રેકોર્ડ બ્રેક કલેક્શન:1 હજાર કરોડની કમાણી કરનારી કન્નડની પહેલી ફિલ્મ બની KGF 2, આ ફિલ્મોએ પણ કર્યું છે રેકોર્ડબ્રેક કલેક્શન

23 દિવસ પહેલા

KGF-2એ બોક્સ ઓફિસ પર 1000 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. કન્નડ ભાષાની આ ફિલ્મ સમગ્ર દેશમાં 14 એપ્રિલના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ દિવસે 164 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કર્યું હતું. 'KGF-2' પહેલાં 'બાહુબલી', 'બાહુબલી-2', 'RRR', 'સાહો'એ દેશભરમાં રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. કન્નડ પાવરસ્ટાર રાજકુમારની 'મહિષાસુર મર્દિની' કન્નડ સિનેમાની પહેલી પેન ઇન્ડિયા ફિલ્મ હતી. જો કે આ ઇન્ડસ્ટ્રી હવે 'KGF 2'થી ઓળખાઈ રહી છે. ચાલો જાણીએ કે કઈ એવી ફિલ્મો છે જેણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને પંજાબી ઈન્ડસ્ટ્રીઝને દેશભરમાં એક મોટું સ્થાન અપાવ્યું છે.

વર્ષ 2015માં રિલીઝ થયેલી એસએસ રાજામૌલીની ફિલ્મ 'બાહુબલીઃ ધ બિગનિંગે' ભારત અને અન્ય દેશોમાં પણ જબરદસ્ત કમાણી કરી હતી. આ ફિલ્મને સમગ્ર ભારતમાં રિલીઝ કરવામાં આવતા આ ફિલ્મે રૂ. 650 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ આ ફિલ્મે તેલુગુ ફિલ્મો માટે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો હતો.

બાહુબલી પછી તેનાબીજા ભાગ 'બાહુબલીઃ ધ કન્ક્લુઝન'એ 1810 કરોડની કમાણી કરીને જૂનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. આ ફિલ્મ વિશ્વભરમાં ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. નંબર વન પર આમિર ખાનની 'દંગલ' છે, જેણે 2200 કરોડની કમાણી કરી હતી.

વર્ષ 2018માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ 'KGF'ને દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કન્નડ સ્ટાર યશ લીડ રોલમાં હતો. 80 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 250 કરોડની કમાણી કરી હતી. આટલું મોટું કલેક્શન કરનારી કન્નડ ભાષાની આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મની સફળતા જોયા બાદ 'KGF-2' 100 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મે 1000 કરોડથી વધુની કમાણી કરી છે.

વર્ષ 2021માં રિલીઝ થયેલી મોહનલાલની ફિલ્મ 'મરક્કરે' લગભગ 50-60 કરોડનું કલેક્શન કર્યું હતું. એડવાન્સ બુકિંગ દ્વારા જ ફિલ્મે આ કલેક્શન હાંસલ કર્યું હતું. આ ફિલ્મ સમગ્ર દેશમાં રિલીઝ થઈ હતી. જ્યાંથી તેણે પહેલા દિવસે જ 6 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ મલયાલમ સિનેમાના સૌથી મોટા ઓપનિંગ કલેક્શનવાળી ફિલ્મ છે.

2014માં રિલીઝ થયેલી હેરી બાજવાની ફિલ્મ 'ચાર સાહિબજાદે' પંજાબી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. માત્ર 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 70 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મને આખા દેશમાં રિલીઝ કરવામાં આવી નહોતી, તેમ છતાં માત્ર 196 સ્ક્રીન્સ પરથી રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું હતું.

વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'સૈરાટ'એ દેશભરમાં મરાઠી સિનેમાને ઓળખ અપાવી હતી. 'સૈરાટ'એ 110 કરોડનું કલેક્શન કર્યું હતું. તે મરાઠી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.આ ફિલ્મની લોકપ્રિયતા એટલી હતી કે વર્ષ 2018માં બોલિવૂડે તેને રિમેક કરીને 'ધડક' ફિલ્મ બનાવી હતી.