કોન્ટ્રોવર્સી પર એક્ટ્રેસનું રિએક્શન:બીજા દીકરાના નામ પર વિવાદ થતાં કરીનાએ પહેલી જ વાર પ્રતિક્રિયા આપી, જાણો શું કહ્યું?

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરીનાએ 21 ફેબ્રુઆરી, 2021ના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો હતો.

કરીના કપૂર તથા સૈફ અલી ખાન ફરી એકવાર વિવાદમાં છે. કરીનાના બીજા દીકરા જહાંગીરના નામનો ઘટસ્ફોટ થતાં જ ટ્રોલર્સે તેમને ટ્રોલ કર્યા હતા. કરીનાએ પોતાની બુક 'પ્રેગ્નન્સી બાઇબલ'માં બીજા દીકરાના નામની જાહેરાત કરી હતી. કરીનાના દીકરાનું નામ જાહેર થતાં જ વિવાદ શરૂ થયો હતો. નામના વધતા વિવાદ વચ્ચે કરીનાએ પહેલી જ વાર રિએક્શન આપ્યું છે. કરીના દીકરાને લાડમાં જેહ કહીને બોલાવે છે.

કાશ, આ બધું ના થાયું હોત
એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું, 'હવે શું થાય, મારે મેડિટેશન શરૂ કરવું પડશે. એક સિક્કાની બે બાજુ હોય છે, એક બાજુ હકારાત્મકતા તો બીજુ બાજુ નકારાત્મકતા. મારે આ બધું એ રીતે જોવું છે કે કાશ, આ ના થાત, કારણ કે આપણે બે માસૂમ બાળકો અંગે વાત કરીએ છીએ. જોકે, અમારે ખુશ અને પોઝિટિવ રહેવાનું છે.

વધુમાં કરીનાએ કહ્યું હતું, 'તમને ખબર છે કે હું ઘણી પોઝિટિવ વ્યક્તિ છું. હું ખુશમાં રહેતી હોઉં છું. મારે કોવિડના સમયમાં ખુશીઓ તથા પોઝિટિવિટી વહેંચવી છે. હું ટ્રોલ અથવા કોઈ પણ પ્રકારની નેગેટિવિટી અંગે વિચારવા માગતી જ નથી.'

સો.મીડિયા યુઝર્સે જહાંગીર નામ રાખવા બદલ સૈફ-કરીનાને ટ્રોલ કર્યા
સો.મીડિયા યુઝર્સને જ્યારે ખબર પડી કે સૈફ-કરીનાએ દીકરાનું નામ જહાંગીર પાડ્યું છે તો તેમણે ફરી એકવાર તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સો.મીડિયા યુઝર્સે સવાલ કર્યો હતો કે કરીના-સૈફ મુઘલ શાસકોની ટીમ બનાવવા માગે છે, પહેલાં તૈમુર, હવે જહાંગીર તો ત્રીજો ઔરંગઝેબ?

સ્વરા ભાસ્કર તથા સબા અલી ખાને સમર્થન કર્યું હતું
આ પહેલાં સ્વરા ભાસ્કરે કરીનાને સપોર્ટ કરતા કહ્યું હતું કે એક કપલ પોતાના બાળકનું નામ રાખે છે અને તે કપલ તમે નથી. મફતમાં તમારો ઓપિનિયન આપવાનું બંધ કરો. જો તમે એમ કહો છો કે તમારી ધાર્મિક ભાવના આહત થઈ છે તો તે માત્ર એટલું જ કહેશે કે તમે દુનિયાના સૌથી મોટા ગધેડા છો.

સૈફ અલી ખાનની બહેન સબાએ પણ ભાભીનો બચાવ કરતા કહ્યું હતું કે નામમાં શું છે. પ્રેમ કરો, જીવો અને જીવવા દો.

‘જેહ’ અને ‘જહાંગીર’નો અર્થ
લેટિન ભાષામાં ‘જેહ’નો અર્થ બ્લૂ કલગીવાળું પક્ષી એવો થાય છે, જ્યારે પારસીમાં જેહનો અર્થ ‘આવવું, લાવવું’ એવો થાય છે. ભારતમાં એવિએશનના પિતામહ અને દિગ્ગજ ઉદ્યોગપતિ એવા જેઆરડી ટાટાનું નામ પણ જહાંગીર રતનજી દાદાભોય ટાટા હતું. પર્શિયન ભાષામાં ‘જહાંગીર’નો અર્થ વિશ્વવિજેતા એવો થાય છે.

કોણ હતો જહાંગીર?
જહાંગીર મુઘલ સમ્રાજ્યનો ચોથો સમ્રાટ હતો. તે અકબરનો દીકરો હતો. તેનું સાચું નામ સલીમ હતું. જોકે તેને શહેનશાહ જહાંગીરના નામથી ઓળખવામાં આવે છે. તેનો જન્મ 30 ઓગસ્ટ, 1569માં થયો હતો. જહાંગીરે 22 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું હતું. જહાંગીર અંગે કહેવાય છે કે તે ક્યારેક ક્રૂર તો ક્યારેક દરિયાદિલ પણ હતો. જહાંગીરે શીખ ગુરુ અર્જુન દેવને મોતની સજા આપી હતી.

તૈમુર વખતે પણ વિવાદ થયેલો
20 ડિસેમ્બર, 2016ના રોજ જ્યારે કરીના કપૂરે પહેલા દીકરાને જન્મ આપ્યો ત્યારે તેનો ગોળમટોળ ચહેરો જોઇને સૌ તેની ક્યુટનેસ પર ઓવારી ગયા હતા, પરંતુ જેવું સૈફ-કરીનાએ દીકરાનું નામ ‘તૈમુર’ છે તેવી જાહેરાત કરી ત્યારે ઇન્ટરનેટ પર પસ્તાળ પડી હતી. લોકો એ વાતે ખફા થઈ ગયેલા કે તેમણે પોતાના દીકરાનું નામ ભારત પર ચડી આવેલા ક્રૂર હુમલાખોર ‘તૈમૂર લંગ’ના નામ પરથી દીકરાનું નામ પાડ્યું છે. આ મુદ્દે જબ્બર ટ્રોલિંગ પણ ચાલ્યું હતું.

21 ફેબ્રુઆરીએ જેહને જન્મ આપ્યો
કરીના તથા સૈફે 2012માં લગ્ન કર્યા હતા. પહેલા દીકરા તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર, 2016માં થયો હતો. 21 ફેબ્રુઆરી, 2021ના રોજ કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પ્રેગ્નન્સી દરમિયાન કરીનાએ આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ કર્યું હતું.