'KGF 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ તથા રૉકીભાઈનો ચાહકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના લીડ હીરો યશે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને ખાસ મેસેજ આપ્યો છે.
'હું મારી જાતમાં ઘણો જ વિશ્વાસ ધરાવું છું'
યશે વીડિયોમાં કહ્યું હતું, 'એક ગામ હતું અને ત્યાં લાંબા સમયથી દુષ્કાળ હતો. ગામના લોકો આ જ કારણે મુશ્કેલીમાં હતાં. એક દિવસ ગામવાસીઓએ પ્રાર્થના કરવાનું વિચાર્યું. તમામ લોકો એક જગ્યાએ ભેગા થયા, પરંતુ ત્યાં તમામની નજર એક બાળક પર પડી. આ બાળક હાથમાં છત્રી લઈને ઊભો હતો. કેટલાંક લોકોને બાળકની હરકત મૂર્ખ લાગી તો કેટલાંક તેને અતિ ઉત્સાહી કહ્યો હતો. આ બાળકની અંદર વિશ્વાસ હતો અને આજે પણ હું આ નાના બાળકની જેમ જ ફિલ કરી રહ્યો છું, કારણ કે આજે મેં જે પણ થોડું ઘણું મેળવ્યું છે, તેનું સૌથી મોટું કારણ મારી જાત પર વિશ્વાસ હતો તે છે.'
પ્રેમ માટે આભાર
વધુમાં યશે કહ્યું હતું, 'હું આજે જે પણ છું, તે માટે આભાર શબ્દ ઘણો જ નાનો છે, પરંતુ તેમ છતાં તમામા ચાહકોનો KGFની ટીમ તરફથી આભાર માનું છું.'
સાત દિવસમાં 255 કરોડની કમાણી કરી
પ્રશાંત નીલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં યશ ઉપરાંત સંજય દત્ત, શ્રીનિધી શેટ્ટી, પ્રકાશ રાજ તથા રવીના ટંડન છે. ફિલ્મ 14 એપ્રિલના રોજ હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા મલયાલમ ભાષામાં રિલીઝ થઈ હતી. ફિલ્મના હિંદી વર્ઝને સાત દિવસમાં 255 કરોડની કમાણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.