કરીનાના શોમાં વરુણ:કરીનાએ નતાશા દલાલને વરુણ ધવનની મંગેતર કહી, વરુણનો ઘટસ્ફોટ- નતાશાએ મને ચાર વાર રિજેક્ટ કર્યો હતો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરીના કપૂર રેડિયો ચેટ શોની બીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ વરુણ ધવને આ શોમાં ફિલ્મ 'કુલી નંબર 1'નું પ્રમોશન કર્યું હતું. વરુણ સાથેની વાતચીતમાં કરીનાએ નતાશા દલાલને તેની મંગેતર કહી હતી. વરુણે ઘટસ્ફોટ કર્યો હતો કે નતાશાએ તેને ત્રણથી ચાર વાર રિજેક્ટ કર્યો હતો.

લગ્ન અંગે વરુણે કહ્યું, મને લાગે છે કે લગ્ન કરવા જોઈએ
વરુણ તથા નતાશા કોલેજથી એકબીજાના મિત્ર છે અને ઘણાં વર્ષોથી રિલેશનશિપમાં છે. લગ્ન અંગે વરુણે કહ્યું હતું, 'આટલાં લાંબા સમયથી એકબીજાની સાથે રહ્યાં બાદ મને લાગે છે કે લગ્ન કરવા જોઈએ. જ્યારે હું મારા ભાઈ-ભાભીને જોઉં છું, ભત્રીજીને જોઉં છું તો લાગે છે કે આ યોગ્ય છે.'

મને તો લિવ ઈનમાં રહેવામાં પણ વાંધો નહોતોઃ વરુણ
વરુણે વધુમાં કહ્યું હતું, 'નતાશા તથા તેનો પરિવાર અમારા સંબંધો અંગે ઘણો જ રિલેક્સ છે. મને એક સમય બાદ એવું લાગ્યું હતું કે તમારે એકબીજાની સાથે રહેવું જોઈએ. મને તથા નતાશાને લિવ ઈનમાં રહેવામાં પણ વાંધો નહોતો. જોકે, મારા પેરેન્ટ્સ આ માટે તૈયાર નહોતા. તેઓ ઈચ્છતા હતા કે હું લગ્ન જ કરું.'

નતાશાએ ઘણીવાર રિજેક્ટ કર્યો
વરુણે આગળ કહ્યું હતું, 'હું નતાશાને પહેલીવાર છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે ક્લાસમાં મળ્યો હતો. ત્યારે અમે એકબીજાને ડેટ કરતાં નહોતા. 12 ધોરણ સુધી અમે સારા મિત્રો હતા. મને આજે પણ યાદ છે કે અમે માણેકજી કૂપર સ્કૂલમાં હતા. તે બાસ્કેટ બોલની યલો ટીમમાં તથા હું રેડ ટીમમાં હતો. લંચ દરમિયાન કેન્ટીનમાં જ્યારે તે મારી સામે આવી તો મને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. જોકે, તેણે ત્રણથીચાર વાર મને રિજેક્ટ કર્યો હતો. જોકે, મેં હિંમત હારી નહોતી.'

વરુણ તથા નતાશાના લગ્ન અંગે અફવા હતી કે આ બંને થાઈલેન્ડમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું વિચારી રહ્યાં છે. જોકે, કોવિડ 19ને કારણે તેમણે લગ્ન પોસ્ટપોન કર્યાં હતાં.