ભાસ્કર એક્સક્લૂઝિવ:કપૂર પરિવારના લગ્નો ટેસ્ટી ભોજન, દુનિયાના બેસ્ટ દારૂ ને ભવ્ય વેડિંગ વેન્યૂ માટે લોકપ્રિય હતાં

મુંબઈએક મહિનો પહેલાલેખક: મનીષા ભલ્લા

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ 14 એપ્રિલના રોજ લગ્ન કરવાના છે. રણબીર શરમાળ સ્વભાવનો હોવોને કારણે લગ્ન ઘણાં જ સાદગીથી કરવામાં આવી રહ્યા છે. કપૂર પરિવારના ફેમિલી ફિઝિશિયન ડૉ. ઓપી કપૂર પરિવાર સાથે પૃથ્વીરાજ કપૂરના સમયથી જોડાયેલા છે. કપૂર પરિવારની સારવાર કરનાર ઓપી કપૂર હાલમાં 97 વર્ષના છે. જોકે, તેમના મનમાં કપૂર પરિવારના લગ્નની ભવ્ય યાદો આજે પણ છે. મુંબઈમાં તેઓ એક માત્ર એવા વ્યક્તિ છે, જેમણે કપૂર પરિવારના અનેક લગ્નમાં હાજરી આપી છે. તેમણે રિશી કપૂર, રાજીવ કપૂર, રણધીર કપૂર, શમ્મી કપૂરના લગ્નને નજીકથી જોયા છે.

ભવ્યત માટે કપૂર પરિવારના લગ્ન લોકપ્રિય રહેતા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઓપી કપૂરે કહ્યું હતું કે કપૂરના લગ્નમાં તે દિવસે ભવ્યતા રહેતી હતી. કપૂર્સના લગ્ન એટલે ગ્રાન્ડ, દરેક વસ્તુ ગ્રાન્ડ અને બધું જ ગ્રાન્ડ. વિશ્વનું લાજવાબ ભોજન, દુનિયાનો બેસ્ટ દારૂ, ડેકોરેશન, ડ્રેસ, વેન્યૂ એટલે કે દરેક બાબત ભવ્ય તથા અલગ રહેતી હતી. ઇન્ડસ્ટ્રીથી લઈ દેશ-દુનિયા કપૂર્સના લગ્નની આતુરતાથી રાહ જોતા હતા, કારણ કે આવી ભવ્યતા અન્ય કોઈ લગ્નમાં જોવા મળતી નહોતી. એક રીતે તે લગ્ન શાહી લગ્ન ગણાતા હતા.

વિધિઓના મુહૂર્ત અંગે એકદમ ચોક્કસ
વધુમાં ઓપી કપૂરે કહ્યું હતું કે તે જ્યારે પણ પરિવારના લગ્નમાં સામેલ થયા ત્યારે તેમણે જોયું કે કપૂર્સ દરેક વિધિ નક્કી કરેલા સમયે કરતા. દરેક લગ્નમાં વિધિઓ એક સેકન્ડ ના આગળ થતી કે ના પાછળ થતી. કપૂર્સ લગ્નના મુહૂર્ત ઉપરાંત પંડિત અંગે પણ ચોક્કસ રહેતા. કપૂર પરિવારમાં આ બંને બાબતોનું કડકાઈથી પાલન કરવામાં આવ્યું હતું.

મહિનાઓ સુધી દારૂ-ભોજનની ચર્ચા થતી
ઓપી કપૂરે વાત કરતાં આગળ કહ્યું હતું કે તે સમયે કપૂર પરિવારના લગ્નનો અર્થ થતો કે વિશ્વભરનું બેસ્ટ ભોજન ને દારૂ મળશે. લગ્નના મહિનાઓ બાદ આની ચર્ચા થતી રહેતી હતી. જોકે, હવે રણબીરના લગ્નમાં તે ભવ્યતા નથી. તેનું કારણ એ પણ છે કે હવે તે લોકો નથી, જેમના કારણે ભવ્યતા રહેતી હતી.

પંજાબી રીત રિવાજથી લગ્ન થશે
ડૉક્ટર કપૂરે કહ્યું હતું કે કપૂર પરિવાર પંજાબી રીત રિવાજથી લગ્ન કરે છે. પંજાબના કોઈ ગામમાં જે રીત રિવાજો થતાં હોય તે તમામ કપૂરના લગ્નમાં થયા જ હોય. તેઓ એક પણ વિધિ સાથે સમાધાન કરતા નહોતા. ઘોડી પર ચઢવાની વિધિથી લઈને વિદાય સુધીની વિધિ પંજાબી રીતે થતી. હાલમાં ઓપી કપૂરની બાયપાસ સર્જરી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કપૂર્સના લગ્નનો તે સમય હવે ક્યારેય પાછો આવી શકે તેમ નથી.