યાદોમાં કેકે:લેડીલવ માટે સેલ્સમેનની જોબ કરી, ફર્સ્ટ પ્રાઇઝમાં 1500 રૂપિયા મળ્યા

મુંબઈ24 દિવસ પહેલા
  • કેકેએ દિલ્હીમાં જ સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી
  • 2020માં ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા હતા.

53 વર્ષીય બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ) હવે આ દુનિયામાં નથી. કેકેનું 31 મેના રોજ કોલકાતામાં અવસાન થયું હતું. તેઓ લાઇવ શોમાં પર્ફોર્મ કરતાં હતાં અને પર્ફોર્મન્સ બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. હોસ્પિટલ લઈ જતાં ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યાં હતાં. કેકેના આકસ્મિક અવસાનથી દેશભરના ચાહકો તથા સેલેબ્સને આઘાત લાગ્યો છે.

દિલ્હીમાં મલયાલમ પરિવારમાં જન્મ
કેકેનો નવી દિલ્હીમાં મલયાલી પરિવારમાં જન્મ થયો હતો. કેકેએ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ કિરોડીમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

નાનપણથી ગાવાનો શોખ
કેકેને નાનપણથી ગાવાનો શોખ હતો. કેકેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બીજા ધોરણમાં ભણતાં ત્યારે પહેલી વાર પર્ફોર્મ કર્યું હતું. સ્કૂલમાં સિંગિંગની ટ્રેનિંગ મળી હતી. તેમને ટીચર્સ પાસેથી જાણવા મળ્યું કે તે સારું ગાય છે. પછી તે બીજી સ્કૂલ્સમાં જઈને પણ પર્ફોર્મ કરતાં હતાં.

દરેક વખતે પહેલું ઈનામ મળતું
કેકેને સ્કૂલ હોય કે કોલેજ દરેક વખતે સિંગિંગ કોમ્પ્ટિશનમાં પ્રથમ ઈનામ મળતું હતું. કોલેજમાં તેમને પૈસા પણ મળતા હતા. કિરોડીમલમાં તેમને પહેલી વાર ફર્સ્ટ પ્રાઇઝના 1500 રૂપિયા મળ્યા હતા. તેમણે દૂરદર્શનમાં પણ શો કર્યો હતો. કોલેજમાં ત્રણ રૉક બેન્ડ બનાવ્યા હતા. આ તમામના મ્યૂઝિક અલગ અલગ રહેતા હતા. એકમાં ક્લાસિક રૉક, બીજામાં નિયો રૉક તથા ત્રીજામાં પોપ રૉક હતું. દિલ્હીમાં તેમના ત્રણેય રૉક લોકપ્રિય હતા.

દિલ્હીથી મુંબઈ આવ્યા
કેકેએ દિલ્હીમાંથી જ સિંગિંગ જર્ની શરૂ કરી હતી. ત્યારબાદ મુંબઈ આવ્યા હતા. અહીંયા આવીને UTV માટે પાંચ વર્ષ સુધી અલગ અલગ 11 ભાષાની 3500 જિંગલ્સ ગાઈ હતી. પછી કેકેની મુલાકાત એ આર રહમાન સાથે થી હતી. રહમાને 'કિલ્લુરી સાલે' તથા 'સ્ટ્રોબેરી કન્ને' જેવી હિટ ગીતો કેકે પાસે ગવડાવ્યા હતા.

'હમ દિલ દે ચૂકે સનમ'થી લોકપ્રિય
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નું ગીત 'તડપ તડપ કે ઇસ દિલ સે..' કેકેએ ગાયું હતું. આ ગીત પછી કેકેએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. આ ગીતથી તેઓ લોકપ્રિય થયા હતા. તેમણે 'માચિસ'ના ગીત 'છોડ આયે હમ વો ગલિયાં'માં કેટલીક પંક્તિઓ ગાઈ હતી. પછી તેમણે 'યારો દોસ્તી', 'પ્યાર કે પલ' જેવા ગીતો ગાયા હતા.

કેકે નામ કેવી રીતે પડ્યું?
એક ઇન્ટરવ્યૂમાં કેકેએ આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે તે દિલ્હીમાં હતાં તો લોકો તેમને કેકે જ કહેતા હતા. મુંબઈ આવીને કૃષ્ણ કુમાર નામ કરવાનું વિચાર્યું હતું. જોકે, મુંબઈમાં લોકો એમ જ કહેતા કે કોણ કૃષ્ણ કુમાર, પેલો દિલ્હીથી આવ્યો છે તે કેકે. પછી વિચાર્યું કે બે નામથી લોકો કન્ફ્યૂઝ થાય છે. હવે કેકે નામ જ રાખીશ.

લેડીલવ માટે સેલ્સમેનની નોકરી કરી
કેકે છઠ્ઠા ધોરણમાં હતાં ત્યારે જ્યોતિને મળ્યા હતા અને તેને ડેટ કરવા લાગ્યા હતા. લગ્નની વાત આવી ત્યારે જ્યોતિના પરિવારની ડિમાન્ડ હતી કે કેકે નોકરી કરે અને પછી જ લગ્ન કરે. તે સમયે કેકે બેકાર હતાં અને તેથી જ તેણે સેલ્સમેનની નોકરી કરી. આ નોકરી માત્ર ત્રણ મહિના જ કરી હતી. સિંગિંગ કરિયરમાં પત્નીએ સપોર્ટ કર્યો અને પછી નોકરી છોડી દીધી હતી. તેમને દીકરો નકુલ તથા દીકરી તમારા છે. દીકરાના જન્મદિવસે તેમને બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો અને તેથી જ તે દીકરાને લકી માને છે.

ટીવી સિરિયલના ગીતો પણ ગાયા
કેકેએ ટીવી સિરિયલ્સના ગીતો પણ ગાયા છે, જેમાં 'જસ્ટ મોહબ્બત', 'શાકા લાકા બૂમ બૂમ', 'કુછ ઝૂકી સી પલકેં', 'હિપ હિપ હુર્રે', 'કાવ્યાંજલિ', 'જસ્ટ ડાન્સ' સામેલ છે. રિયાલિટી શો 'ગુરુકુલ'માં કેકે જજ પેનલમાં હતાં. ત્યારબાદ તે 'ઇન્ડિયન આઇડલ જુનિયર 2'માં જજ બન્યા હતા.

2020માં ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યાં
2020માં કેકેએ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા હતા. તે સમયે તેમણે કહ્યું હતું કે તેમને હજી બહુ જ કામ કરવું છે. તે પોતાના અત્યાર સુધીના કામથી સંતુષ્ટ છે.

લાઇમલાઇટમાં રહેવું પસંદ નહોતું
કેકે પોતાના અવાજને કારણે લોકપ્રિય હતા. તેઓ લાઇમલાઇટમાં બહુ ઓછું રહેતા હતા. આથી જ લોકો તેમને ઓળખી શકતા નહોતા. તેમનો પરિવાર પણ લાઇમલાઇટમાં રહેવું પસંદ કરતો નહોતો.

અન્ય સમાચારો પણ છે...