ડૉક્ટરનો ઘટસ્ફોટ:'સિંગરને હાર્ટમાં 80% બ્લોકેજ હતું, સમયસર CPR આપવામાં આવ્યો હોત તો તે આજે જીવિત હોત'

મુંબઈ2 મહિનો પહેલા
  • પોલીસને કેકેના હોટલ રૂમમાંથી પુષ્કળ માત્રામાં એન્ટાસિડ્સ ટેબ્લેટ્સ મળી આવી હતી

53 વર્ષીય બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ)નું કોલકાતામાં પર્ફોર્મન્સ બાદ 31 મેની રાત્રે અવસાન થયું હતું. હવે પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરનું નિવેદન સામે આવ્યું છે. કેકેને માસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો.

શું કહ્યું ડૉક્ટરે?
પોસ્ટપોર્ટમ કરનાર ડૉક્ટરે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, કેકેની ડાબી કોરોનરી આર્ટરીમાં ઘણું જ બ્લોકેજ હતું. અન્ય આર્ટરી તથા સબ-આર્ટરીમાં પણ બ્લોકેજ હતું. લાઇવ શોમાં પર્ફોર્મ કરતી વખતે એક્સાઇટમેન્ટને કારણે આર્ટરીએ બ્લડ ફ્લો કરવાનું બંધ કરી દીધું હતું. આ જ કારણે કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. જો કેકેને સમયસર CPR (કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન) આપવામાં આવ્યો હોત તો તેમનો જીવ બચી જાત. સિંગરને હાર્ટ સંબંધિત સમસ્યા લાંબા સમયથી હતી, પરંતુ કેકેને આ વાત ખબર જ નહોતી.'

કેકે તથા જ્યોતિ- ફાઇલ તસવીર.
કેકે તથા જ્યોતિ- ફાઇલ તસવીર.

80% બ્લોકેજ હતું
ડૉક્ટરે કહ્યું હતું કે સિંગર કેકેને લેફ્ટ કોરોનરી આર્ટરીમાં 80% બ્લોકેજ હતું. કોઈપણ આર્ટરીમાં 100% બ્લોકેજ નહોતું. લાઇવ પર્ફોર્મન્સમાં સિંગરે ક્રાઉડની સાથે સાથે ડાન્સ કર્યો હતો. એક્સાઇટમેન્ટને કારણે હૃદયે બ્લડ ફ્લો ઓછો કરી નાખ્યો હતો. આ જ કારણે કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. ધબકારા પણ અચાનકથી થોડો સમય માટે ઓછા થઈ ગયા હતા. કેકે બેભાન થઈ ગયા હતાં.'

એસિડિટીની દવા લેતા હતા
ડૉક્ટર્સે એમ પણ કહ્યું હતું કે કેકે છેલ્લા કેટલાક સમયથી એન્ટાસિડ્સ નામની દવા લેતા હતા. તેમને છાતીમાં દુખાવો થતાં આ દવા લેવાની શરૂ કરી હતી. તેમને એમ લાગ્યું કે ડાયજેસ્ટિવ સમસ્યા છે, પરંતુ વાસ્તવમાં એ હાર્ટ બ્લોકેજ હતું.

કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા કેકેનાં પત્ની તથા બાળકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા કેકેનાં પત્ની તથા બાળકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

પત્નીને ફોન કર્યો હતો
IPS અધિકારીએ કહ્યું હતું, 'મેં કેકેની પત્ની જ્યોતિ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેકેનો ફોન આવ્યો હતો. ફોનમાં સિંગરે કહ્યું હતું કે તેને હાથ તથા ખભામાં દુખાવો થાય છે.' પોલીસને કેકેના હોટલના રૂમમાંથી ઘણી માત્રામાં એન્ટાસિડ્સ ટેબ્લેટ્સ મળી આવી હતી.

હોટલમાં પડી ગયા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેકેએ લાઇવ પર્ફોર્મન્સમાં કુલ 20 ગીત ગાવાના હતા, પરંતુ તેઓ 19મું ગીત ગાઈને તરત જ નીકળી ગયા હતા. તેમણે તબિયત સારી ના હોવાની વાત કરી હતી. ઓડિટોરિયમમાંથી તેઓ સીધા હોટલ આવ્યા હતા. હોટલની રૂમમાં ગયા બાદ તેઓ ફ્લોર પર પડી ગયા અને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું હતું.

કેકેએ કોલકાતામાં 30 તથા 31 મે એમ બે દિવસ પર્ફોર્મન્સ આપ્યું હતું.
કેકેએ કોલકાતામાં 30 તથા 31 મે એમ બે દિવસ પર્ફોર્મન્સ આપ્યું હતું.

CPR એટલે શું?
CPR દર્દીને ઇમર્જન્સીમાં અપાતી એક મેડિકલ પ્રક્રિયા છે. CPRના માધ્યમથી કાર્ડિયેક અરેસ્ટ તથા શ્વાસ ના લઈ શકવા જેવી પરિસ્થિતિમાં વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. આ પ્રક્રિયામાં દર્દીના ધબકારા પરત લાવવા માટે છાતી પર વારંવાર દબાણ આપવામાં આવે છે. દર્દીને મોંથી મોંમાં શ્વાસ આપવામાં આવે છે.

કેકે પંચમહાભૂતમાં વિલીન
કેકેના બીજી જૂનના રોજ વર્સોવામાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સવારે કેકેનો પાર્થિવદેહ અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. દીકરા નકુલે મુખાગ્નિ આપ્યો હતો.