સર્જરી મોંઘી પડી:રૂટ કેનલ સર્જરીને કારણે કન્નડ એક્ટ્રેસ સ્વાતિ સતીશનો ચહેરો બગડ્યો, ઓળખવી પણ મુશ્કેલ બની

બેંગલુરુ17 દિવસ પહેલા

ગ્લેમર વર્લ્ડમાં સેલેબ્સ માટે તેમનો ચહેરો ઘણું મહત્ત્વ ધરાવતો હોય છે. સ્ટાર્સ પ્લાસ્ટિક સર્જરી કરાવીને ચહેરાને સુંદર કરાવતા હોય છે. જોકે ઘણીવાર સર્જરી નિષ્ફળ જતી હોય છે. તેમની એક ભૂલનું નુકસાન ઉઠાવવું પડે છે. હાલમાં જ કન્નડ એક્ટ્રેસ સ્વાતિ સતીશે રૂટ કેનલ સર્જરી કરાવી હતી. ખોટી ટ્રીટમેન્ટને કારણે સ્વાતિનો ચહેરો બગડી ગયો છે અને તે ઓળખી શકાય એમ નથી. સ્વાતિની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

ચહેરા પર સોજો આવી ગયો છે
સ્વાતિની વાઇરલ થયેલી તસવીરોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેના ચહેરા પર સોજો આવી ગયો છે. હોઠથી લઈ ગાલ પર સોજો છે. સ્વાતિએ બેંગલુરુમાં રૂટ કેનલ સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેના ચહેરા પર સોજો આવી ગયો હતો.

ઘરમાં પુરાઈ રહે છે
સ્વાતિ સતીશે જ્યારે ડૉક્ટર્સને આ અંગે વાત કરી તો તેમણે આશ્વાસન આપ્યું હતું કે બે-ત્રણ દિવસમાં બધું ઠીક થઈ જશે અને સોજો પણ જતો રહેશે. જોકે સર્જરીનાં ત્રણ અઠવાડિયાં બાદ પણ સ્વાતિની હાલતમાં કોઈ ફેર પડ્યો નહોતો. તેનો ચહેરો પૂરી રીતે બગડી ગયો હતો અને તેને દુખાવો થતો હતો. આ જ કારણે તેણે ઘરની બહાર નીકળવાનું સંપૂર્ણ બંધ કરી દીધું છે. સ્વાતિએ પોતાની આ હાલત માટે ડૉક્ટર્સને જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું હતું કે સારવાર દરમિયાન તેને એનેસ્થેસિયાને બદલે સેલિસિલિક એસિડ આપવામાં આવ્યું હતું. આ અંગે સ્વાતિને જાણ થઈ તો તેણે હોસ્પિટલ જઈને વાત કરી હતી.

અન્ય હોસ્પિટલમાં સારવાર શરૂ કરી
સ્વાતિ હવે બેંગલુરુની અન્ય હોસ્પિટલમાં દુખાવા તથા સોજાની સારવાર કરાવી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્વાતિ સતીશ 'FIR', '6 ટુ 6' જેવી ફિલ્મને કારણે જાણીતી છે. સ્વાતિએ ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે.

પ્લાસ્ટિક સર્જરીને કારણે મોત થયું હતું
21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત થયું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ચેતના રાજ 16 મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેણે એ જ દિવસે 'ફેટ ફ્રી' સર્જરી કરાવી હતી. સર્જરી બાદ ચેતનાની તબિયત લથડી હતી. ચેતનાનાં ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. ડૉક્ટર્સ ચેતનાને બચાવી શક્યા નહોતા અને ગણતરીની મિનિટમાં ચેતનાનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...