વિનંતી કરતા હતા કે એસી ચાલુ કરો અને કેટલીક લાઇટ્સ ઓફ કરો. તેમણે કહ્યું હતું કે ગરમીને કારણે તેમનો જીવ જાય છે. લોકોએ ઓડિટોરિયમમાં દરવાજા તોડી નાખ્યા હતા. પાસ વગર પણ લોકો અંદર આવી ગયા હતા. મેનેજમેન્ટ શું કરતું હતું? સિક્યોરિટી શું કરતી હતી?

જરા કલ્પના તો કરો કે કોલકાતાની ગરમી, બંધ ઓડિટોરિયમ અને આટલી ભીડમાં એસી પણ કામ કરતું નથી અને તમે પાગલની જેમ પૂરી તાકાતથી ગીત ગાઓ છો. હાર્ટ -એટેક નોર્મલ નથી. હું શોક્ડ છું.'

નેતાએ સવાલ કર્યો
નેતા દિલીપ ઘોષે સિંગર કેકેના અવસાન અંગે પશ્ચિમ બંગાળની સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે કોન્સર્ટમાં ભીડ વધારે હતી અને એસી બંધ હતું. ખબર નહીં, કેકેની તબિયત ખરાબ થઈ કે નહીં. ચાહકોમાં સેલેબ્સ અંગે ઉત્સાહ હોય છે. તંત્રનું કામ છે કે તેઓ સેલિબ્રિટીને સુરક્ષા આપે.

કેકે ફિટ હતાઃ શુભલક્ષ્મી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નઝરુલ મંચ પર કેકેની કોન્સર્ટ પહેલાં સિંગર શુભલક્ષ્મી ડેએ પર્ફોર્મ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કેકે પર્ફોર્મન્સ પહેલાં ગ્રીન રૂમમાં હતા અને તમામ આર્ટિસ્ટને મળ્યા હતા. તેમણે બધા સાથે વાત કરી હતી. એ સમયે એકદમ ફિટ હતા અને ચહેરા પર પણ કોઈ અસામાન્ય ભાવ જોવા મળ્યા નહોતા.

કોન્સર્ટ દરમિયાન કેકેને તકલીફ થઈ?
પર્ફોર્મન્સ આપ્યા બાદ કેકેની તબિયત ખરાબ થઈ હતી. ત્યાર બાદ તેમનું મોત થયું હતું. સો.મીડિયામાં કેટલાક વીડિયો વાઇરલ થયા છે. આ વીડિયોમાં કેકે પર્ફોર્મન્સ દરમિયાન અસહજ જોવા મળ્યા હતા. એક વીડિયોમાં કેકેને હાથથી પકડીને કેટલાક લોકો બહાર લઈ ગયા હતા.

પર્ફોર્મન્સના લિસ્ટનો કાગળ હજી પણ સ્ટેજ પર

સો.મીડિયામાં એક તસવીર વાઇરલ થઈ છે. આ તસવીરમાં ઓડિટોરિયમના સ્ટેજ પર એક કાગળ હજી પણ પડ્યો છે. આ કાગળમાં કેકે પર્ફોર્મન્સમાં કયાં કયાં ગીતો ગાશે એનું લિસ્ટ લખવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...