લોકપ્રિય પ્લેબેક સિંગર તથા સ્ટેજ પર્ફોર્મર કેકે (કૃષ્ણકુમાર કુન્નથ)નું 31 મેના રોજ આકસ્મિક અવસાન થયું હતું. તેમને હાર્ટ-અટેક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વાસ્તવમાં શું થયું હતું એ વાત સામે આવશે. મોત પહેલાં કેકેએ કોલકાતામાં લાઇવ પર્ફોર્મન્સ આપ્યું હતું.
કેટલી સંપત્તિ?
જિંગલ્સ ગાઈને સિંગિંગ કરિયરની શરૂઆત કરનારા કેકેને એઆર રહેમાને ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. કેકે થોડાક સમયમાં દેશભરમાં લોકપ્રિય બની ગયા હતા. તેમનો કર્ણપ્રિય અવાજ લોકોને ગમી ગયો હતો. વેબસાઇટ સેલેબવર્થના અહેવાલ પ્રમાણે, કેકેની કુલ સંપત્તિ 62.06 કરોડ રૂપિયા હતી. તેઓ સ્ટેજ શો તથા રોયલ્ટીમાંથી અંદાજે મહિને 2,12,557 રૂપિયાની કમાણી થતી હતી.
લક્ઝુરિયસ કાર્સના શોખીન
કેકે પાસે ચાર લક્ઝુરિયસ કાર્સ હતી, જેમાં જીપ, મર્સિડીઝ તથા ઑડી સામેલ છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં નવી કાર લીધી હતી. તેઓ જ્યારે પણ નવી કાર લે ત્યારે પત્ની જ્યોતિ સાથે મુંબઈના મરીન ડ્રાઇવમાં એક ચક્કર મારવા જરૂર જતા હતા.
આલ્બમ 'પલ' વર્ષ 1999માં રિલીઝ થયું હતું
કેકેનું પ્રથમ આલ્બમ 'પલ' વર્ષ 1999માં રિલીઝ થયું હતું. તેમણે 'તડપ તડપ' (હમ દિલ દે ચૂકે સનમ, 1999), 'દસ બહાને' (દસ, 2005), 'તુને મારી એન્ટ્રિયા' (ગુંડે, 2014) ગીતો ગાયાં હતાં. આ ઉપરાંત ફિલ્મ 'કાઈટ્સ'નું 'જિંદગી દો પલ કી', ફિલ્મ 'જન્નત'નું ગીત 'જરા સા..', 'ગેંગસ્ટર' ફિલ્મનું ગીત 'તુ હી મેરી શબ હૈ', શાહરુખ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'નું ગીત 'આંખો મેં તેરી અજબ સી' તેમ જ 'બજરંગી ભાઈજાન'ના ગીત 'તુ જો મિલા', 'ઈકબાલ' ફિલ્મનું 'આશાએં..' અને 'અજબ પ્રેમ કી ગજબ કહાની' ફિલ્મનું ગીત 'મૈ તેરા ધડકન તેરી' ઘણાં જ લોકપ્રિય થયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.