તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુલભુલૈયા 2:ક્લાઇમેક્સ સીનના શૂટિંગ દરમિયાન બૂમો પાડતી વખતે અચાનક જ કાર્તિક આર્યનનો અવાજ જતો રહ્યો

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલમાં 'ભુલભુલૈયા 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ 2019માં શરૂ થયું હતું. આ દરમિયાન કોરોના વાઇરસને કારણે લૉકડાઉન આવી ગયું હતું. લાંબા સમય સુધી આ ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું હતું. હવે એનું શૂટિંગ ફરી એકવાર ચાલુ થઈ ગયું છે. શૂટિંગમાં ફિલ્મનો ક્લાઇમેક્સ સીન શૂટ થતો હતો, જેમાં કાર્તિક આર્યન તથા તબુ સામસામે જોવા મળ્યાં છે. આ દરમિયાન કાર્તિક આર્યનનો અવાજ બંધ થઈ ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'ભુલભુલૈયા 2'ના ક્લાઇમેક્સનું શૂટિંગ ચાલતું હતું. આ દરમિયાન અચાનક જ કાર્તિક આર્યનના ગળામાંથી અવાજ આવતો બંધ થઈ ગયો હતો. કહેવાય છે કે ક્લાઇમેક્સ સીન ડ્રામા તથા એક્શનથી ભરપૂર છે. સીનમાં કાર્તિકે બૂમો પાડવાની હતી. કાર્તિકે ફિલ્મમાં તાંત્રિકની ભૂમિકા ભજવી છે. સીનના શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યને લાંબા સમય સુધી બૂમો પાડી હતી અને એ જ કારણે તેનો અવાજ જતો રહ્યો હતો.

ટીમ ડરી ગઈ હતી
કાર્તિક આર્યનનો અવાજ જતા રહેતાં ફિલ્મની ટીમ ઘણી જ ડરી ગઈ હતી. સેટ પર તાત્કાલિક ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટરે કાર્તિકને થોડો સમય આરામ કરવાનું કહ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે વધુપડતી બૂમો પાડવાને કારણે કાર્તિક આર્યનની સ્વરપેટીને નુકસાન પહોંચ્યું છે.

ડિરેક્ટર અનીઝ બઝ્મીએ કહ્યું હતું કે કાર્તિક આ સીન માટે ઘણો જ ગંભીર હતો અને તેથી જ છેલ્લે તેનો અવાજ જ બંધ થઈ ગયો.

ફિલ્મમાં આ કલાકારો જોવા મળશે
કાર્તિક આર્યન તથા તબુ ઉપરાંત ફિલ્મમાં કિઆરા અડવાણી, રાજપાલ યાદવ તથા સંજય મિશ્રા મહત્ત્વના રોલમાં જોવા મળશે. નોંધનીય છે કાર્તિક આર્યન તથા કિઆરાની આ ફિલ્મ 2007માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભુલભુલૈયા’ની સિક્વલ છે. ઓરિજિનલ ‘ભુલભુલૈયા’ રજનીકાંત સ્ટારર તમિળ હિટ ફિલ્મ ‘ચંદ્રમુખી’ની ઓફિશિયલ રિમેક હતી. જ્યારે ‘ચંદ્રમુખી’ ફિલ્મ ખુદ 1993ની મલયાલમ ફિલ્મ ‘મનીચિત્રથાઝુ’ (Manichitrathazhu)ની રિમેક છે, જેમાં મોહનલાલ અને શોબાના લીડ રોલમાં હતાં.

કાર્તિક આર્યન આ ફિલ્મ ઉપરાંત એકતા કપૂરની 'ફ્રેડી'માં અલાયા ફર્નિચરવાલા સાથે જોવા મળશે. કાર્તિકની 'ધમાકા' રિલીઝ માટે તૈયાર છે. કાર્તિક પાસે 'શહઝાદા', 'કેપ્ટન ઇન્ડિયા' તથા સાજિદ નડિયાદવાલાની એક કોમેડી ફિલ્મ છે.