બેબોને કેમ બોયકોટ કરી?:સીતાના રોલ માટે કરીનાનું નામ ચર્ચાતા સો. મીડિયા યુઝર્સે ગુસ્સે થઈને લખ્યું, ‘તે તૈમૂરની અમ્મી છે, માતા સીતા ના બની શકે’

6 મહિનો પહેલા
  • સોશિયલ મીડિયા પર #BoycottKareenaKhan ટ્રેન્ડ થઈ રહ્યું છે
  • યુઝર્સ કરીનાનાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી રહ્યા છે

હાલમાં એવા સમાચાર મળ્યા હતા કે ડિરેક્ટર અલૌકિક દેસાઈએ પોતાની ફિલ્મ સીતા માટે લીડ એક્ટ્રેસ માટે કરીના કપૂરને અપ્રોચ કર્યો છે. બેબોએ આ રોલ માટે 12 કરોડ રૂપિયા ફી માગી છે. જો કે, હજુ સુધી ઓફિશિયલ ન્યૂઝ આવ્યા નથી પરંતુ સોશિયલ મીડિયામાં બેબોનો વિરોધ શરુ થઈ ગયો છે. ઘણા યુઝર્સનું માનવું છે કે, જો કરીના માતા સીતાનો રોલ કરશે તો હિંદુ ધર્મ અને માતા સીતાનું અપમાન થશે. સોશિયલ મીડિયા પર #BoycottKareenaKhan ટ્રેન્ડ થઈ રહ્યું છે. યુઝર્સ કરીનાનાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી રહ્યા છે.

યુઝર્સે કેવી કમેન્ટ કરી?
એક યુઝરે બોયકોટ હેશટેગ સાથે લખ્યું, અમારી ભાવના સાથે ના રમો. કરીનાને બોયકોટ કરો.

બીજા યુઝરે લખ્યું, તે તૈમૂર ખાનની અમ્મી છે. આથી તે માતા સીતાનો રોલ ના કરી શકે.

અન્ય યુઝરે લખ્યું, અમે માતા સીતાના રોલ માટે માત્ર હિંદુ એક્ટ્રેસ ઈચ્છીએ છીએ. માતા સીતાના રોલ માટે અમને કરીના સ્વીકાર્ય નથી.

એક યુઝરે લખ્યું, હું શરત સાથે કહી શકું છું કે, કરીનાએ આખી લાઈફમાં ક્યારેય રામાયણ વાંચી નહીં હોય અને તેને માતા સીતાનો રોલ કરવો છે. બધા બોલિવૂડ વિરુદ્ધ ભેગા થઈને ઊભા રહો.

ફિલ્મમાં રાવણનો રોલ રણવીર પ્લે કરી શકે છે
રિપોર્ટ પ્રમાણે, અલૌકિક દેસાઈએ રાવણનાં રોલ માટે રણવીર સિંહને અપ્રોચ કર્યો છે. રણવીરને સ્ટોરી ગમી છે પણ તેણે હજુ હા પાડી નથી. બાહુબલી ફેમ રાઈટર કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખેલી આ ફિલ્મનાં લીડ રોલ માટે કરીના અને આલિયા ભટ્ટનું નામ ચર્ચાઈ રહ્યું છે. જો કે, હજુ સુધી મેકર્સે ઓફિશિયલી કોઈ નામની ઘોષણા કરી નથી.