છેલ્લા ઘણા સમયથી બૉલિવૂડની ફિલ્મમાં બે કે ત્રણ ફિલ્મને બાદ કરતા ખાસ કોઇ કલેકશન જોવા મળતું નથી. આ વચ્ચે કરન જોહરે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ચોકોવનારો ખુલાસો કર્યો છે. કરને બોલિવૂડ ફિલ્મોના ઘટી રહેલા સ્ટાન્ડર્ડ વિશે વાત કરી હતી. કરને જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે, જ્યારે બોલિવૂડમાં ઓરિજિનલ ફિલ્મો બનતી હતી પરંતુ હવે વધુ પડતી રિમેકને કારણે દર્શકો હિન્દી ફિલ્મોથી દૂર ભાગવા લાગ્યા છે. તો વધુમાં કરને જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. કરને વધુમાં કહ્યું છે કે, તે તેમજ ફિલ્મ ઉદ્યોગના મોટાભાગના ફિલ્મ નિર્માતાઓ નવી વસ્તુઓ અજમાવવાથી ડરતા હોય છે અને ઘણીવાર જો અજમાવે પણ છે તો ટ્રેન્ડમાં ફસાઈ જાય છે.
ઓરિજિનલ કન્ટેન્ટની ઉણપ
ઈન્ટરવ્યુમાં વાત કરતા કરણે કહ્યું 'આપણે ગાડરીયા પ્રવાહ પાછળ દોડીએ છીએ. 70ના દાયકામાં આપણા ફિલ્મ ઉદ્યોગમાં ઓરીજનલ કન્ટેન્ટ બનાવવામાં આવતું હતી, પરંતુ 80ના દાયકા સુધીમાં રિમેકની ભરમાર હતી. આજે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. આપણે હવે તમામ પ્રખ્યાત તમિલ અને તેલુગુ ફિલ્મોની રિમેક બનાવવાનું શરૂ કર્યું છે. અહીંથી જ નુકસાનની શરૂઆત થઈ હતી. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સરખામણીમાં આપણે હવે પાછળ રહી ગયા છીએ. આજે આપણી પાસે વિશ્વાસનો અભાવ છે. અમને હવે ઓરિજિનલ કન્ટેન્ટ બનાવવામાં ડર લાગે છે.
મારા જેવા ફિલ્મમેકર ટ્રેડર્સનો હિસ્સો બની ગયા છે
કરને કહ્યું હતું કે, 'મારા સહિત ઘણા ફિલ્મમેકર્સ વારંવાર ટ્રેન્ડનો હિસ્સો બને છે. દર વર્ષે કેટલીક એવી ફિલ્મો આવે છે, જેને જોઈને અન્ય ફિલ્મમેકર્સ પણ આવી જ ફિલ્મો બનાવવા લાગે છે. 90ના દાયકામાં જ્યારે 'હમ આપકે કૌન હૈ' આવી ત્યારે અમે એક જ પ્રકારની ઘણી ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મોથી શાહરૂખ ખાન ફેમસ થયો હતો. 2001માં જ્યારે 'લગાન'ને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી, ત્યારે બધાએ એ પ્રકારની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું. 2010માં 'દબંગ'ની સફળતા બાદ અમે કોમર્શિયલ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
રોકી અને રાનીની પ્રેમ કહાનીથી ડાયરેક્શનમાં પરત ફરશે
કરન જોહર બોલિવૂડના મોટા ફિલ્મ મેકર્સ પૈકી એક છે, કરને કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને એ દિલ હૈ મુશ્કિલ સહિત અનેક ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. એક જમાના ફેમસ ફિલ્મ મેકર યશ જોહરનો દિકરો છે. કરનની ગણના હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પાવરફુલ લોકોમાં કરવામાં આવે છે. કરન 2023માં 'રોકી અને રાની'ની લવસ્ટોરી સાથે ડિરેક્ટર તરીકે પરત ફરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. કરનના ધર્મા પ્રોડક્શને તાજેતરના ભૂતકાળમાં ઘણી મોટી ફિલ્મો બનાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.