કેટ-વિકીના લગ્ન:કેટરીના કૈફ પાસેથી મહેંદીના પૈસા નહીં લે વેપારી, ખાસ ઓર્ગેનિક મહેંદી તૈયાર કરવામાં આવશે

પાલી2 મહિનો પહેલા
  • સોજત તરફથી કેટરીનાને લગ્નની મહેંદી શુકન તરીકે આપવામાં આવશે

કેટરીના તથા વિકીના લગ્ન માટે રાજસ્થાના પાલી સ્થિત સોજતથી મફતમાં મહેંદી મોકલવામાં આવશે. સોજતવાસીઓ તરફથી કેટરીનાને લગ્નમાં ગિફ્ટ આપવામાં આવી છે. સોજતના મહેંદીના વેપારીએ કહ્યું હતું કે ભલે 50 હજાર થાય કે એક લાખ રૂપિયા ખર્ચ થાય. તેઓ મહેંદી માટે એક રૂપિયો પણ લેશે નહીં. તેમણે ઇવેન્ટ કંપનીને કહ્યું છે કે તેઓ કેટરીનાને એટલું જરૂરથી કહે કે તેના લગ્નમાં સોજતના લોકોએ ખાસ રીતે મહેંદી તૈયાર કરીને ગિફ્ટમાં આપી છે.

નેચરલ હર્બલના નિતેશ અગ્રવાલે કહ્યું હતું કે કેટરીનાના લગ્નમાં મહેંદી માટે જે સેમ્પલ આપવામાં આવ્યું હતું, તે પાસ થઈ ગયું છે. તેમણે આ માહિતી ઘરમાં પત્ની કલ્પના અગ્રવાલ તથા અન્યને આપી હતી. આ વાત સાંભળીને પત્ની કલ્પનાએ કહ્યું હતું કે કેટરીનાને મહેંદી ગિફ્ટ કરીએ તો કેવું? કેટરીનાના મનમાં સોજતની મહેંદી તથા સોજતના લોકો માટે સારી ફીલિંગ આવશે. સોજતની બ્રાન્ડ વેલ્યૂ પણ વધશે. નિતેશને આ વાત ગમી ગઈ હતી અને તેણે તરત જ ઇવેન્ટ કંપનીના અધિકારીને ફોન કરીને કહ્યું હતું કે તે ઓર્ડર આપી દે, પરંતુ તેઓ મહેંદી માટે એક રૂપિયો પણ લેશે નહીં. બસ કેટરીનાને એટલું કહી દે કે સોજત તરફથી શુકનમાં આ મહેંદી મોકલવામાં આવી છે.

નિતેશ તથા કલ્પના અગ્રવાલ
નિતેશ તથા કલ્પના અગ્રવાલ

કેટલો ઓર્ડર આપ્યો?
કેટરીના તથા વિકીના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરની હોટલ સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં થવાના છે. 7થી 12 ડિસેમ્બરની વચ્ચે લગ્ન થવાના છે. નિતેશ અગ્રવાલની કંપની નેચરલ હર્બલને 20 કિલો મહેંદી પાવડર તથા 400 મહેંદીના કોનનો ઓર્ડર મળ્યો છે. પહેલું સેમ્પલ 25 ઓક્ટોબર તથા બીજું સેમ્પલ 10 નવેમ્બરે મોકલવામાં આવ્યું હતું. પહેલી ડિસેમ્બર સુધી ઓર્ડર ઇવેન્ટ કંપનીને જયુપર મોકલવાનો છે. ઓર્ડર મળ્યા બાદ વેપારીએ કારીગરની એક ટીમ લગ્નની મહેંદી માટે તૈયાર કરી છે. આ ટીમ ક્વોલિટી કંટ્રોલ પર કામ કરશે.

મહેંદીના પત્તાને પીસીને પછી સાફ કરવામાં આવે છે
મહેંદીના પત્તાને પીસીને પછી સાફ કરવામાં આવે છે

મહેંદી કેમિકલ વગરની હશે
કેટરીનાના લગ્નમાં કેમિકલ વગરની મહેંદીનો ઉપયોગ કરવામાં આવશે. આ મહેંદી મશીનથી પણ તૈયાર કરવામાં આવશે નહીં. મહેંદી હર્બલ રીતે તૈયાર કરવામાં આવશે અને તે ઓર્ગેનિક હશે.

નિતેશે કહ્યું હતું કે મહેંદીના છોડને કીડાઓથી બચાવવા માટે ખેડૂતો કેમિકલનો છંટકાવ કરતા હોય છે. જોકે, કેટરીના તથા મહેમાનોના હાથને નુકસાન ના પહોંચે તે માટે ઓર્ગેનિક મહેંદી તૈયાર કરવામાં આવશે. મહેંદી પાવડરને સામાન્ય રીતે એકવાર મશીનથી ચાળવામાં આવે છે. જોકે, કેટરીના માટે મશીનનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને મહેંદીને એક વાર નહીં, પરંતુ ત્રણવાર ચાળવામાં આવશે. મહેદીમાં લવિંગ, નીલગિરીના તેલનો ઉપયોગ કરવામાં આવશે.