તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર યાદો રહેશે:કપૂર પરિવાર આરકે સ્ટુડિયો બાદ રાજ કપૂરનો ચેમ્બુર સ્થિત બંગલો વેચવા કાઢશે, રણધીર કપૂરે બાંદ્રામાં નવું ઘર લીધું

મુંબઈ5 મહિનો પહેલા
  • ચેમ્બુર સ્થિત બંગલામાં રણધીર કપૂર એકલા પડી ગયા
  • બાંદ્રામાં પત્ની તથા દીકરીઓના ઘરની નજીક નવું ઘર ખરીદ્યું

74 વર્ષીય રણધીર કપૂર હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે. તેઓ કોરોના પોઝિટિવ છે અને તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રણધીર કપૂરના સ્ટાફના પાંચ લોકો પણ કોરોના પોઝિટિવ છે અને તેમને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન રણધીર કપૂરના ચેમ્બુર સ્થિત ઘરની વાત સામે આવી છે. રણધીર કપૂર આ ઘર વેચી નાખવાના છે. રાજ કપૂરે આ બંગલો બનાવ્યો હતો. આરકે સ્ટુડિયોની જેમ જ હવે રાજ કપૂરનો આ બંગલો પણ ઈતિહાસના પન્નાઓમાં ખોવાઈ જશે. ઉલ્લેખનીય છે કે રાજ કપૂર પરિવાર સાથે અહીં જ રહેતા હતા. રાજ કપૂરનાં પત્ની કૃષ્ણા રાજ કપૂરનું અવસાન 2018માં થયું હતું. આ જ બંગલામાંથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

દીકરી ને પત્નીની નજીક રહેવા આવશે
ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, રણધીર કપૂરે ચેમ્બુર સ્થિત પોતાનું પૈતૃક ઘર વેચવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં તેમણે બાંદ્રા સ્થિત માઉન્ટ મેરી ચર્ચની નજીકમાં ઘર ખરીદી લીધું છે. આ જ વિસ્તારમાં રણધીર કપૂરની દીકરી કરિશ્મા, કરીના તથા પત્ની બબિતા રહે છે.

કોરોનાના કેસમાં વધારો થયો તો ઘરનું કામ પૂરું થશે નહીં
સૂત્રોના મતે, રણધીર કપૂરના બાંદ્રા સ્થિત ઘરમાં કામકાજ ચાલી રહ્યું છે. જો કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો ના થયો તો આ કામ ક્યારેય પૂરું થશે એ એક સવાલ છે.

પત્ની તથા દીકરીઓ સાથે રણધીર.
પત્ની તથા દીકરીઓ સાથે રણધીર.

ચેમ્બુરના ઘરમાં રણધીર કપૂર એકલા પડી ગયા છે
નવ ફેબ્રુઆરીના રોજ રાજીવ કપૂરનું નિધન થયું હતું. રાજીવના અવસાન બાદ રણધીર કપૂર સાવ એકલા પડી ગયા છે. રણધીર કપૂરે કહ્યું હતું, ‘રાજીવ મોટા ભાગે મારી સાથે રહેતો હતો. આમ તો પુણેમાં તેનું ઘર હતું, પરંતુ તે મુંબઈમાં જ રહેતો હતો. હવે હું બબિતા, બેબો (કરીના), લોલો (કરિશ્મા)ના ઘરની નજીક રહેવા જવાનો છું.’

રાજીવ કપૂરની અંતિમયાત્રા ચેમ્બુર સ્થિત ઘરમાંથી જ કાઢવામાં આવી હતી. રાજીવનું આ વર્ષે 9 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું.
રાજીવ કપૂરની અંતિમયાત્રા ચેમ્બુર સ્થિત ઘરમાંથી જ કાઢવામાં આવી હતી. રાજીવનું આ વર્ષે 9 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું.

પૈતૃક ઘર વેચી નાખશે
રણધીર કપૂરે આગળ કહ્યું હતું, ‘મારા પેરન્ટ્સે મને કહ્યું હતું કે હું ચેમ્બુરના ઘરમાં જ્યાં સુધી ઈચ્છું ત્યાં સુધી રહી શકું છું. જોકે જે દિવસે મેં ઘર વેચવાનું નક્કી કર્યું છે ત્યારથી મેં મારાં ભાઈ-બહેનો સાથે વેચાણની તમામ પ્રક્રિયા શરૂ કરી છે. મેં મારા કરિયરમાં ઘણું જ સારું કર્યું છે અને મેં રોકાણ પણ સારી રીતે કર્યું છે.’

આ પહેલાં RK સ્ટુડિયો વેચ્યો
વર્ષ 2017માં આઈકોનિક આરકે સ્ટુડિયોમાં આગ લાગી હતી અને ત્યાર બાદ ખોટ જતાં કપૂર પરિવારે ભારે હૈયે સ્ટુડિયોને વેચવા કાઢ્યો હતો. કપૂર પરિવારે આ સ્ટુડિયો ગોદરેજ બિલ્ડર્સને વેચ્યો હતો. બિલ્ડર્સે સ્ટુડિયો તોડીને અહીં અપાર્ટમેન્ટ્સ બાંધવાનું નક્કી કર્યું છે. ઘણા ચાહકો એમ માની રહ્યા હતા કે સ્ટુડિયો તૂટ્યા બાદ આ સ્થળ સાથે જોડાયેલી તમામ યાદોનો પણ અંત આવી જશે. જોકે ગોદરેજ બિલ્ડર્સે ‘આરકે’નો આઈકોનિક લોગો એમ ને એમ જ રાખવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં, અપાર્ટમેન્ટ્સને બોલિવૂડ થીમ પ્રમાણે બનાવવામાં આવશે.

સૂત્રોના મતે, ગોદરેજે માત્ર સ્ટુડિયો જ નથી ખરીદ્યો, પરંતુ સ્ટુડિયોમાં રહેલી વિવિધ વસ્તુઓ પણ ખરીદી છે. આ તમામ વસ્તુઓનો ઉપયોગ અપાર્ટમેન્ટના ઈન્ટીરિયર ડેકોરેશનમાં કરવામાં આવશે અને અપાર્ટમેન્ટને બોલિવૂડ ટચ આપવામાં આવશે. અહીં ત્રણ તથા ચાર બેડરૂમ-હોલ-કિચનના અપાર્ટમેન્ટ બનાવવામાં આવશે.

ગોદરેજ બિલ્ડર્સે આઇકોનિક ચેમ્બુર સ્ટુડિયોનો ‘આરકે’ લોગો જાળવી રાખ્યો છે.
ગોદરેજ બિલ્ડર્સે આઇકોનિક ચેમ્બુર સ્ટુડિયોનો ‘આરકે’ લોગો જાળવી રાખ્યો છે.

71 વર્ષ જૂના આરકે સ્ટુડિયોને લઈ કપૂર પરિવારે કહ્યું હતું કે ચેમ્બુરમાં આવેલા આ સ્ટુડિયોમાં ટ્રાફિકને કારણે એકપણ એક્ટર શૂટિંગ માટે આવતા નથી. આજકાલ સ્ટાર્સ ફિલ્મસિટીમાં શૂટિંગ કરવાનું પસંદ કરે છે. આગ લાગ્યા બાદ સ્ટુડિયોને મેઇનટેન કરવો મુશ્કેલ થઈ ગયો હતો. પરિવાર માટે આ મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ આના સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

છેલ્લે 1999માં ફિલ્મનું શૂટિંગ થયું હતું
1948માં રાજ કપૂરે ફ્રેન્ડ્સ પાસેથી પૈસા ઉધાર લઈને ચેમ્બુરના બિયાબાન વિસ્તારમાં સ્ટુડિયો માટે જમીન ખરીદી હતી. અહીં છેલ્લે ‘આ અબ લૌટ ચલે’ (1999) ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી એક પણ ફિલ્મનું શૂટિંગ અહીં થયું નહોતું. રિયાલિટી શો તથા બ્રાન્ડ શૂટિંગ થતાં હતાં, પરંતુ વર્ષ 2017માં આગ લાગ્યા બાદ આ સ્ટુડિયો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. આ સ્ટુડિયો બે એકરમાં ફેલાયેલો હતો. અહીં માત્ર શૂટિંગ જ નહીં, પરંતુ તહેવારો પણ સેલિબ્રેટ થતા હતા. સ્ટુડિયોમાં ‘શોર’, ‘ક્રાંતિ’, ‘ઉપકાર’ જેવી ફિલ્મના શૂટિંગ થયા હતા.